આપણે આપણા કાયમી ભૌગોલિક વિસ્તારની બહાર નીકળીને બીજા અપરિચિત વિસ્તારમાં જઈએ ત્યારે પહેલો પડકાર આબોહવા અને બીજો પડકાર ભાષા હોય છે. ત્રીજું ખાનપાન અને ચોથો એ વિસ્તારનો સ્થાનિક માણસ હોય છે. ગુજરાતમાં કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. બોલી એટલે એક જ ભાષાના અલગ અલગ મિજાજ. કાઠીયાવાડ, કચ્છ, ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આદિવાસી પટ્ટો જેવા ભૌગોલિક ભૂભાગમાં પણ ભાષાનું ઉચ્ચારણ, લઢણ, લહેકો, ઉષ્મા બદલાઈ જાય છે. દરેક ભાષાનું પોતાનું ગૌરવ હોય છે. માતૃભાષા, દૂધભાષા, રાષ્ટ્રભાષા, વ્યવહારની ભાષાનો દરેકનો અલગ મુકામ છે. માણસ જે ભાષામાં રડે છે, લડે છે, હસે છે, ગમગીન થાય છે, શાયરી કરે છે, ગાળો બોલે છે, એ ભાષા એના જીવનમાં વણાઈ ગયેલી હોય છે. આ ભાષા સિવાય બીજી ભાષા શીખવા પ્રયત્ન કરવો પડે છે. એ ભાષા, અને એ ભાષા બોલતી વ્યક્તિ પ્રત્યે એક તંતુ બંધાયેલો રહે છે. દુનિયાના કોઈ ખુણે હમઝુબાં મળી જાય તો લાગણી થઇ આવે છે. પોતાના પ્રાંતની ભાષા, પોતાના દેશની જબાન કોઈ અજાણી જગ્યાએ પણ, કોઈ અજાણી વ્યક્તિના મોઢેથી પણ સંભાળવી ગમે છે. અમેરિકાના હ્યુસ્ટનમાં એક તમાકુના સ્ટોરવાળો હિન્દી બોલ્યો ત્યારે ખુબ આનંદ થયેલો. એણે કહેલું કે હું સામાન હિન્દુસ્તાનથી લાવું છું, અને મારા લગભગ ઘરાક અમેરિકનો છે. હું પાકિસ્તાની છું. મને એણે મારી જોઈતી ચીજ મફત આપેલી. આગ્રહ છતાં પૈસા ન લીધા. એણે બોલેલા અલ્ફાઝ મારા દેશની ભાષાના હતા, મારી રાષ્ટ્રભાષાના હતા. એ ભાષા જે મારું ગૌરવ છે. મેં નિશાળમાં ગાયેલું હતું, ” હિન્દી હૈ હમ, વતન હૈ, હિન્દોસ્તાન હમારા…” અને કબીર વાંચ્યા હતા જેણે લખ્યું હતું કે “ જૈસા પાની પીજિયે તૈસી બાની હોય…” હું હિન્દુસ્તાનનું પાણી પી ને ગયો હતો. ભાષા પર અન્ય ભાષાના આક્રમણો થતા રહે છે. આ ખુબ જુનો વિષય છે. અંગ્રેજો આખા વિશ્વમાં ઘૂસી ગયા અને અંગ્રેજી ભાષા ઘુસાડી ગયા. આજે અંગ્રેજી વિશ્વભાષા બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય ભાષા બની ચૂકી છે. અલબત આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનાઓ હજુ પણ બેધડક “ નો ઈંગ્લીશ… નો ઈંગ્લીશ…” નો આગ્રહ રાખે છે. અદ્દલ એવો જ આગ્રહ ઘણી વખત દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં જોવા મળે છે… “નો હિન્દી… નો હિન્દી….” જયારે અહી અંગ્રેજી ભાષાનું આક્રમણ થયું ત્યારથી ગુજરાતની એક પેઢી અંગ્રેજીના ડાયેરિયા, નોલેજ, ન્યુમોનિયા જેવા શબ્દોમાં ખુંપી ગઈ છે. શિક્ષણના માધ્યમ અંગેના કલ્પાંતો આપણને સંભળાતા રહે છે. બંને બાજુના પક્ષધરો હાજર છે.
આઝાદી પહેલા ૧૯૨૧માં ભાષાવાર પ્રાંત રચવાનું વચન કોંગ્રેસે આપેલું. ૧૯૨૮માં ‘નેહરુ રિપોર્ટ’ પ્રસિદ્ધ થયો જેમાં પણ ભાષાવાર પ્રાંતના વચનની ખાતરી આપવામાં આવી હતી. આઝાદી બાદ ૧૯૪૭માં બંધારણ સભામાં ખુદ વડાપ્રધાન નેહરુએ ભાષાવાર પ્રાંત રચવાના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો અને ૧૯૫૩માં હૈદરાબાદમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં પણ એ નિર્ણય સર્વાનુમતે સ્વીકારવામાં આવેલો. દરમિયાન ૧૯૫૨માં અલગ તેલુગુભાષી આંધ્રપ્રદેશની માગણી સાથે પોટ્ટી શ્રીરામુલુએ આમરણ ઉપવાસ કર્યા. ૫૬ દિવસના ઉપવાસ બાદ તેમનું મૃત્યુ થયું અને તોફાનો ફાટી નીકળ્યાં, પરિસ્થિતિ બેકાબૂ બની અને કેન્દ્ર સરકારે તરત અલગ આંધ્રપ્રદેશનું વચન આપી દીઘું. તેનો અમલ પણ કરી દીધો. આઝાદ ભારતમાં ભાષા આધારિત પ્રાંતરચનાનો આ પહેલો પ્રસંગ હતો. મહાગુજરાતની ચળવળ કતારમાં હતી. ગુજરાતીઓ મહાગુજરાત નામની ચળવળ ચલાવીને મહારાષ્ટ્રમાંથી અલગ થયા અને પ્રદેશનું નામ રાખ્યું ગુજરાત. જે મહાગુજરાત પણ રાખી શકાતું હતું. આમ, હિન્દુસ્તાન ભાષાના આધારે ટુકડા થતો રહ્યો.
તાજેતરમાં કેન્દ્ર સરકાર થ્રી લેંગ્વેજ પોલીસી લાવી છે. ૧૯૮૬ બાદ ૩૪ વર્ષે ભારત સરકારે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ ઘડી છે. ભારતના શિક્ષણ ક્ષેત્રે આ એક મોટો બદલાવ ગણાવાઈ રહ્યો છે. શિક્ષણ બંધારણની સમવાઈ સૂચિમાં છે. રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોની સંયુક્ત જવાબદારી છે. આ પોલીસીનો તમિલનાડુ સરકારે વિરોધ કર્યો છે. એણે કહ્યું છે કે અમારા પર પરાણે હિન્દી ભાષા થોપવામાં આવી રહી છે. અમે બે ભાષા, એક અંગ્રેજી અને બીજી તમિલ સાથે બરાબર છીએ. હિન્દી અમારી સ્થાનિક ભાષાને ખતમ કરી નાખશે, આ કેન્દ્ર સરકારનું કાવતરું છે. તામિલનાડુનો હિન્દી ભાષા વિરોધ નવો નથી. ૧૯૩૭ માં, અંગ્રેજી શાસન દરમિયાન, મદ્રાસ પ્રેસિડેન્સીની શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો તમિલનાડુ રાજ્યમાં ખુબ મોટા પાયે વિરોધ થયો હતો. આ ચળવળ દ્રવિડમ કઝગમ ત્યારબાદ દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે ડીએમકે દ્વારા ચલાવવામાં આવી હતી. આ વિરોધના પરિણામે શાળાઓમાંથી હિન્દી ભાષા હટાવવી પડી હતી. ત્યારબાદ ૧૯૬૫માં, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાને દેશની એકમાત્ર સત્તાવાર ભાષા બનાવવાની જાહેરાત કરવામાં આવી, ત્યારે સૌથી મોટો વિરોધ અને દેખાવો પણ તમિલનાડુ ખાતે જ થયા હતા. આ વિરોધ અને દેખાવો હિંસામાં પરિણમ્યા હતા. અને આ આંદોલને સમગ્ર તમિલનાડુ રાજ્યને હચમચાવી નાખ્યું. આંદોલનની તીવ્રતા જોઈ, કેન્દ્ર સરકારે પીછેહઠ કરવી પડી અને સમાધાન સ્વરૂપે હિન્દીની સાથે અંગ્રેજીને પણ સહ-સત્તાવાર ભાષા તરીકે જાળવી રાખવામાં આવી. ભાષા માત્ર કારકિર્દી બનાવવાનું ટૂલ નથી. ભાષા સંસ્કૃતિની પીછાણ છે. ભાષા અસ્મિતા છે. જે ગુજરાતી વિદ્યાર્થી ગુજરાતી નથી શીખતો એ મેઘાણી, કનૈયાલાલ મુન્શી, ચંદ્રકાંત બક્ષી નથી વાંચી શકવાનો. જે વિદ્યાર્થી હિન્દી નથી શીખતો એ સમગ્ર હિન્દી સાહિત્ય સર્જનથી વંચિત રહી જવાનો. જે અંગ્રેજી નથી શીખતો એ સમગ્ર અંગ્રેજી સાહિત્ય સર્જનથી વંચિત રહી જવાનો. વિશ્વની કોઈ ભાષા એટલી લોઠ્‌કી નથી જે જગતભરની તમામ ભાષાઓની સમાંતર અને બરાબર જેટલું સર્જન કરી શકે. હું પ્રાથમિક કક્ષાએથી હિન્દી ભણ્યો છું, મારી ગુજરાતી ખરાબ નથી થઇ કે ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ ઓછો નથી થયો. મારી માતૃભાષાને સન્માન મળે એવું હું ઈચ્છતો હોઉં તો મારે અન્યોની માતૃભાષા અને મારી રાષ્ટ્રભાષાનું સન્માન પહેલા કરવું પડે. ક્વિક નોટ – દાદા ધર્માધિકારીએ કહ્યું હતું, ‘આજે આપણે બહુરાજ્યવાદ અને બહુરાષ્ટ્રવાદમાં ચકચૂર છીએ. આજે દેશમાં નર્યો ઉદ્દંડ ભાષાવાદ છે. એમાંથી ભાષાવાર રાજ્યોનો જન્મ થયો છે. અહીંનું એ દુર્ભાગ્ય છે કે અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, લિપિ બઘું સંપ્રદાય સાથે ચાલે છે.