કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થાય છે. રાજુલા નજીક આવેલ હિંડોરણા બ્રિજ ઉપર વરસાદી ઝાપટાના કારણે લોખંડના સળિયા બહાર આવ્યા છે, આ લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે આ બ્રિજની કામગીરી કેટલી હદે નબળી ગુણવત્તાની છે તે પોલ ખુલી ગઈ છે. અહીં સામાન્ય વરસાદી ઝાપટાના કારણે ફરીવાર આ બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથીરિટીના અધિકારીઓ કામ કરનાર કોન્ટ્રાકટર એજન્સી સામે સવાલો ઉઠી રહ્યા છે. વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ હિંડોરણા બ્રિજ ઉપર આજ જગ્યા ઉપર અગાઉ ખાડામાં ગાબડા પડવાના કારણે કોન્ટ્રાકટર દ્વારા થીંગડા બુરવામાં આવ્યા બાદ હવે અહીં લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે ભારે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સુત્રોપાસેથી મળતી માહિતી પ્રમાણે આ નેશનલ ઓથીરિટીના અધિકારીઓ સ્થાનિક અને જિલ્લા પ્રશાશનને ગાઠતા નથી અને સંકલનના અભાવે સ્થાનિક જવાબદાર અધિકારીઓની કોઈ સુચનાનું પણ પાલન કરતા નથી તેવો ગણગણાટ ચાલી રહ્યો છે.

 

વાહનચાલકોએ રોષ વ્યકત કર્યો
વાહન ચાલક લખમણભાઇ વાવડીયાએ જણાવ્યું કે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર હિંડોરણા બ્રિજ ઉપર આ પાંચમી વાર લોખંડના સળિયા નીકળી ગયા છે. કેમિકલથી વાંરવાર મરામત કરી ઢાંક પીછોડો કરે છે. દોઢ વર્ષમાં આ સ્થિતિ બધા બ્રિજ ઉપર છે. સલામતીના કોઈ બોર્ડ નથી. બાઇક ચાલક બાધાભાઈ પટાટએ જણાવ્યું કે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ઓથીરીટીએ રસ્તાનું કામ નબળુ કર્યુ છે. નબળું કામ હોવાથી વાંરવાર ગાબડા પડ્‌યા કરે છે ભાવનગર ઓથોરિટી વાળાએ મનમાની કરી કામ કર્યું છે. નબળુ કામ થયુ હોવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી જાવા માટે પણ આવતા નથી.

 

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ૫ાંચ ટોલટેક્ષ
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે અતિ ખરાબ હોવા છતા વાહનચાલકો ટોલટેક્ષ ભરે છે. જેમાં આ હાઇવે ઉપર કુલ ૫ાંચ ટોલનાકા આવેલા છે. જેમાં જેમાં ટેક્ષ લેવામાં આવી રહ્યો છે. કોબડી ટોલ, લોંગડી ટોલ, નાગેશ્રી ટોલ, વેળવા ટોલ, સુંદરપરા ટોલ વિવિધ અલગ અલગ જિલ્લા તાલુકામાં આવેલ છે.

 

બે માસ પહેલા પણ માર્ગ પર તિરાડો પડી હતી
બે માસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી હતી જેના કારણે ભારે વિવાદ સર્જ્યો હતો જ્યારે આ તિરાડો પડી અને રસ્તો બેસી જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મસમોટી તિરાડો પડવાના કારણે વાહન ચાલકોએ રોષ વ્યકત કર્યો હતો અને નેશનલ હાઇવે ઓથીરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા થીંગડા મારી સંતોષ વ્યકત કરવામાં આવ્યો હતો. નેશનલ હાઇવેનું લોકાર્પણ હજુ થયુ નથી ત્યાં અધિકારીઓ અને પદાધિકારીઓની સાંઠગાંઠને કારણે કોન્ટ્રાકટરે કરેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.