ભાવનગર પોલીસ દ્વારા વેપારીઓને દુકાન બંધ કરાવવાની દાદાગીરીની ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચતા ૨૪ કલાક દુકાનો-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાનાં આદેશ આપવામાં આવ્યો છે. ગૃહવિભાગ દ્વારા ભાવનગર પોલીસને વેપારીઓને દુકાનો બંધ નહીં કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભાવનગર પોલીસ દ્વારા વેપારીઓને રાત્રે ૧૨ વાગ્યા પહેલા દુકાનો બંધ કરાવી દેવાની દાદાગીરીથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો. વેપારીઓને દુકાનો, રેસ્ટોરન્ટ્સ બંધ કરાવી દેતાં વેપાર પર અસર પડતી હતી. પોલીસની ગાડીની સાયરન વાગે એટલે વેપારીઓને શટર ડાઉન કરવા પડતા હતા. રાત્રે ૧૨ પહેલા ફરજીયાત દુકાનો બંધ કરવાનો નિયમ બન્યો હતો.
ભાવનગર પૂર્વના ધારાસભ્ય દ્વારા અગાઉ આઇજીને પત્ર લખ્યો હતો. પોલીસ દ્વારા કરાતી હેરાનગતિની રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય સેજલ પંડ્યાની રજુઆતને પણ કોરાણે મૂકાઈ હતી. ધારાસભ્યની રજુઆત ધ્યાને ન લેતા વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. ગૃહ વિભાગ દ્વારા ભાવનગર પોલીસને શટર ડાઉન ન કરાવવાનાં આદેશ અપાયા છે. વેપારીઓને ૨૪ કલાક દુકાનો-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.