રાજ્યમાં હર્ષોલ્લાસ પૂર્વક રથયાત્રાની ઉજવણી કરવામાં આવી છે. મહાનગરો સહિત વિવિધ વિસ્તારોમાં આજે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
હતું.કોરોનાને કારણે બે વર્ષ બાદ ભક્તો સાથે રથયાત્રા કાઢવાનો અવસર મળ્યો છે જેને લઇને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો
ભાવનગરમાં ભગવાન જગન્નાથની ૩૭મી રથયાત્રા નીકળી હતી. ભાવનગરમાં મહારાજો વિજયરાજસિંહ જી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રથયાત્રા પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે બંન્નેએ આરતી પણ ઉતારી હતી રથયાત્રા શહેરના ૧૮ કિલોમીટરના રૂટ પર ફરીને રાત્રે નિજ મંદિરમાં પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની રથયાત્રા સવારે ૮ વાગ્યે ભગવાનેશ્વર મહાદેવના મંદિરેથી શરૂ થઇ હતી.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન જગન્નાથની ૨૫૦મી રથયાત્રા નીકળી હતી. ભગવાન રણછોડજીની આરતી બાદ ચાંદીના રથમાં ભગવાન બિરાજમાન થયા ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલાં મંદિર ઘુમ્મટની અંદર ૫ પરિક્રમા અને ત્યારબાદ મંદિર પરિસરમાં ૧૧ પરિક્રમા કરવામાં આવી હતી. જે બાદ ભગવાન ૮ કિલોમીટરના રૂટ પર રણછોડ રાય નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે ભક્તોનું પણ ઘોડાપુર ઉમટ્યું હતું
અરવલ્લીના શામળાજીમાં કાળિયા ઠાકોર પણ રથયાત્રાએ નીકળ્યા હતાં અહીં શામળાજી બાળસ્વરૂપે બિરાજમાન છે. રથયાત્રા મંદિર પરિસરમાં ૭ આંટા ફેરવવામાં આવ્યા હતો આ દરમિયાન વરસાદના અમીછાંટણા પણ થતા ભક્તોમાં હરખની લાગણી જોવા મળી. પાલનપુરના ૧૯ કિલોમીટરના રુટ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું.રથયાત્રામાં હાથી, ઘોડા અને ઊંટલારી પણ જોડાઇ હતી. રથયાત્રામાં મગ, કાકડી અને જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું . હજોરોની સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા.
દાહોદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજોઇ. હાથી, ડીજે સાથે રથયાત્રા નીકળી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. રસ્તા પર જ્ય જગન્નાથના નારા સાથે આનંદપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળી હતી આ ઉપરાંત ગાંધીનગર,જોમનગર જુનાગઢ સહિત અનેક જીલ્લાઓ શહેરોમાંથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતાં