ભાવનગર જિલ્લા ઉપર કુદરતની કૃપા વરસી છે, જેના કારણે જિલ્લાના ડેમોમાં નવા નીરનો સંચય થયો છે. સિંચાઈ વિભાગ હેઠળ ભાવનગરના ૧૨, અમરેલીનો ૧ અને બોટાદના ૩ ડેમનો સમાવેશ થાય છે. આ વર્ષે સારા વરસાદને કારણે જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના ડેમોમાં પાણીની આવક થતાં ઘણા ડેમ ઓવરફ્લો થયા છે.ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ભાવનગર જિલ્લાના જળાશયો ૯૮.૬૬% ભરાયા છે, જેમાં માત્ર ૧.૩૪% જગ્યા બાકી છે. સિંચાઈ વિભાગ હેઠળના ૧૬ ડેમમાંથી ૧૩ ડેમ છલકાઈ રહ્યા છે. આ ડેમોની કુલ પાણી સંગ્રહ ક્ષમતા ૪૬૨.૨૫ મિલિયન ઘન મીટર છે, જેમાંથી ૪૫૬.૦૨ મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે. સિંચાઈ વિભાગના અધિકારી એ. એમ. બાલધીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાવનગર જિલ્લો જળાશયોની ભરતીમાં પ્રથમ ક્રમે છે.
સૌરાષ્ટÙનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આ ચોમાસામાં ત્રણ વખત ઓવરફ્લો થયો છે. ભાવનગર, અમરેલી અને બોટાદના ડેમોની વાત કરીએ તો, ૧૬માંથી ૧૩ ડેમ છલકાઈ રહ્યા છે, જ્યારે બાકીના ડેમ ૮૦%થી વધુ ભરાયેલા છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, ભાવનગર, તળાજા, મહુવા, ઘોઘા અને પાલીતાણા તાલુકાના અંદાજે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. આ ડેમો હેઠળ આવતી ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ હેક્ટર જમીનને આગામી શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણી પૂરું પાડવામાં આવશે.
સિંચાઈ વિભાગની યાદી અનુસાર, ૧૬માંથી ૮ ડેમ ઓવરફ્લો થયા છે, અને તેમાંથી વધારાનું પાણી દરિયામાં વહેતું કરવામાં આવી રહ્યું છે. શેત્રુંજી ડેમમાંથી ૪૫૦ ક્યુસેક, ખારો ડેમમાંથી ૮૪ ક્યુસેક, માલણ ડેમમાંથી ૩૪ ક્યુસેક, બગડ ડેમમાંથી ૨૧૧ ક્યુસેક, રોજકી ડેમમાંથી ૩૩૯ ક્યુસેક અને પીંગળી ડેમમાંથી ૫૩ ક્યુસેક પાણી દરિયામાં વહેતું કરવામાં આવી રહ્યું છે. કુલ ૧,૧૭૧ ક્યુસેક પાણી હાલ દરિયામાં જઈ રહ્યું છે.
ભાવનગર જિલ્લાના ૧૨ ડેમમાંથી ૧૦ ડેમ ઓવરફ્લો થયા છે. ઘોઘા તાલુકાના લાખણકા ડેમમાં ૪૪.૨૨ મીટરની ઓવરફ્લો સપાટી સામે ૩૮.૪૦ મીટર અને તળાજાના જસપરા માંડવા ડેમમાં ૪૦.૨૫ મીટરની ઓવરફ્લો સપાટી સામે ૩૪.૯૦ મીટરની સપાટી નોંધાઈ છે, જે ઓવરફ્લોથી થોડા દૂર છે. બોટાદ જિલ્લાના કાળુભાર ડેમમાંથી ૩૦૦ ક્યુસેક અને ખાંભડા ડેમમાંથી ૧૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો કુલ જથ્થો ૪૫૦ ક્યુસેક છે.







































