પીએમ મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પોતાના ગામ, શહેરના જન્મદિવસની ઉજવણી કરવા અંગે સૂચના આપી હતી. લોકો વચ્ચે જવા અને લોકોને પોતાની સાથે જોડવા આવી ઉજવણી, પ્રભાતફેરી સહિતના સંખ્યાબદ્ધ કાર્યક્રમો યોજવા આહવાન કર્યું હતું. તેને જ ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના ૩૦૦મા જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી છે. ભાવનગરના બોરતળાવમાં ૩ દિવસનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ૨ મેના રોજ કરાવશે.
આગામી ૨ મે, ૨૦૨૨ થી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગર કાર્નિવલ ૨૨ નું આયોજન થવા જઈ રહ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ભાવનગરના ૩૦૦ માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં પ્રખ્યાત કલાકારો સાંઈરામ દવે, પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાંત્વની ત્રિવેદી, જીગરદાન ગઢવી દેવ પગલી અને પ્રખ્યાત કવિ અંકિત ત્રિવેદી સહિતના કલાકારો દ્વારા સંગીતના કાર્યક્રમો અને રાજ્યની પ્રખ્યાત કલા સંસ્થાઓ દ્વારા લોકનૃત્ય અને સંગીત સહિતના રંગદર્શી કાર્યક્રમો યોજોશે.
ભાવનગરના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના સૂચન અનુસાર આ વર્ષે આ ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ આઝાદીના અમૃતમહોત્સવના ઉમંગ સાથે ઉજવવામાં આવશે. વિશેષરૂપે ૭૫૦ તિરંગાઓ સાથેની પદયાત્રા, વોલ પેઇન્ટિંગગ, રંગોલી સ્પર્ધા, મહાઆરતી સહિતના કાર્યક્રમો પણ આ જન્મોત્સવ અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજોશે. ઉલ્લેખનીય છે કે ભાવનગરનો રાજવી પરિવાર આ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થતો આવ્યો છે.
અખાત્રીજના શુભ દિવસે ઈ. સ. ૧૭૨૪ માં, સૂર્યવંશી ગોહિલ મહારાજો ભાવસિંહજી (પહેલા) રતનજીની અમીદૃષ્ટિ ખંભાતના અખાત પાસે આવેલી ‘વડવા ગામ’ ની ધારા પર પડી અને જન્મ થયો ‘ભાવ’ સિંહજી ના ભાવનગર નો. ગોહિલવાડની નવી રાજધાની અને સિંહોરથી ૨૦ કિલોમીટર દૂર ભાવનગર બની. દરિયાઇ વેપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને લીધે ભાવનગર ગોહિલવાડનો તેજસ્વી તારલો બની ગયું. લોખંડી પુરુષ સરદાર પટેલ જ્યારે દેશના વિવિધ રજવાડાઓ પાસે આઝાદી સમયે ભારત સરકારમાં ભળવાની વાત લઈને ગયા ત્યારે, પ્રજોવાત્સલ્ય મહારાજો રાઓલ કૃષ્ણકુમારસિંહજીએ એ જ ક્ષણે ભાવનગર સ્ટેટને અખંડ ભારતના ભાગ તરીકે સુપરત કરી આપ્યો અને ભારતના ઈતિહાસમાં ભાવનગરનું નામ સોનેરી અક્ષરે લખાયું. જેને યાદ કરીને આજે પણ દરેક ભાવનગરવાસી ગર્વથી ગદગદિત થઈ જોય છે.