ભાવનગર શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૯  અને અન્ય જિલ્લાના મળી કુલ ૧૧થી વધુ ગુનાના આરોપી તથા શહેરના સુભાષનગર, ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઈ માળીએ ઝેરી દવા પી લેતાં તેનું સારવારમાં મોત નિપજતાં મૃતકના પરિવારે ભાવનગર પોલીસના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો છે.

મૃતકના માતાએ ગંભીર આક્ષેપ અને દાવા સાથે જણાવ્યું કે, તેના પુત્રને ગુનાના કામે ભાવનગર એલસીબી કચેરીએ બોલાવાયો હતો જયાં પોલીસ દ્વારા નાણાંની માંગ કરાતા તેમના પુત્રએ દવા પી લીધી હતી અને બે દિવસની ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે. જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જેને લઈ મામલો ગરમાયો છે.

બીજી તરફ, ભાવનગર પોલીસે તેના પર થયેલાં આક્ષેપો ફગાવી દીધા હતા અને તેના પર પ્રોહીબિશનના સાત-સાત ગુના હોય, ગુનાના કામે બોલાવતાં તેણે દવા પી લીધી હતી. જો કે ખુદ પોલીસ જ તેને સારવારમાં લઈ ગઈ હતી. મૃતકે સારવાર દરમિયાન ગુનાની કબૂલાત કરતું નિવેદન પણ આપ્યું હતું. હાલ તો બુટલેગર અને પોલીસની આ લડાઈને લઈ ભાવનગરમાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.