(એ.આર.એલ),ભાવનગર,તા.૧૧
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં રહેતા અને તળાજા ખાતે આવેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવાનને વિશ્વાસમાં લઈ શેર બજારમાં રોકાણ કરાવવાના નામે નકલી એપ્લકેશનમાં નાણાંનું રોકાણ કરાવી કુલ રૂ. ૧૮.૩૦ લાખની રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતા યુવાને સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં રહેતા અને તળાજામાં આવેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા કુલદીપસિંહ સુજાનસિંહ ગોહિલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોક માર્કેટને લગતી એક જાહેરાત આવી હતી જેમાં તેમણે ક્લક કરતા તેઓ સ્ટોક માર્કેટ નેવિગેશન-૧૮ નામના વોટ્‌સએપ ગ્રુપમાં જાઈન્ટ થયા હતા. આ ગ્રુપમાં શરૂઆતમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડિંગની ટિપ્સ આવતી હતી. ત્યારબાદ ગ્રુપમાં બ્લોક ટ્રેડિંગ વિશે મેસેજ મોકલેલ જેમાં ટ્રેનિંગ કરવાથી સ્ટોક ઓછા ભાવે મળે છે અને સારો નફો થાય છે તેવું જણાવવામાં આવ્યું હતું.ગત તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ એક મોબાઈલ નંબર પરથી મેસેજ કરીને તેમને બ્લોક ટ્રેડિંગ કરવાનું જણાવવામાં આવ્યું હતું અને એક વેબસાઈટની લિંક પણ મોકલી હતી જેમાં કુલદીપસિંહે એકાઉન્ટ બનાવી એપ્લકેશન ડાઉનલોડ કરી હતી. આ ગ્રુપમાં સ્ટોક ખરીદવા માટે દર્શાવેલ વેબસાઈટ અથવા એપ્લકેશનમાં સ્ટોક ખરીદવા માટેની રકમ જેતે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની હતી આથી તેમને તેમના મિત્ર પાર્થ જાશીના એકાઉન્ટમાંથી કટકે કટકે ૧૪ જેટલા ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ.૧૮,૩૦,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા. કુલદીપસિંહે ટ્રાન્સફર કરેલ રકમ ઉપાડવા માટે રિક્વેસ્ટ કરતા તેઓને ટેક્સ અને બીજા ચાર્જીસના વધારે નાણા ભરવા પડશે તેમ જણાવેલ અને રકમ ઉપાડવા દીધી ન હતી, આથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કુલદીપસિંહ ગોહિલે સ્ટોક માર્કેટ નેવિગેશન-૧૮ ગ્રુપના બાર જેટલા ગ્રુપ એડમીન નંબર ધારકો વિરુદ્ધ ભાવનગરના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.