શહેરમાં એસસી એસટી સેલની ટીમ એટ્રોસિટીના ગુનામાં ફરાર આરોપી શખ્સને ઝડપવા માટે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના પગલે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં શંકાના આધારે રેડ કરતા ત્યાંથી એટ્રોસિટીના ગુનામાં પકડવાનો બાકી શખ્સ ઝડપાઈ ગયો હતો. જા કે મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી દારૂની બોટલ સાથે અન્ય એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ મળી આવતા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એસસી એસટી સેલમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વરતેજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીના ગુનામાં પકડવાના બાકી પાર્થકુમાર દિનેશભાઈ ધાંધલિયા કે જે દેવલી પીપરલા ગામના વાડી વિસ્તારમાં રહે છે, તેને શોધવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તે ભાવનગર શહેરના ડીમાર્ટવાળા રોડ ઉપર સીદસર નજીક રોયલ સોસાયટીમાં રહેતા નયનાબેન નાગજીભાઈ બારૈયાના ઘરમાં હોવાની બાતમી મળી હતી. આ બાતમીના પગલે પોલીસે તે ઘરમાં રેડ કરી હતી ત્યારે નયનાબેન નાગજીભાઈ બારૈયાના ઘરની જડતી કરતા ત્યાંથી આરોપી પાર્થકુમાર દિનેશભાઈ ધાંધલિયા મળી આવ્યો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.ટીમ દ્વારા સેલના ડીએસપી દ્વારા લેખીત વોરંટને પગલે પાર્થકુમાર દિનેશભાઈ ધાંધલિયાની શોધમાં નયનાબેન નાગજીભાઈ બારૈયાના ઘરે પહોંચી હતી. ડી માર્ટવાળા રોડ ઉપર રોયલ સોસાયટીમાં રહેતા નયનાબેન નાગજીભાઈ બારૈયા ભરતનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારે એસસી એસટી ટીમે તેમના ઘરની જડતી દરમિયાન નવી પોલીસ લાઈનમાં રહેતા અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષાબેન ભુપતભાઈ જાની મળી આવ્યા હતાં. આ સાથે ટીમને દારૂની બોટલ અને ખાલી બિયર ટીન મળી આવ્યા હતા.સેલની ટીમની તપાસ દરમિયાન નયનાબેન નાગજીભાઈ બારૈયાના ઘરમાંથી મળી આવેલી દારૂની બોટલ અને અન્ય મહિલા ઉષાબેન ભુપતભાઈ જાની પોલીસ કર્મચારી અને એટ્રોસિટીમાં પકડવાના બાકી શખ્સ પાર્થ કુમાર દિનેશભાઈ ધાંધલિયા વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવ્યો છે. જા કે સાંજ થતી હોવાથી બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલને બીજા દિવસે સવારે ૧૦.૦૦ કલાકે ભરતનગર પોલીસ સ્ટેશન હાજર થવા જણાવવામાં આવ્યું હતું.








































