શહેરમાં ૪ તારીખના સાંજના સમયે એનએસયુઆઇ અને એબીવીપી દ્વારા વાઘાવાડી રોડ ઉપર યુનિવર્સિટીના દરવાજા પાસે અલગ મુદ્દાઓને પગલે વિરોધ કાર્યક્રમ હતો. આ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યાને લઈને પોલીસે એનએસયુઆઇ નેતાઓની ધરપકડ કરી હતી. જો કે મોડી રાત થતા જ મહિલા પીએસઆઇ ત્રણ એનએસયુઆઇ વિદ્યાર્થી નેતા સામે ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ ઉપર યુનિવર્સિટીના દરવાજા પાસે ગઈકાલે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિરોધ સ્વરૂપે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન એબીવીપી દ્વારા પણ શાળાઓમાં થતી હિંસાને પગલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ એ જ સ્થળ ઉપર રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ મહિલાએ એનએસયુઆઇના ૩ વિદ્યાર્થી સામે ફરિયાદ દાખલ કરી છે. જેથી મોડી રાત સુધી શહેર પ્રમુખ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.
ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પીએસઆઇ નિકિતાબેન દિનેશભાઈ ડાભી એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, વાઘાવાડી રોડ ઉપર એનએસયુઆઇના વિદ્યાર્થી આગેવાનો ૧૦ થી ૧૫ની સંખ્યામાં યુનિવર્સિટીના ગેટ પાસે રોડ ઉપર વાહનો ઉભા રાખતા હતા, અને આવતા જતા ચાલકોની સામે બોલાચાલી કરતા હતા. આમ તેઓ વિનસ શો રૂમ પાસે આવતા કાયદો વ્યવસ્થા માટે સમજાવતા તેઓ રોડ ઉપર બેસીને ટ્રાફિક વ્યવસ્થા ખોરવવા માંડ્યા હતા. આથી રાહદારી અને વાહન ચાલકોને સદંતર બંધ કરી દેતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં અને ઝઘડો કે માથાકૂટ થાય નહીં એ માટે ડીટેઇન કરાયા હતા.
મહિલા પીએસઆઇ નિકિતાબેન ડાભીએ ફરિયાદમાં નોંધાવ્યું કે, ડીટેઇન કરવામાં આવ્યા તે સમયે વાનમાં બેસાડવામાં આવતા હતા, ત્યારે અભિજીતસિંહ ચુડાસમા, હર્ષરાજસિંહ જાડેજાએ પીએસઆઇ નિકિતાબેન ડાભીને ધક્કો મારીને પછાડી દીધા. જેને કારણે જમણા હાથના કાંડાના ભાગે મૂંઢ ઇજા થઈ હતી. જ્યારે લક્કીરાજસિંહએ પોલીસ સ્ટાફને ધક્કા મારીને ફરજમાં રૂકાવટ કરી હતી. આમ ફરિયાદ નોંધાવી હતી.
પીએસઆઇ મહિલા ફરિયાદી તરીકે ફરિયાદમાં નોંધાવ્યું કે, તેમને હાથના ભાગે મુંઢ ઇજા થતાં તેઓ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ચાર વર્ષ માટે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમનો એક્સરે કરીને અને જરૂરી રિપોર્ટ કરીને હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહેલા માળે આવેલા ફીમેલ ઓર્થોમાં એડમિટ કરીને સારવાર આપી હતી.
નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ ત્રણેય વિદ્યાર્થી નેતાઓની પોલીસે ધરપકડ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રણમાંથી એક પણ નેતાઓ દ્વારા કોઈ ધક્કા મારવામાં આવ્યા નથી, તેના કોઈ પુરાવાઓ પણ નથી. આમ છતાં ખોટી રીતે નેતાઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.









































