શહેરમાં ખાનગી ટ્રાવેલ્સ મારફતે આવેલા પાર્સલમાં ડોગ બિસ્કિટની સાથે ગાંજા ઘૂસાડવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નીલમબાગ પોલીસે મળેલી બાતમીના આધારે આ ગેરકાયદે પ્રવૃત્તિ ઝડપી પાડી અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલે મુંબઈથી પાળેલા કૂતરા માટે ડોગ બિસ્કિટનું પાર્સલ માયા ટ્રાવેલ્સ મારફતે મંગાવ્યું હતું. આ પાર્સલ લેવા જય પટેલ અને પરંજ પટેલ ટ્રાવેલ્સની ઓફિસે ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતાં જાણવા મળ્યું કે પાર્સલ અન્ય શખ્સો લઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં તપાસ શરૂ કરવામાં આવી.પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાર્સલમાં ડોગ બિસ્કિટ ઉપરાંત ગેરકાયદે કેફી પદાર્થ પણ હતા. પોલીસે તપાસને આગળ વધારીને પાંચ શખ્સો – ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ, પરંજ વિજયભાઈ પટેલ, જય વિમલભાઈ પટેલ, જીગર જીતેન્દ્રભાઈ સિધ્ધપુરા અને અભિષેક બાબુભાઈ માંગુકિયાને ઝડપી લીધા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે પાર્સલમાં ડોગ બિસ્કિટ, રોકડ ૧૫,૦૦૦ રૂપિયા અને ગાંજા હતો.નીલમબાગ પોલીસે આરોપીઓ પાસેથી ૪૭૫ ગ્રામ ગાંજા (કિંમત ૪,૭૫૦ રૂપિયા), પાંચ મોબાઈલ ફોન (કિંમત ૧.૨૫ લાખ રૂપિયા), ડિજિટલ કાંટો અને ગાંજા ક્રશ કરવાની બે ડબ્બીઓ સહિત કુલ ૨.૮૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે મુંબઈના પાર્થભાઈ ભટ્ટ સામે ગાંજા મોકલવાનો આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે, પરંતુ તે હજુ ફરાર છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મુખ્ય આરોપીને ઝડપવા તપાસ ચાલુ રાખી છે.







































