અમરેલી જિલ્લામાં સરપંચની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હાર-જીતને લઈ માથાકૂટ થવાની ઘટના સામે આવી છે. ભાલવાવ ગામે ચૂંટણીમાં હારેલા ઉમેદવારના પુત્રએ હાલના સરપંચની કાર પર હુમલો કર્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરપંચ તરીકે સેવા આપતા અને ખેતીકામ કરતાં નાગજીભાઇ રણછોડભાઇ માંગરોળીયા (ઉ.વ.૬૨)એ યુવરાજસિંહ ઉર્ફે જાગો હિતેન્દ્રસિંહ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના મિત્ર સરપંચના ઉમેદવાર કલ્પેશભાઇ નાગજીભાઇ વિરાણી ભાલવાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીત્યા હતા અને સામે પક્ષે ઉભા રહેલ ઉમેદવાર આરોપીના માતા નિતાબા હિતેન્દ્રસિંહ ગોહીલની હાર થઈ હતી. જેને લઈ આરોપી યુવરાજસિંહ ઉર્ફે જાગો ગોહીલે ઉશ્કેરાટમાં આવી જઇ તેમની ગાડી ઉભી રખાવી તોડફોડ કરી રૂ.૫૦,૦૦૦નું નુકસાન કર્યુ હતું. ઉપરાંત તેમને તથા તેમની સાથે રહેલા લોકોને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એચ.એચ. સેગલીયા ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છે.