નાગાલેન્ડના ચુમૌકેદિમા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણા મકાનો અને નેશનલ હાઈવે-૨૯નો મોટો હિસ્સો ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને કેટલાય લોકો ગુમ છે. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી જ્યારે જિલ્લાના ફરીમામાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં રસ્તાની બાજુના મકાનોને નુકસાન થયું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચુમૌકેદિમા જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજધાની કોહિમાને વ્યાપારી કેન્દ્ર દીમાપુર સાથે જોડતા નેશનલ હાઈવે-૨૯નો એક ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.
મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર કહ્યું કે રાજ્ય સરકાર રાહત અને બચાવ પ્રયાસો માટે કેન્દ્ર સાથે વાતચીત કરી રહી છે. રિયોએ કહ્યું કે, ‘અવધારા વરસાદને કારણે એનએચ-૨૯ પર થયેલા મોટા નુકસાનને લઈને હું ખૂબ જ ચિંતિત છું. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં લેવા અને શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારત સરકારના સંપર્કમાં છે. અમે નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સંપર્કમાં છીએ.
નાયબ મુખ્યમંત્રી ટી.આર. ઝેલિયાંગે કહ્યું કે ગઈકાલે રાત્રે ફરીમા અને પાગલા પર્વતની નજીક સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. જાનમાલનું નુકસાન થયું છે. સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, બધાએ મળીને ગુમ થયેલા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી.