કચ્છ અને સૌરાષ્ટ્રમાં મંગળવારે પડેલા વરસાદના કારણે વીજ પુરવઠાને પર અસર થઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ ૧૬૫ ફીડરો બંધ થઇ ગયા છે. ભારે પવન અને વરસાદના કારણે ૧૮૧ વીજ થાંભલા જમીનદોસ્ત થઇ ગયા હતા તો ૧૭ ટ્રાન્સફોર્મર બંધ પડી ગયા છે. ત્રણ ગામોમાં વીજ પુરવઠો બંધ છે.પીજીવીસીએલની ટીમો પુરવઠો પૂર્વવત કરવા કામે લાગી હતી.
જૂનાગઢના મૂળીયાસા ગામમાં ફરી વરસાદી પાણી ઘૂસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.સાબરી નદીના પાણીએ કેશોદના મુળીયાસા ગામમાં ઘૂસી ગયા હતા. મેંદરડા, વંથલી સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણી ગામમાં ફરી વળ્યા હતા. ગત સપ્તાહે પણ મુળીયાસા ગામ બેટમાં ફેરવાયું હતું.
જૂનાગઢના બામણાસા ગામમાં બનાવેલો માટીનો સંરક્ષણ પાળો તૂટી પડતાં ગામમાં પાણી ફરી વળ્યા હતા. એક કરોડ ૩૬ લાખના ખર્ચે બનાવવામાં આવેલો પાળો તૂટી ગયા બાદ રિપેર કરાયો હતો. રેતીની બોરી અને તાડપત્રીથી પાળાનું સમારકામ કરાયું હતું. પણ ઓઝત નદીમાં પૂર આવતા પાળો ફરી તૂટી ગયો હતો. પાળો તૂટતાં ઓઝત નદીના પાણી ફરી ગામમાં ઘૂસ્યા હતા.
નોંધનીય છે કે જૂલાઈ મહિનામાં ભારે વરસાદે તબાહી મચાવ હતી. દેશના કેટલાક રાજ્યમાં વરસાદી આફતથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અસમ, બિહાર, ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. વરસાદને કારણે ચારધામ યાત્રાને પણ અસર થઇ છે. આ તરફ અસમ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટÙ, બિહાર, રાજસ્થાનના કેટલાક શહેરમાં ભારે વરસાદથી નુકસાન થયું છે. બુલંદશહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર છે. રસ્તા પરથી પસાર થતી સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઇ હતી. કર્ણાટકના ઉડુપીમાં પૂરના પાણીમાં કાર ફસાઈ હતી.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.