એક તરફ જિલ્લામાં શિયાળાની ઋતુ દરમિયાન કમોસમી વરસાદના કારણે મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ત્યારે બીજી તરફ ખાંભામાં ભૂગર્ભ ગટરનાં પાણી ઠેર ઠેર ઉભરાઈને માર્ગો પર વહી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેને પગલે ભારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરીજનો દ્વારા અવાર-નવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવા છતા તંત્રના પેટનું પાણી હલતું ન હોવાથી ભારે રોષની લાગણી ફેલાવા પામી છે.
ખાસ કરીને ભગવતીપરા, કન્યાશાળા પાછળનો વિસ્તાર, હંસાપરા, આશ્રમવાડી, હંસાપરા-૨ વિસ્તાર તેમજ આનંદ સોસાયટી વિગેરે વિસ્તારોમાં ભુગર્ભ ગટરના પાણી ઉભરાઇને માર્ગો પર જમા થતા હોય આખો દિવસ દુર્ગંધના કારણે રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તાત્કાલિક આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરી નિયમિત સાફસફાઈ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ શહેરજનો કરી રહ્યા છે.