રાજુલા નગરપાલિકાની સોમવારના રોજ પ્રમુખપદની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચાર જ વર્ષમાં રાજુલા પાલિકાના આઠમાં પ્રમુખ બદલાવાના છે જે રાજ્યના રાજકારણમાં પ્રથમ વખત ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. મળતી વિગતો મુજબ રાજુલા પાલિકામાં ૨૦૧૮ માં કોંગ્રેસના ૨૭ અને ભાજપના એક સભ્ય ચૂંટાઇ આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ પાસે સંપૂર્ણ બહુમતી હોવા છતાં કોંગ્રેસના બે ભાગ પડી ગયા હતા અને છેલ્લા ચાર વર્ષમાં આઠ પ્રમુખ બદલવા પડ્યા છે. ત્યારે તાજેતરમાં ઘનશ્યામભાઈ લાખણોત્રાએ રાજીનામું આપતા ફરીથી પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં હાલ છત્રજીતભાઈ ધાખડાની આગેવાનીમાં ૧૬ સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે ધારાસભ્ય જૂથ પાસે હાલ બધા સભ્યો છે તેવા સમયે બે જૂથ વચ્ચેની કટોકટીના સમયે પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હવે કોણ પ્રમુખ બની બાજી મારે છે તેના પર સૌની મિટ મંડાઈ છે.