રાજયમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અમરેલી જિલ્લામાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘરાજાએ વિરામ લેતા લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા હતા. જા કે આજરોજ અમરેલી જિલ્લાનાં ધારી અને રાજુલામાં જારદાર વરસાદનાં વાવડ મળ્યા હતા. ધારીનાં ગ્રામ્ય વિસ્તાર સરસીયા, જીરામાં બપોરનાં સમયે ધોધમાર વરસાદ વરસતાં ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. તો રાજુલામાં પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. વરસાદનાં કારણે મોલાતને ફાયદો થયો હતો. વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.