અમેરિકા અને યુરોપિયન યુનિયન સામસામે આવી ગયાં છે.
રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના મામલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોડીમોર ઝેલેન્સ્કી વચ્ચે તડાફડી થઈ ગઈ પછી યુરોપના તમામ દેશોએ યુક્રેનને ટેકો જાહેર કર્યો છે. યુરોપિયન યુનિયનના દેશોએ તો સમિટ કરીને યુરોપની સુરક્ષા માટે એક રહેવાનો નિર્ણય પણ લીધો છે. રશિયાના આક્રમણને ખાળવા માટે યુક્રેનમાં પોતાનું આર્મી મોકલવા માટે પણ યુરોપના દેશો તૈયાર છે. યુરોપના દેશોનું માનવું છે કે, રશિયાને રોકવામાં નહીં આવે તો એ ધીરે ધીરે યુરોપના બીજા દેશો પર પણ હુમલા કરશે ને અંદરની તરફ ઘૂસવા પ્રયત્ન કરશે. આ કાણે રશિયા તરફથી યુરોપને મોટો ખતરો છે પણ અમેરિકા આ ખતરાને ખાળવામાં દાયકાઓના સાથી એવા યુરોપના દેશોને સાથ આપવાના બદલે રશિયાની પંગતમાં બેસી ગયું છે.
યુરોપિયન દેશોને ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની ધમકી આપી તે કારણે બંનેના સંબંધો તંગ હતા જ ત્યાં યુક્રેનના મામલે વધારે તંગ બન્યા છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયનના અમેરિકામાં આવતા માલ પર ૨૫ ટકા ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા ત્યારે ટ્રમ્પે યુરોપના દેશો યુક્રેનને મદદ નથી કરી રહ્યા પણ ઉધાર આપી રહ્યા છે એવો દાવો કર્યો તેના કારણે પણ ટ્રમ્પ અને મેક્રોન વચ્ચે તડાફડી થઈ ગઈ. યુકેના વડાપ્રધાન કેયર સ્ટેર્મર ટ્રમ્પને મળવા ગયા ત્યારે ટ્રમ્પે અમેરિકાની મદદ વિના યુકે કે બીજો કોઈ રશિયા સામે ટકી ના શકે એમ કહીને સ્ટેર્મરને અપમાનિત કરી નાંખ્યા.
ટ્રમ્પે બીજી એક વાત એ પણ કરી કે, યુરોપિયન યુનિયનનો જન્મ જ અમેરિકાની મેથી મારવા માટે થયો છે. યુરોપિયન યુનિયનના દેશો નાટોના બહાને પણ અમેરિકાને ખંખેરે છે.
ટ્રમ્પના આ નિવેદનના કારણે યુરોપિયન યુનિયનના દેશોની નારાજગી વધી છે.

અમેરિકા અને યુરોપિયન યુનિયનના ટકરાવના કારણે ભારત માટે મોટી તક છે.
હમણાં યુરોપિયન યુનિયન કમિશનનાં પ્રમુખ ઉર્સુલા વોન ડેર ભારત આવી ગયા અને ઉર્સુલાએ ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરાર માટે ઉત્સુકતા દર્શાવી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ બે દેશો એકબીજાને ત્યાં જે પણ માલ મોકલે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જાપાન અને ભારત વચ્ચે અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તેથી ભારત જાપાનથી જે માલ મંગાવે તેના પર કોઈ ટેક્સ ના લગાવે ને સામે ભારત જાપાનમાં માલ મોકલે તેના પર જાપાન કોઈ ટેક્સ નથી લેતું. અત્યારે ભારત અને યુ.કે. વચ્ચે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે મંત્રણા ચાલે છે.
હવે યુરોપિયન યુનિયન પણ ભારત સાથે ફ્રી ટ્રેડ કરે તો ભારતીય અર્થતંત્રને મોટો ફાયદો થાય. તેનું કારણ એ કે, યુરોપિયન યુનિયન ભારતનો સૌથી વધારે માલ લે છે. ૨૦૨૩માં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ૧૨૪ અબજ યુરોનો વેપાર થયો હતો. માલસામાન એટલે કે ગુડ્‌ઝના કુલ ભારતીય વેપારમાં યુરોપિયન યુનિયન સાથેનો વ્યાપાર ૧૨.૨ ટકા હિસ્સા સાથે સૌથી વધારે છે. અમેરિકા ૧૦.૮ ટકા સાથે બીજા નંબરે અને ચીન ૧૦.૫ ટકા સાથે ત્રીજા સ્થાને છે.
ભારત માટે સૌથી મહત્વની વાત એ છે કે, યુરોપિયન યુનિયનમાં ભારત જંગી પ્રમાણમાં નિકાસ કરે છે. ભારતની કુલ નિકાસમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો ૧૭.૬ ટકા છે અને યુરોપિયન યુનિયનનો ફાળો ૧૭.૫ ટકા છે. ચીનમાં થતી નિકાસનો ફાળો માત્ર ૩.૭ ટકા છે. યુરોપિયન યુનિયન ભારત પાસેથી સિમેન્ટ, કેમિકલ્સ, ગ્લાસ, આયર્ન અને સ્ટીલ, નોન-ફેરસ મેટલ, નોન-મેટલિક મિનરલ્સ, રીફાઈનિંગ્સ ફર્ટિલાઈઝર, પાવર જનરેશન ઈક્વિપમેન્ટ વગેરે લે છે.
ચીન સાથેના વ્યાપારમાં તકલીફ એ છે કે, ચીનમાં ભારતનો જેટલો માલ જાય છે તેના કરતાં ભારતમાં વધારે માલ ઠલવાય છે. અમેરિકામાં ભારતની નિકાસ વધારે છે તેથી ભૂરાંટા થયેલા ટ્રમ્પ ભારતના માલસામાન પર ટેરિફ લાદવા માગે છે. આ સંજોગોમાં ભારત અને યુરોપિયન યુનિયન સારા પાર્ટનર બની શકે છે. અત્યારે ભારતના કુલ વ્યાપારમાં યુરોપિયન યુનિયનનું યોગદાન માત્ર ૨.૨ ટકા છે જ્યારે અમેરિકા, ચીન અને યુકે જેવા દેશોનો હિસ્સો ૧૦ ટકાથી વધારે છે.
ભારત આ વેપાર વધારી શકે છે. ભારત ચીન કે અમેરિકા પાસેથી માલ લેવાના બદલે યુરોપિયન યુનિયનના દેશોમાંથી માલ લે અને સામે ભારતનો માલ યુરોપિયન દેશોમાં ખપે તો બંને માટે વિન-વિન સિચ્યુએશન પેદા થાય. બંને દેશો વચ્ચેનો વ્યાપાર વધે તો ભારતની અમેરિકા ને ચીન જેવા દેશો પરની નિર્ભરતા ઘટે ને યુરોપિયન યુનિયને પણ અમેરિકાના ઓશિયાળા ના રહેવું પડે.
આ ઉપરાંત બંને દેશો એકબીજાની ભૂમિ પર કંપની અને શેરોમાં રોકાણ પણ વધારી શકે. અત્યારે લગભગ ૬,૦૦૦ યુરોપિયન કંપનીઓ ભારતમાં હાજર છે પણ હવે પછી યુરોપિયન દેશોની કંપનીઓના કોઈ પણ પ્લાન્ટ ભારતમાં જ સ્થપાય એવું થઈ શકે. યુરોપના રોકાણકારો અત્યારે ચીન અને બ્રાઝિલમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે. તેના બદલે ભારત તરફ વળે તો ભારતીય શેરબજારોની હાલત સુધરે અને તેમને પણ સારું વળતર મળે.

સવાલ એ છે કે, ભારત આ તકનો લાભ લઈ શકશે ?
અત્યાર સુધી ભારતનો ટ્રેક રેકોર્ડ આ પ્રકારની મોટી તકો વેડફી નાખવાનો છે. યુરોપિયન યુનિયનના દેશોના ચીન સાથેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ છે પણ ભારત તેનો ફાયદો લઈ શકતું નથી. અમેરિકા અને ચીનના સંબંધો પણ સારા નથી ને ભારત અમેરિકા માટે ચીનનો વિકલ્પ બની શકે તેમ છે પણ ભારત ચીનની મોનોપોલી તોડી શકતું નથી. તેનું કારણ આપણા શાસકોમાં વિઝનનો અભાવ છે.
ભારતીય શાસકો વૈશ્વિક સ્તરે ચીનની સ્પર્ધા કરવાના સપનાં જુએ છે તેથી ચીનની નકલ કર્યા કરે છે પણ ભારતની પોતાની તાકાત શું છે અને ભારત ક્યા ઉત્પાદનોના જોરે પોતાની નિકાસ વધારી શકે એ સમજવાની તેમનામાં ક્ષમતા નથી. સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રી પાછળનું આપણું ગાંડપણ તેનું તાજુ ઉદાહરણ છે.
દુનિયામાં અત્યારે તાઈવાન અને ચીન સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીમાં મોખરે છે. અમેરિકા ચીન પરની નિર્ભરતા ઘટાડવા મથ્યા કરે છે પણ મેળ પડતો નથી. ભારતના શાસકોને લાગે છે કે, ભારત માટે મોટી તક છે તેથી ભારત સેમીકંટક્ટર હબ બનવા પ્રયત્ન કર્યા કરે છે. આ પ્રયત્નો એટલા સફળ ના થાય કેમ કે ભારત પાસે સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રી માટે જરૂરી રો-મટીરિયલ જ નથી. વિદેશી કંપનીઓ ભારતમાં સેમીકંડક્ટર પ્લાન્ટ નાંખવા તૈયાર છે પણ એ બધી કંપનીઓ વિદેશથી કાચો માલ લાવશે ને તેના કારણે ભારતની આયાત વધશે.
બીજું એ કે, આ પ્રોડક્ટ પર ભારતની મોનોપોલી થવાની નથી. વિદેશી કંપનીઓને બીજે ફાયદો લાગશે તો બીજે પ્લાન્ટ નાખીને જતી રહેશે. વરસો સુધી અમેરિકા અને બીજા વિકસિત દેશોની કંપનીઓએ ચીનમાં પ્લાન્ટ નાખીને કામ ચલાવ્યું ને હવે ચીનમાંથી બિસ્તરા-પોટલાં બાંધી રહી છે એ રીતે ભવિષ્યમાં ભારતમાંથી પણ જતી રહેશે.
આ સ્થિતિનું નિર્માણ ના થાય એ માટે ભારતે ભારતમાં જ ભરપૂર કાચો માલ મળતો હોય તેના ફિનિશ્ડ ગુડ્‌ઝ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેન્દ્ર સરકારે તેનો સર્વે કરાવવો જોઈએ અને એ પ્રમાણેના ઉત્પાદનો બનાવડાવવા જોઈએ. ભારત પાસે પુષ્કળ જમીનો છે, જબરદસ્ત મેનપાવર છે, પાણીની ઉપલબ્ધતા છે એ જોતાં ખેતી આધારિત કોઈ પણ પ્રોડક્ટને ભારત મોનોપોલી પ્રોડક્ટ બનાવી શકે છે.
ભારતમાં સ્ટાર્ટ અપ્સની બહુ હોહા ચાલે છે પણ મોટા ભાગના સ્ટાર્ટ અપ્સ વિદેશની નકલ કરીને ઉભાં કરાય છે. તેના બદલે વિદેશમાં જેની જોરદાર ડિમાન્ડ ઉભી થાય એવી ભારતીય પ્રોડક્ટ્‌સના સ્ટાર્ટ અપ્સ ઉભાં કરવા જોઈએ.