ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી. દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ભારતે ૪ વિકેટે હાર આપીને ૨૦૦૦ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલની હારનો બદલો પણ લઈ લીધો. છેલ્લાં કેટલાંક વરસોથી આઈસીસીની સ્પર્ધાઓમાં ન્યુઝીલેન્ડ ભારત પર ભારે પડતું હતું તેથી ક્રિકેટ ચાહકો ટેન્શનમાં હતા પણ રોહિત શર્માની ટીમે ઠંડા કલેજે રમીને ન્યુઝીલેન્ડને દરેક ક્ષેત્રે મહાત આપી.
ભારત માટે આ જીત મહત્વની છે કેમ કે છેલ્લાં કેટલાંક વરસોમાં ભારત આઈસીસી સ્પર્ધાઓ જીતતું નહોતું. ભારત સેમી ફાઈનલ કે ફાઈનલમાં આવીને ફસકી જતું હતું. ૨૦૨૩માં તો ભારતમાં જ વન ડેનો વર્લ્ડકપ રમાયેલો છતાં ભારત જીત્યું નહતું ને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે શરમજનક રીતે હારેલું. ગયા વરસે ટી ૨૦ વર્લ્ડકપમાં ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવીને એ સિલસિલો તોડ્‌યો અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ભારતે જીતનો સિલસિલો આગળ ધપાવ્યો છે ત્યારે આ ક્રમ જળવાય એવી આશા છે.

વૈશ્વિક ટુર્નામેન્ટમાં આ ભારતની આઠમી મોટી જીત છે. ભારતે ૧૯૮૩માં કપિલદેવના નેતૃત્વમાં વર્લ્ડકપ જીતીને સૌને છક કરી દીધેલા કેમ કે એ વખતે વિશ્વ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝનો ડંકો વાગતો હતો. વેસ્ટ ઈન્ડિઝને ભારત હરાવી શકે એવી કલ્પના પણ ના થઈ શકે એવા યુગમાં ભારતે ફાઈનલમાં વિન્ડિઝને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો.
બે વર્ષ પછી ભારતે ૧૯૮૫માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલો મિનિ વર્લ્ડકપ એવો બેન્સન એન્ડ હેજીસ કપ જીતીને ક્રિકેટ ચાહકોને વધુ એક સુખદ ભેટ આપી હતી. સુનિલ ગાવસકરના નેતૃત્વમાં મળેલી આ જીતે આખા દેશને ઝૂમતો કરી દીધેલો કેમ કે ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવેલું. ભારત સંપૂર્ણ પ્રભુત્વ સાથે રમેલું અને એક પણ મેચ હાર્યું નહોતું.
ભારતે એ પછી વૈશ્વિક ટુર્નામેન્ટ જીતવા બહુ લાંબો ઈંતજાર કરવો પડેલો. ૧૯૯૬માં સચિન તેંડુલકરની જબરદસ્ત બેટિંગના કારણે યાદગાર બનેલા વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં શ્રીલંકા સામે હારેલા. ૨૦૦૨માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપણે શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા જાહેર થયેલા પણ ફાઈનલ રમાઈ નહોતી તેથી એ જીતનો બહુ રોમાંચ નહોતો થયો. ૨૦૦૩માં સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં જોરદાર દેખાવ કરીને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયેલા. ૨૦૦૭ના વર્લ્ડકપમાં તો એટલો શરમજનક દેખાવ કરેલો કે, બાંગ્લાદેશ સામે હારી જતાં સુપર એઈટમાં પણ નહોતા પહોંચી શક્યા.
જો કે ૨૦૦૭માં જ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં પહેલી વાર રમાયેલો ટી-૨૦ વર્લ્ડકપ જીતીને ભારતે ક્રિકેટ ચાહકોને સુખદ આંચકો આપી દીધેલો. ભારતીય ટીમના તમામ ધુરંધરોની ગેરહાજરીમાં એકદમ યુવા ખેલાડીઓને લઈને ગયેલા ધોનીએ જબરદસ્ત કેપ્ટન્સી બતાવીને ભારતને ચેમ્પિયન બનાવેલું. યુવરાજસિંહ, ગૌતમ ગંભીર, ઈરફાન પઠાણ સહિતના ખેલાડી ભારતની જીતના હીરો તરીકે ઉભર્યા હતા.
ધોનીના જ નેતૃત્વમાં ભારતે ૨૦૧૧નો ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો. સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, ધોની, યુવરાજસિંહ સહિતના ખેલાડીઓના જબરદસ્ત દેખાવે ભારતને ચેમ્પિયન બનાવેલું. ધોનીએ ભારતને ૨૦૧૩માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હતી. ૨૦૧૩માં વરસાદના કારણે ૨૦-૨૦ ઓવરની કરાયેલી ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવેલું. ભારતે ૧૨૭ રન જ કરેલા છતાં ઈંગ્લેન્ડ એ સ્કોર નહોતું કરી શક્યું. ભારતે એ પછી આઈસીસી સ્પર્ધા જીતવા લાંબો સમય રાહ જોવી પડી. છેવટે ગયા વરસે રોહિત શર્માની આગેવાનીમાં ટી ૨૦ વર્લ્ડકપ જીતીને એ દુકાળ પૂરો થયો હતો.

૨૦૨૪નો ટી ૨૦ વર્લ્ડકપ વિજય યાદગાર હતો. વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં રમાયેલી ટી ૨૦ વર્લ્ડકપની દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં જબરદસ્ત ચડાવઉતાર પછી ભારતે ૭ રને જીત મેળવીને બીજી વાર ટી ૨૦ વર્લ્ડકપ જીત્યો. ૨૦૦૭માં રમાયેલો પહેલો ટી ૨૦ વર્લ્ડકપ ભારતે જીતેલો પણ પછી ભારત સતત હાર્યા જ કરતું હતું. ભારત ૧૭ વર્ષ પછી ફરી ટી ૨૦માં વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું છે અને ક્રિકેટ ચાહકોને ભારે રાહત આપી છે.
ભારત આખા વર્લ્ડકપમાં ચેમ્પિયનની જેમ રમેલું પણ ફાઈનલ સૌથી યાદગાર હતી. ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી પછી રોહિત શર્મા રાબેતા મુજબ બીજી ઓવરમાં રવાના થઈ ગયેલો. રોહિત શર્માની પાછળ પાછળ ઋષભ પંત અને સૂર્યકુમારની વિકેટો પણ પાવરપ્લેમાં પડી જતાં ૩૪ રનમાં ૩ વિકેટો ગુમાવીને ભારતની હાલત ખરાબ હતી ત્યારે કોહલીએ ઈનિંગ્સને સ્થિરતા આપી. કોહલીએ ૫૯ બોલ રમીને ૭૨ રન બનાવીને પોતાની છેલ્લી ૨૦ ઈન્ટરનેશનલ મેચને યાદગાર બનાવી દીધી હતી.
ભારતની ૩૪ રનમાં ૩ વિકેટો પડી ગયેલી ત્યારે અક્ષર પટેલે ૩૧ બોલમાં ૪ સિક્સર ને ૧ બાઉન્ડ્રી સાથે ૪૭ રન બનાવીને રન રેટ જાળવીને કોહલી પરનું દબાણ ઘટાડ્‌યું. શિવમ દુબેએ ૧૬ બોલમાં ૨૭ રન ફટકારીને કોહલીને બરાબર સાથ આપ્યો. કોહલીની અક્ષર અને શિવમ સાથેની ભાગીદારીના કારણે ભારતનો સ્કોર ૧૭૬ સુધી પહોંચ્યો પછી બોલરોએ રંગ રાખ્યો હતો.
દક્ષિણ આફ્રિકાની બેટિંગ વખતે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર રમતા હતા ત્યારે મેચ આફ્રિકાની તરફેણમાં હતી. ૧૬ ઓવર પછી આફ્રિકાનો સ્કોર ૪ વિકેટે ૧૫૧ રન હતો ને ૨૪ બોલમાં ૨૬ રન કરવાના હતા તેથી ભારત હારી ગયેલું જ લાગતું હતું ત્યારે હાર્દિકે ૧૭મી ઓવરના પહેલા બોલે ક્લાસેનને આઉટ કરીને મોટો ફટકો માર્યો. હાર્દિકે ૧૭મી ઓવરમાં ૧ વિકેટ લઈને ૪ રન આપ્યા, બૂમરાહે ૧૮મી ઓવરમાં ૨ રન આપીને જેનસનને આઉટ કર્યો, અર્શદીપે કેશવ મહારાજ તથા મિલર બંનેને બાંધી રાખીને ૪ જ રન આપ્યા તેમાં આફ્રિકાએ છેલ્લી ઓવરમાં ૧૬ રન કરવાના આવ્યા.
મિલર સ્ટ્રાઈક પર હતો તેથી આફ્રિકાની જીતની શક્યતા હતી પણ સૂર્યકુમાર યાદવે મિલરનો યાદગાર કેચ પકડીને બાજી પલટી દીધી. ૧૯૮૩ની ફાઈનલમાં કપિલ દેવે વિવિયન રિચાડ્‌ર્સને આઉટ કરવા ૩૦ મીટર ઉંધા દોડીને પકડેલા કેચની યાદ અપાવતો કેચ યાદવે પકડ્‌યો હતો. દોડતાં દોડતાં બાઉન્ડ્રીની બહાર નીકળી ગયેલા યાદવે બોલ છોડીને પછી કૂદકો મારીને બાઉન્ડ્રીની અંદર આવીને બોલ પકડીને મિલરને આઉટ કર્યો એ દૃશ્ય ક્રિકેટ ચાહકો કદી નહીં ભૂલે.

ભારતના ભાગે આઈસીસી ટુર્નામેન્ટ્‌સમાં નિરાશા વધારે આવી છે. ૨૦૧૩માં ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી ભારતે સતત હાર જ ખમી. આપણું ઘોડું દશેરાએ જ દોડતું નહોતું. ૨૦૧૧ પછી ૨૦૧૫, ૨૦૧૯ ને ૨૦૨૩માં વનડે મેચોનો વર્લ્ડકપ રમાયો પણ આપણે ખરાબ રીતે હારેલા. ૨૦૧૪ના ટી ૨૦ વર્લ્ડકપમાં શ્રીલંકા સામે ફાઈનલમાં આપણે માત્ર ૧૩૦ રન કરેલા ને શ્રીલંકા સરળતાથી જીતી ગયેલું.
૨૦૧૫ના વર્લ્ડકપમાં આપણી ટીમ સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભૂંડી રીતે હારી ગયેલી. ૨૦૧૬ના ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝે આપણને ઘરઆંગણે હરાવીને નાક વાઢી લીધેલું, સેમી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૯૪ રનનો સ્કોર ખડક્યા છતાં હાર ખમવી પડેલી.
૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલની હાર તો વધારે આકરી હતી કેમ કે આપણા કટ્ટર હરીફ પાકિસ્તાન સામે હારી ગયેલા. રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની સહિતના આપણા કહેવાતા સુપરસ્ટાર્સ સાવ વાહિયાત શોટ્‌સ મારીને આઉટ થતાં આપણા નામે ૧૮૦ રનના તફાવતથી શરમજનક હાર લખાઈ ગઈ હતી.
૨૦૧૯ના વલ્ડ્‌ર્કપની સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ૨૩૧ રન જેવો મામૂલી સ્કોર આપણે ચેઝ નહોતા કરી શક્યા. કોહલી સહિતના ટોપ ઓર્ડરે ધોળકું ધોળ્યું હતું, મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા રમેલા પણ તેમના પ્રયત્નો પૂરતા નહોતા તેથી શરમજનક રીતે હારેલા. ૨૦૧૯માં ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પણ બેજવાબદારીભરી બેટિંગ કરીને કોહલીની ટીમ હારી ગયેલી. ૨૦૨૧ના વર્લ્ડકપમાં લીગ મેચમાં પાકિસ્તાન સામે હારીને આપણે ઘરભેગા થયેલા. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે નહીં હારવાનો આપણો રેકોર્ડ તૂટી ગયેલો. ૨૦૨૨ના વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડે ટી ૨૦ વર્લ્ડકપના ઈતિહાસનો સૌથી શરમજનક પરાજય આપેલો. ભારતે પહેલાં બેટિંગ કરતાં ૧૬૮ રન બનાવ્યા હતા પણ આ સ્કોરને ઈંગ્લેન્ડે ફક્ત ૧૬ ઓવરમાં જ વિના વિકેટે પાર પાડી દેતાં ભારત ૧૦ વિકેટે હારી ગયેલું. એલેક્સ હેલ્સ અને જોસ બટલરે ભારતીય બોલિંગનાં છોતરાં કાઢી નાખેલાં.
૨૦૨૩માં ભારત વન ડે મેચોના વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ખરાબ રીતે હારી ગયેલું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં રોહિત શર્માની ભારતીય ટીમે ધોળકું ધોળીને ૨૩૦ રનનો સ્કોર કરેલો. પેટ કમિન્સની ટીમે રમતાં રમતાં આ સ્કોર ચેઝ કરીને ભારતને હાર આપેલી.
ભારતે આ હારના છ મહિનામાં જ ટી ૨૦ વર્લ્ડકપ જીતીને ક્રિકેટ ચાહકોને રાહત આપેલી ને વરસ પછી હવે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી લીધી છે તેથી ક્રિકેટ ચાહકો ખુશ છે. ભારત હવે રીયલ ક્રિકેટ વર્લ્ડ પાવર લાગે છે.
sanjogpurti@gmail.com

આભાર – નિહારીકા રવિયા