માન્યામાં ન આવે તેવી વાત છે, એક સમયે ભારતનો ઉગ્ર વિરોધ કરી રહેલા અને ચીનના મિત્ર બની રહેલા નેપાળના વડાપ્રધાન કે.પી. ઓલીનું વલણ એકાએક ભારત તરફી બની ગયું છે. એક તરફ ભારત વિરોધી તેમાં પાકિસ્તાન અને ચીનના જાસૂસો બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ દ્વારા અસંતોષ અને તોફાનો ફેલાવી આડકતરી રીતે ભારતનો પણ વિરોધ કરી રહ્યા છે ત્યારે ઓલીએ ભારત સાથેના સંબંધો ગાઢ બનાવવા, જળ માર્ગો અને રેલવે લાઇન તે દ્રષ્ટિએ વિકસાવવા તેમનાં ‘ફીઝીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ટ્રાન્સપોર્ટ’ મંત્રાલયના અધિકારીઓને જણાવી દીધું છે કે ભારત સાથે સંપર્ક ઘનિષ્ઠ બનાવવા ભારત સાથેની સરહદે આવેલાં હનુમાનનગરથી ત્રિવેણી અને દેવઘાટ સુધીનો જળમાર્ગ વિકસાવવા માટેના નકશા તથા તે માટેનો મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર કરશે.
તેઓએ કહ્યું કે ઃ ‘વાસ્તવમાં આ યોજનાને મંજૂરી આપતો કાનૂન તો ૧૯૭૦માં જ ઘડવામાં આવ્યો હતો, તેમ છતાં તે ઈન્ફ્રાસ્ટ્રકચર હજી સુધી થઈ નથી શક્યું તે ઘણી કમનસીબ બાબત છે.’ આ માટે આપણે સૌથી પહેલાં ત્યાં એકપોર્ટ ઓફીસ પોર્ટ અને કસ્ટમ્સ ઓફીસ સ્થાપવી જાઈએ. અત્યારે નેપાળમાં જનકપુર-કુર્થા રેલવે લાઇન છે જ. તેને ગુવાહત્તી (આસામ) ત્યાંથી સીલીગુરી સુધીની રેલવે લાઇન સાથે જાડવી જાઈએ જે પશ્ચિમે આગળ વધી છેક દિલ્હી સુધી પહોંચાડવી અનિવાર્ય છે.
નેપાળની ભૂમિ તદ્દન અસમતળ અને ખડકાળ છે. તેથી પહેલાં તો ભારતથી આગળ નેપાળમાં જતી રેલવે ભૂગર્ભ માર્ગે રચવા વિચારીયું હતું પરંતુ તેમાં ખર્ચ ઘણો વધારે થવાની ગણતરીએ વિશાળ સ્તંભો ઉપર તે લાઇન પાથરવા વિચારાયું છે. તેમ પણ ઓલીએ સ્પષ્ટતા કરી હતી.નેપાળ અને ભારત વચ્ચેનો સંપર્ક ગાઢ કરવા ઓલી તત્પર થયા છે. નિરીક્ષકો કહે છે કે એક સમયે ચીનના આરાધક બનેલા ઓલી પાસે ભારત સાથે મૈત્રી ગાઢ બનાવવા સિવાય ઉપાય નથી રહ્યો તે ચીનની સહાય સાથેની શરતો ખૂંચતી હશે.
બીજી તરફ ચીને નેપાળમાં હિમાલયને તદ્દન સ્પર્શીને રહેલા ગામો ઉપર પોતાનો કબ્જા જમાવવા તે ગામો અમારા (તિબેટનાં) છે તેમ કહેતાં એક સમયે સામ્યવાદી વિચાર શ્રેણી ધરાવતા ઓલી પણ હવે ચીનથી ‘દાઝી’ ગયેલા છે. બીજી તરફ ભારતે માત્ર નેપાળને જ નહીં, પાડોશના અન્ય દેશો સાથે પણ મૈત્રીભર્યો અને સહાયક વડીલબંધુની ભૂમિકા તદ્દન નિઃસ્વાર્થપણે ભજવી છે, તે ઓલીના ધ્યાન બહાર ગયું જ નહીં હોય. તેથી કે.પી. ઓલીના આ બંને બાબત જાણે જ છે તેથી હવે ફરી એકવાર ભારત સાથે સંબંધો સુધારવાની શરૂઆત કરી દીધી છે, તેમ નીરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય છે.