મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાને “નેશન ફર્સ્ટ”ના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉદાહરણ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે.મુખ્યમંત્રી અમદાવાદમાં આયોજિત ફિક્કીની નેશનલ એક્ઝીક્યુટીવ મિટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ પાછલા દશકમાં જે ઈનીશિએટીવઝ લીધા તેના પરિણામે ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે.એટલું જ નહીં, તાજેતરમાં આઇએમએફના અહેવાલમાં પણ એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભારતનો વિકાસ દર ૭ ટકા જેટલો એટલે કે વિશ્વના વિકસિત દેશો કરતા પણ વધુ રહેવાનો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વિઝનરી સોચ અને આયોજનબદ્ધ વિકાસની નેમ હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે વડાપ્રધાન નરેન્દ્રના દિશાદર્શનમાં ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકે પુરવાર કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ૨૦૦૧માં જ્યારે મોદીએ ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે રાજ્ય સામે ભૂકંપની આફત સહિત અનેક પડકારો હતા. પડકારોને તકમાં પલટાવી વિકાસ માટે નિરંતર આગળ વધવાનો આગવો મિજાજ ધરાવતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે પ્રજાકીય સહયોગથી પુરુષાર્થ કરીને આજે દેશમાં વિકાસના રોલ મોડેલનું ગૌરવ મેળવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની પ્રભાવક પ્રસ્તુતિ કરતા કહ્યું કે, ગુજરાતે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રોડ-રસ્તાનું નેટવર્ક હોરીઝોન્ટલ અને વર્ટિકલ બેય રીતે વિકસાવ્યું અને છેક છેવાડાના ગામો સુધી કનેકટીવિટી પૂરી પાડી છે.૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો દેશના સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવ્યો તથા ગુજરાતને ટ્રેડ-કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ મેપ પર ચમકાવવાની સફળતા ૨૦૦૩થી વાઇબ્રન્ટ સમિટ શરૂ કરીને મેળવી તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૨૦૦૧માં ૪૪,૮૮૬ કરોડથી વધીને ૨૦૨૨-૨૩માં ૬.૭૦ લાખ કરોડ તથા વીજ ઉત્પાદન ક્ષમતા ૮,૭૫૦ મેગાવોટથી વધીને ૨૦૨૩-૨૪માં ૫૨,૯૪૫ મેગાવોટ થઈ છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ફિક્કી ગુજરાતની ગ્રોથ સ્ટોરીનું પ્રત્યક્ષ સાક્ષી રહ્યું છે તથા વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થતું રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, અર્થવ્યવસ્થાપન માટે કેટાલિસ્ટ તરીકે કામ કરતું આ સંગઠન વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગી બનશે તેવો તેમને વિશ્વાસ છે.
ફિક્કીના પ્રેસિડેન્ટ અનિશ શાહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આજે મોડલ સ્ટેટ બન્યું છે. દેશની જીડીપી, કુલ નિકાસ અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું નોંધપાત્ર યોગદાન છે. આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીને આવકારતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઉદ્યોગો મહત્વનો ભાગ ભજવશે. રાજ્યમાં ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝના કારણે ઉદ્યોગો દિન પ્રતિદિન વિકસી રહ્યા છે.ફિક્કી પણ મેક ઇન ઇન્ડિયા, વુમન લેડ ડેવલપમેન્ટ અને સસ્ટનેબિલિટી માટે હંમેશા કામગીરી કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.