ભારતીય સેનાને વધુ એક મોટી સફળતા મળી છે. મણિપુરના મોરેહમાંથી ૪૩ આસામ રાઈફલ્સ દ્વારા ૨૦૦ થી વધુ લોકલ આઈઈડી મળી આવ્યા છે. આ આઇઇડી ૨૮૨.૫ કિલોગ્રામના હોવાનું કહેવાય છે, જે ભારત-મ્યાનમાર સરહદ પરથી મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સાથે ભારતીય સેનાએ હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. મળતી માહિતી મુજબ ચેકિંગ દરમિયાન આ આઇઇડી મળી આવ્યો હતો.
તે જ સમયે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ભારતમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં છે. દેશની ગુપ્તચર એજન્સીઓએ ખતરાની આશંકા જારી કરીને એલર્ટ જાહેર કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે, ટિફિન બોક્સમાં આઇઇડી મૂકીને મોટો હુમલો કરવામાં આવી શકે છે. દેશને હચમચાવી દેવા માટે ભીડભાડવાળા વિસ્તારમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને હુમલાની યોજના ઘડી હતી. તેને પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ પણ કરી શકે છે.
તે જ સમયે, મણિપુર પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલીપાક-પ્રોગ્રેસિવ (પ્રેપાક-પ્રોગ્રેસિવ) ના એક સક્રિય કેડરની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેની પાસેથી મોટી માત્રામાં આઇઇડી સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
એસપીએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આતંકવાદીએ ખુલાસો કર્યો હતો કે તે ૨૦૧૩માં મણિપુરના મુખ્યમંત્રીના બંગલાના ગેટ અને ઈમ્ફાલમાં એક રેસ્ટોરન્ટ પર થયેલા આઈઈડી હુમલામાં સામેલ હતો.