બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. બાંગ્લાદેશી વાયુસેનાનું એક ટ્રેનર ફાઇટર જેટ ઢાકામાં એક શાળા અને કોલેજની ઇમારત સાથે અથડાયા પછી ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા હતા. બાંગ્લાદેશ માટે આ મુશ્કેલીના સમયમાં, ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે કહ્યું છે કે બાંગ્લાદેશમાં થયેલા વિમાન દુર્ઘટનામાં ઘાયલોની સારવાર માટે ખાસ ડોકટરો અને નર્સોની ટીમ મોકલવામાં આવી રહી છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું – “જરૂરી તબીબી સહાય સાથે ‘બર્ન-સ્પેશિયાલિસ્ટ’ ડોકટરો અને નર્સોની એક ટીમ ટૂંક સમયમાં પીડિતોની સારવાર માટે બાંગ્લાદેશના ઢાકા જશે. બર્ન-સ્પેશિયાલિસ્ટ ડોકટરો આગથી બળી ગયેલા લોકોની સારવારમાં નિષ્ણાત છે. ટીમ દર્દીઓની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂર મુજબ ભારતમાં વધુ સારવાર અને વિશેષ સંભાળની ભલામણ કરશે.” માહિતી અનુસાર, ઢાકા જતી ટીમમાં દિલ્હીના બે ડોકટરોનો સમાવેશ થાય છે. તેમાંથી એક રામ મનોહર લોહિયા હોસ્પિટલનો છે અને બીજા સફદરજંગ હોસ્પિટલનો છે.

હકીકતમાં, સોમવાર, ૨૧ જુલાઈના રોજ, બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર ફાઇટર જેટ ઢાકા સ્થિત માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની ઇમારત સાથે અથડાયા પછી ક્રેશ થયું. આ અકસ્માતની ભયાનક તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં, આ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં ૨૫ બાળકોનો સમાવેશ થાય છે. તે જ સમયે, મોટી સંખ્યામાં બાળકો અને લોકો ઘાયલ પણ થયા છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકામાં વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને બાંગ્લાદેશને શક્ય તેટલી મદદ કરવાની વાત કરી હતી. પીએમ મોદીએ એકસ પર એક ટીવટમાં કહ્યું હતું કે- “ઢાકામાં થયેલા દુઃખદ હવાઈ દુર્ઘટનામાં જાનમાલના નુકસાનથી અમે ખૂબ જ આઘાત અને દુઃખી છીએ, જેમાંના ઘણા યુવાન વિદ્યાર્થીઓ હતા. અમારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. ભારત બાંગ્લાદેશ સાથે એકતામાં ઉભું છે અને શક્ય તેટલી મદદ અને સમર્થન આપવા તૈયાર છે.