પીએમ મોદી આજે લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. તેઓ અહીં બંધારણના ૭૫ વર્ષની ભવ્ય યાત્રા પર ચર્ચામાં ભાગ લેવા આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે આ આપણા તમામ દેશવાસીઓ અને વિશ્વના લોકશાહી પ્રેમી નાગરિકો માટે ગર્વની ક્ષણ છે. લોકશાહીના ઉત્સવને ગૌરવ સાથે ઉજવવાનો આ એક અવસર છે. આપણા બંધારણ નિર્માતાઓનું યોગદાન બંધારણની ૭૫ વર્ષની સફર અને વિશ્વની સૌથી મોટી લોકશાહીની યાત્રાના મૂળમાં રહેલું છે, જેની સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. તેના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરવાની ક્ષણ છે. આ આનંદની વાત છે કે સંસદ પણ આ ઉત્સવમાં ભાગ લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહી છે.
બંધારણના ઘડવૈયાઓ આ અંગે ઘણા સભાન હતા, તેઓ માનતા ન હતા કે ભારતનો જન્મ ૧૯૪૭માં થયો હતો, તેઓ માનતા ન હતા કે ભારતમાં લોકશાહી ૧૯૫૦માં શરૂ થઈ હતી. હજારો વર્ષની સફરથી વાકેફ હતા. ભારતની લોકશાહી, ભારતનો પ્રજાસત્તાક ભૂતકાળ ઘણો સમૃદ્ધ રહ્યો છે. તેથી જ ભારત આજે લોકશાહીની માતા તરીકે ઓળખાય છે. આપણે માત્ર વિશાળ લોકશાહી નથી, આપણે લોકશાહીની માતા છીએ. બંધારણ સભામાં ૧૫ મહિલા સભ્યો હતી. આ તમામ બહેનો અલગ-અલગ વિસ્તારની હતી. તેમણે બંધારણમાં આપેલા સૂચનોની બંધારણના નિર્માણમાં ભારે અસર પડી હતી. વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓને અધિકાર આપવામાં દાયકાઓ લાગ્યા, પરંતુ અહીં મહિલાઓને શરૂઆતથી જ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
જ્યારે જી૨૦ સમિટ યોજાઈ હતી, ત્યારે અમે વિશ્વ સમક્ષ મહિલાઓની આગેવાની હેઠળના વિકાસનો વિચાર રજૂ કર્યો હતો. અમે બધા સાંસદોએ સાથે મળીને એક અવાજે નારી શક્તિ વંદન કાયદો પસાર કર્યો અને ભારતીય લોકશાહીમાં આપણી મહિલા શક્તિની ભાગીદારી સુનિશ્ચિત કરવા પગલાં લીધા. આજે દરેક મોટી યોજનાના કેન્દ્રમાં મહિલાઓ છે. આજે જ્યારે આપણે બંધારણના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ એક યોગાનુયોગ છે કે ભારતના રાષ્ટ્રપતિ પદ પર એક આદિવાસી મહિલા છે. આ ગૃહોમાં મહિલા સાંસદોની સંખ્યા પણ વધી રહી છે અને તેમનું યોગદાન પણ વધી રહ્યું છે. જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. આ માટે સૌથી મોટી પ્રેરણા આપણું બંધારણ છે.
આપણો દેશ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ મજબૂત પગલાં લઈ રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓનો આ સંકલ્પ છે કે જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશું ત્યારે વિકસિત ભારતમાં ઉજવીશું. આ માટે સૌથી મહત્વની બાબત છે ભારતની એકતા. બાબા સાહેબે કહ્યું હતું કે આપણો દેશ વિવિધતાથી ભરેલો છે તો તેને એક સાથે કેવી રીતે લાવવો. મારે અત્યંત દુખ સાથે કહેવું પડે છે કે આઝાદી પછી એક તરફ બંધારણ ઘડનારાઓના દિલ અને દિમાગમાં એકતા હતી, પરંતુ આજે આઝાદી પછી દેશની એકતાની મૂળભૂત લાગણી પર સૌથી મોટો હુમલો થયો છે. આપણે વિવિધતાની ઉજવણી કરીએ છીએ, પરંતુ ગુલામીની માનસિકતામાં ઉછરેલા લોકો, જે લોકો ભારતનું સારું જાઈ શકતા નથી, તેઓ વિવિધતામાં વિરોધાભાસ શોધતા રહ્યા. વિવિધતાના આ અમૂલ્ય ખજાનાની ઉજવણી કરવાને બદલે દેશની એકતાને નુકસાન થાય તેવા ઝેરી બીજ વાવવાના પ્રયાસો કરવામાં આવ્યા.
જો આપણે છેલ્લા ૧૦ વર્ષોમાં આપણી નીતિઓ અને આપણી નિર્ણય લેવાની પ્રક્રિયા પર નજર કરીએ તો, આપણે ભારતની એકતાને મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. કલમ ૩૭૦ દેશની એકતામાં દીવાલ બની ગઈ હતી, તેથી અમે કલમ ૩૭૦ને દફનાવી દીધી, કારણ કે દેશની એકતા અમારી પ્રાથમિકતા છે. જો આપણે આ વિશાળ દેશમાં આર્થિક રીતે આગળ વધવું હોય તો ભારતમાં અનુકૂળ વ્યવસ્થાની જરૂર છે. ત્યાંથી જીએસટી સંબંધિત ચર્ચા ચાલુ રહી. GST એ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વન નેશન વન ટેક્સ પણ તેને આગળ લઈ જઈ રહ્યું છે. જો કોઈ ગરીબ વ્યક્તિ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે, તો તેને બીજા રાજ્યમાં રેશન કાર્ડ દ્વારા કંઈપણ મળી શકશે નહીં. આ માટે અમે વન નેશન વન રાશન કાર્ડ લાવ્યા છીએ. દેશના ગરીબોને જો મફતમાં સારવાર મળે તો તેમની ગરીબી સામે લડવાની શક્તિ વધે છે, પરંતુ જો તેઓ કોઈ કામ માટે બહાર ગયા હોય તો આવા સમયે તેમને સુવિધાઓ ન મળે તો આ સિસ્ટમનો શું ઉપયોગ, તેથી અમે નક્કી કર્યું કે વન નેશન વન હેલ્થ કાર્ડ હોવું જોઈએ અને અમે આયુષ્માન કાર્ડ બહાર પાડ્યું.દેશની એકતાને ધ્યાનમાં રાખીને અમે તેને મજબૂત બનાવ્યો. દુનિયામાં અમે ગર્વ સાથે કહીએ છીએ કે અમે ટેક્નોલોજીને લોકશાહી બનાવવાનું કામ કર્યું છે. માતૃભાષાનું મહત્વ આપણે સ્વીકાર્યું છે. તેથી જ અમે નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષા પર ઘણો ભાર આપ્યો છે. હવે ગરીબ બાળક પણ માતૃભાષામાં ડોક્ટર-એન્જીનિયર બની શકે છે. દેશભરમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન નવી પેઢીને જાગૃત કરવાનું કામ કરી રહ્યું છે.