રાષ્ટ્રીયં જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે સત્તારૂઢ ભાજપ સરકારની ટીકા કરતાં કહ્યું કે ભારત ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે જનતાને મોંઘવારી મુદ્દે સંગઠીત થવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ જે રીતે કામ કરી રહ્યું છે તે મુજબ દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે. હું લોકોને આહ્વાન કરું છું કે તેઓ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ વિરુદ્ધ સંગઠિત થાય.
આપણે સંગઠિત થઈને લડવું પડશે અને આપણે જીતીશું. આપણે પીછેહઠ કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે ઘાસચારા કૌભાંડના એક કેસમાં ઝારખંડ હાઈકોર્ટ દ્વારા એપ્રિલ મહિનામાં લાલુ યાદવને જામીન આપવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત નાદુરસ્ત છે.
જામીન મળ્યા બાદ તેઓ દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં તેમની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીના ઘરે આરામ કર્યો હતો. તાજેતરમાં તેઓ પટના પહોંચ્યા હતા. તબિયત નાદુરસ્ત હોવાથી તથા ઉંમર પણ વધારે હોવાથી લાલુ પ્રસાદ યાદવે આરજેડીની મહત્તમ જવાબદારી તેમના પુત્ર તેજસ્વી યાદવને સોંપી દીધી છે. આરજેડી અને બીજેપી વચ્ચેનું ઘર્ષણ પણ જગજાહેર છે. તેના ભાગરૂપે જ તાજેતરમાં સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવના ૧૭ સ્થળો પર દરોડા પાડ્યા હોવાનું કહેવાય છે.