ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો દિવસેને દિવસે બગડી રહ્યા છે. આ ક્રમમાં, ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે તેના કેટલાક સુનિશ્ચિત કોન્સ્યુલર કેમ્પ્સ રદ કર્યા છે. તેની પાછળનું કારણ કેનેડા દ્વારા પૂરતી સુરક્ષા ન આપવી હોવાનું કહેવાય છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓએ સમુદાય કેમ્પના આયોજકોને ન્યૂનતમ સુરક્ષા પ્રદાન કરવામાં અસમર્થતા દર્શાવી છે. જેના કારણે અમારે અમારા કાર્યક્રમો રદ્દ કરવા પડ્યા છે.
વાસ્તવમાં, ભારત અને કેનેડા વચ્ચે વધુ તણાવ ત્યારે થયો જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટુડો સરકારના એક મંત્રીએ દાવો કર્યો કે કેનેડામાં શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ અમિત શાહ દ્વારા આપવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસને સંસદીય પેનલમાં આ નિવેદન આપ્યું છે.
જા કે, મોરિસને પાછળથી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે જ શાહના નામની માહિતી વોશિંગ્ટન પોસ્ટના પત્રકારને કોઈપણ પુરાવા વિના લીક કરી હતી. આ અખબારે લખ્યું હતું કે અમિત શાહે કેનેડામાં શીખ અલગતાવાદીઓને નિશાન બનાવીને હિંસા, ધમકીઓ અને ગુપ્ત માહિતી એકત્ર કરવાના અભિયાનનો આદેશ આપ્યો હતો.
અમિત શાહ પર લાગેલા આરોપો પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે કડક વલણ અપનાવતા ભારતે કેનેડિયન અધિકારીને બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે ગઈકાલે કેનેડિયન હાઈ કમિશનના પ્રતિનિધિને બોલાવ્યા હતા. કેનેડા સરકારના મંત્રી ડેવિડ મોરિસન દ્વારા ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી વિશે સમિતિ સમક્ષ કરાયેલા વાહિયાત અને પાયાવિહોણા આક્ષેપોનો ભારત સરકાર સખત શબ્દોમાં વિરોધ કરે છે.