પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર્સ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ એ યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા માટે હોટલાઇન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે હવે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે ૧૮ મેના રોજ વાતચીત થશે. ભારત અને પાકિસ્તાને ૧૦ મેના રોજ સરહદ પારથી થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓ પછી લશ્કરી સંઘર્ષ ઓછો કરવા સંમતિ આપી હતી.
ડારે સંસદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા અને તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ બુધવારે બપોરે હોટલાઇન પર વાત કરી હતી. ડારના દાવા પર ભારતીય પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ભારતીય સેનાના એક અધિકારીએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, “૧૦ મે ૨૦૨૫ ના રોજ બંને દેશોના ડીજીએમઓ વચ્ચે થયેલી સંમતિ મુજબ વિશ્વાસ નિર્માણના પગલાં ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
સંસદમાં, ડારે કહ્યું કે બંને ડીજીએમઓ ૧૮ મેના રોજ ફરી વાતચીત કરશે. વાટાઘાટોની કોઈ વિગતો શેર કરવામાં આવી ન હતી સિવાય કે બંને પક્ષો યુદ્ધવિરામનું પાલન કરવા સંમત થયા. જીઓ ન્યૂઝ અનુસાર, ડારે કહ્યું, “ડીજીએમઓ વાટાઘાટો દરમિયાન (૧૦ મેના રોજ), યુદ્ધવિરામ ૧૨ મે સુધી લંબાવવામાં આવ્યો હતો. જ્યારે ડીજીએમઓએ ૧૨ મેના રોજ ફરીથી વાત કરી, ત્યારે યુદ્ધવિરામ ૧૪ મે સુધી લંબાવવામાં આવ્યો અને ૧૪ મેના રોજ વાટાઘાટો પછી, યુદ્ધવિરામ ૧૮ મે સુધી લંબાવવામાં આવ્યો.”
દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં જ ઇશાક ડારે સીએનએનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો યુદ્ધવિરામ જાખમમાં મુકાઈ શકે છે. જો આ મામલો ઉકેલાય નહીં તો તેને ‘યુદ્ધનું કૃત્ય’ ગણવામાં આવશે.