ભારતીય ટીમે ચીનમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત પાંચમી મેચ જીતી છે. ગ્રુપ સ્ટેજની મેચ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનને ૨-૧થી હરાવ્યું હતું. આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા.
ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પેરિસ ઓલિમ્પિકનું પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું છે. ચીનમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર જોરદાર પ્રદર્શન કર્યું છે અને સતત પાંચમી જીત હાંસલ કરી છે.
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ટીમની જીતનો હીરો કેપ્ટન હરમનપ્રીત સિંહ રહ્યો હતો, જેણે પેનલ્ટી કોર્નર દ્વારા ૨ ગોલ કર્યા હતા. જો કે પાકિસ્તાને સ્કોરિંગની શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ઇન્ડિયાએ વાપસી કરીને મેચ ૨-૧થી જીતી લીધી હતી.
ભારત અને પાકિસ્તાનની ટીમો ૩૫૦ દિવસ પછી મેચ રમી રહી હતી. પાકિસ્તાને રમત શરૂ થતાં જ આક્રમણ શરૂ કર્યું હતું અને ૭મી મિનિટે હન્નાન શાહિદની મદદથી ગોલ કરીને ૧-૦ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, ભારતે વાપસી કરવામાં વિલંબ કર્યો ન હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ૧૩મી મિનિટે ભારત માટે પહેલો ગોલ કરીને ટીમને ૧-૧થી બરાબર કરી દીધી હતી. બીજા ક્વાર્ટરમાં રમતની ૧૯મી મિનિટ દરમિયાન ટીમ ઇન્ડિયાને ફરીથી પેનલ્ટી કોર્નર મળ્યો, ત્યારબાદ ભારતીય ટીમના ‘સરપંચ’ એ મેચનો બીજા ગોલ કર્યો. આ સાથે ભારતે પાકિસ્તાન સામે ૨-૧થી આગળ કર્યું હતું.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતને રમતની ૩૮મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ કેપ્ટન હરમનપ્રીત સિંહે હેટ્રિકની તક ગુમાવી દીધી હતી. આ પછી પણ ભારતીય ટીમને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં તકો મળી પરંતુ તે ગોલમાં પરિવર્તિત થઈ શકી નહીં. બીજી તરફ પાકિસ્તાનની ટીમ સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી. તેણે બરાબરી કરવાની ઘણી તક ગુમાવી હતી. રમત દરમિયાન પાકિસ્તાનના અબુ મહમૂદનો ઘૂંટણ વળી ગયો અને તેને ગંભીર ઈજા થઈ. તેને સ્ટ્રેચર પર બહાર લઈ જવો પડ્યો, જેના કારણે પાકિસ્તાન ટીમને મોટું નુકસાન થયું.