ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (ઓઆઇસી)ના રાજદૂતની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાતનો વિરોધ કર્યો છે. ભારતે ઓઆઇસી દૂત યુસુફ એલ્ડોબેની પીઓકે મુલાકાતનો વિરોધ કરતા કહ્યું કે આવી મુલાકાતો અમારા આંતરિક મામલામાં દખલ છે. આ મુદ્દે પત્રકારોના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ અમારો આંતરિક મામલો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે આવી મુલાકાતોને અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ તરીકે જોઈએ છીએ.
એક અહેવાલ અનુસાર, ઓઆઇસીની એક ઉચ્ચ સ્તરીય ટીમે નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી. આ લોકોને સરહદની નજીકની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતે અગાઉ પણ કહ્યું છે કે આ મુદ્દે ઓઆઇસીની કોઈ ભૂમિકા નથી. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના મુદ્દામાં ઓઆઇસી ની કોઈ ભૂમિકા નથી જે ભારતનો અભિન્ન ભાગ પણ છે.
ઉલ્લેખનીય છે કે ઓઆઇસી દેશોના સમુહે ગઇકાલે કાશ્મીર મુદ્દે તમામ બાબતે સમર્થન આપવાની વાત કરી હતી અને બુધવારે જે રીત પીઓકેની મુલાકાત લીધી હતી તેના લીધે ભારત સરકારે મુસ્લિમ સંગઠનના દેશોને કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે તેમાં હસ્તક્ષેપ ન કરો.