‘ધ બંગાળ ફાઇલ્સ’ પ. બંગાળ સિવાય સમગ્ર ભારતે તેને જોઈ. આવકાર આપ્યો. આપી રહ્યા છે. નામથી જ માત્ર ‘ધ હિન્દુ’એ સમીક્ષામાં હેડિંગ આપ્યુંઃ Vivek Agnihotri Injects A Booster Dose Of Communal Poison. કેટલાંક મીડિયાએ તેને વિવાદાસ્પદ ફિલ્મ ગણાવી તો કેટલાકે સત્યથી પર.
સત્ય દર્શાવવું એ શું વિષ ભેળવવું છે? અત્યાર સુધી ઉર્દૂવુડમાં હિન્દુવાદીઓને-સંતોને, ઇવન દેવી-દેવતાઓ સામે ઝેર ભરવામાં આવતું હતું તેમાં વાંધો નહોતો, હવે આ સચ્ચાઈ બતાવાઈ છે તેમાં વાંધો છે? અને સચ્ચાઈ માત્ર ૧૯૪૬ના કોલકાતા અને નોઆખલી રમખાણોમાં મુસ્લિમ મુખ્ય પ્રધાન સુહરાવર્દીના સાર્વજનિક ટેકા, પોલીસની નિષ્ક્રિયતા અને દેશના લોકલાડીલા નેતા ગાંધીજીના માત્ર હિન્દુઓની હત્યા પ્રત્યેના મૌનની નથી, એ તો છે જ, પણ સાથે આજના સમયની – સંદેશખલી અને મુર્શિદાબાદના પ. બંગાળની સચ્ચાઈ છે.
ફિલ્મનો નાયક છે સીબીઆઈ અધિકારી શિવ પંડિત (દર્શનકુમાર) જે એક દલિત યુવતી ગીતા મન્ડલના અદૃશ્ય થવાની તપાસ કરવા પ. બંગાળ જાય છે. એક ગાંડો પૂર્વ પોલીસ અધિકારી (મિથુન ચક્રવર્તી) શરૂઆતની દસ મિનિટમાં જ આવી જાય છે. જીભ કાપી નખાઈ હોવાથી તોતડું બોલે છે. દારૂ સતત પીધા રાખે છે. કફથી ફેફસું ખખડી ગયું છે. આખી ફિલ્મમાં જ્યારે-જ્યારે તે આવે છે ત્યારે મિથુન અભિનયથી મેદાન મારી જાય છે.
શિવ મિથુનના ઘરે જાય છે ત્યારે જુએ છે ચારે તરફ ટીંગાડેલાં ભારત ભક્તિથી ઓતપ્રોત સમાચારોનાં કતરણો અને દેશનાં વડાપ્રધાનોની છબિઓ. મિથુન કહે છે કે અશોકસ્તંભમાં ચાર સિંહ છે- એક જીવવાનો અધિકાર, બીજો ન્યાયનો અધિકાર, સત્યનો અધિકાર અને ચોથો છે- આપણે લોકો- વી ધ પીપલ, પણ જ્યારે ભારતના વિભાજનનો નિર્ણય થયો ત્યારે માત્ર આઠ જણાએ નાના ટેબલ પર આ નિર્ણય કર્યો હતો, તેમાં વી ધ પીપલ નહોતા. ભારતીયો અલગ-અલગ મુદ્દે એટલા બધા વહેંચાયેલા છે કે ઝીણા, સુહરાવર્દી, ગુલામ સરવર હુસૈની, સરદાર હુસૈની, યાકૂબ મેમણ, યાસીન મલિક, કસાબ જેવા આતંકવાદીઓ ઉત્પન્ન થતા રહે છે.
ગીતાના અદૃશ્ય થવાની શંકા બે જણ પર છે- એક સમાજસેવિકા વૃદ્ધ ભારતી બેનર્જી (પલ્લવી જોશી) અને ઇસ્લામની આડશમાં અપરાધો કરતા ધારાસભ્ય સરદાર હુસૈની (શાશ્વત ચેટર્જી) પર. ભારતીના હાથ પર ઉર્દૂમાં ત્રોફાવેલું આયેશા જહાં નામ દેખાય છે. આ આયેશા જહાં પ્રતીક છે સર્વે ભારતીયોનું જેના મનમાં આજે પણ મોગલો અને અંગ્રેજોની દાસતા ઊંડે સુધી ઘૂસી ગઈ છે. એ આદાબ કે ગુડ મોર્નિંગ કરવામાં અથવા ઉર્દૂ અને અંગ્રેજી બોલવામાં ઝળકે છે. એ મોગલો અને પશ્ચિમી દેશોની વાહવાહ કરવામાંય ઝળકે છે.
ફિલ્મમાં ઇસ્લામના નામે કટ્ટર મુસ્લિમોની ગુંડાગીરી વિવેકે ‘કાશ્મીર ફાઇલ્સ’ની જેમ જ કોઈ બેલેન્સિંગ ઍક્ટ વગર સરસ બતાવી છે.
સરદાર બાંગ્લાદેશથી ઘૂસણખોરોને લાવે છે. તેના નકલી મતદાર પત્ર, આધાર પત્ર અને રેશન પત્ર બનાવીને શાસક પક્ષની મતબેંક બનાવે છે. ધીરેધીરે અહીંની જનસંખ્યાનું ગણિત બદલાઈ રહ્યું છે. તેનો લાભ શાસક પક્ષને થઈ રહ્યો છે. તેની સામે સ્થાનિક લોકો કંઈ બોલી શકતા નથી. જો કોઈ બોલવા જાય તો તેના ઘરની છોકરીને ઉપાડી જાય. બળાત્કાર તો હાલતા-ચાલતા થાય છે. પોલીસ, સરકાર, ન્યાયતંત્ર, બધા તેનાથી ડરે છે. આ વાસ્તવિકતા છે.
૨૦૨૧માં ચૂંટણી પરિણામના દિવસે હિન્દુઓને મારી-મારીને, બળાત્કાર કરીને, હત્યા કરીને ભગાડ્‌યા (તેના પર અલગ ફિલ્મ બને તેમ છે) તેનો કેસ સર્વોચ્ચમાં થયો. ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જી કેસમાંથી જૂન ૨૦૨૧માં હટી ગયા પછી આ કેસ ઠંડો છે. ગત ૨૦૨૪માં સુનાવણી થઈ હતી, પરંતુ સર્વોચ્ચના ન્યાયમૂર્તિ (એ. એસ. ઓકા જે તેમના હિન્દુ વિરોધી વિચારો- મૂર્તિ પૂજા વિરોધી વિચારો માટે જાણીતા છે)એ ઉલટાનું સીબીઆઈને ખખડાવી હતી.
ગીતાની માતા સરદારના રાજકીય પક્ષમાં કામ કરતી હતી. તેમ છતાં તેનેય ન છોડી. આ વાસ્તવિકતા છે. સરદાર અને તેના ગુંડાઓ ગીતાની માતાનું જાતીય શોષણ કરતા હતા. આ કોરી કલ્પના નથી, વાસ્તવિકતા છે. સંદેશખાલીમાં શૈખ શારજહાં અને તૃણમૂલના કહેવાતા નેતા જે ખરેખર ગુંડાઓ હતા, તેમણે તૃણમૂલની જ મહિલા કાર્યકર્તાઓ સાથે આ જ કર્યું હતું.
ન્યાયમૂર્તિ બેનર્જી (પ્રિયાંશુ ચેટર્જી)ની દીકરી ભારતી વય સાથે અને તેને મળેલા કારમા ઘાના કારણે વિસ્મૃતિના રોગનો શિકાર બની છે. તેની સોઇ ભારતના વિભાજન પહેલાં કોલકાતા અને નોઆખલીમાં હિન્દુઓની હત્યા કરનારા ગુલામ પર અટકી ગઈ છે. યુવાન ભારતી પદવી દાન વખતે રાજ્યપાલને ગોળી મારી દે છે પણ ગાંધીજીના અહિંસાના પાઠના કારણે, તેનામાં પરિવર્તન આવે છે. હિન્દુઓની આટલી હત્યાઓ જુએ છે તો પણ, જ્યારે તેને બચાવવા એક શીખ અમરજીતસિંહ અરોડા નરાધમ મુસ્લિમને મારી નાખે છે ત્યારે કહે છે, તું મારી પાસે ન આવતો. તું પણ એમના જેવો જ છો. તેને કહે છે કે તે રેડક્રાસની પટ્ટી કેમ પહેરીને લડાઈ લડે છે? ભારતી એવા ભોળા હિન્દુઓમાં આવે છે જેણે મહાભારત વાંચ્યું જ નથી હોતું અને ગાંધીજીનો અહિંસાનો પાઠ ગોખી લીધો છે.
અંતે ભારતીને સત્ય સમજાય છે કે સ્વતંત્રતા સમયે તો એક જ પિશાચ ગુલામ સરવર હતો, આજે તો અનેક ગુલામો છે. પોલીસ, નેતા, કલેક્ટર, વકીલ, ન્યાયાધીશ, બધા ગુલામના લોકો છે.
વાત કેટલી સાચી છે ! અમાનતુલ્લાહ ખાન, શૈખ અકીલ અલી, અશોક યુનિવર્સિટીના પ્રાધ્યાપક અલી ખાન મહેમૂદાબાદ, તિશ્તા સેતલવાડ, મૌલાના સાદ, આ બધા માટે ન્યાયતંત્ર, વકીલ, મીડિયા, અધિકારીઓના માપદંડ અલગ છે, હિન્દુઓ માટે અલગ.
શિવને નમાઝીઓની ભીડમાંથી પથ્થર વાગે છે ત્યારે તેને યાદ આવે છે કાશ્મીરની ખીણ, જેમાં મસ્જિદમાંથી જ ‘રલીવ ગલીવ ચલીવ’નાં ઉશ્કેરણીજનક ભાષણો થતાં હતાં અને હિન્દુઓની હત્યા કરવા રક્તપિપાસુ બનીને ધસી આવતી કટ્ટર મુસ્લિમોની ભીડ. તેને યાદ આવે છે એ સલાહ જેમાં તેના પિતા કહે છે કે સિસ્ટમ સામે ન લડવું. સારી બોલી દીધું હોત તો આ ન થાત. ત્યારે શિવ કહે છે, મા તો ક્યારેય નહોતી લડી. તેને મારીને ઝેલમમાં કેમ ફેંકી દેવાઈ?
લેફ્‌ટ-લિબરલ નિર્દેશકોની ફિલ્મમાં હિન્દુવાદી પાત્રના મોઢે નબળી દલીલો મૂકવામાં આવે. દા. ત. ‘લગે રહો મુન્નાભાઈ’માં જ્યોતિષીની સાથે મુન્નાભાઈની ફિલ્મમાં અંતમાં દલીલ કે તારી સાથે આગામી એક મિનિટમાં શું થવાનું છે તે કહે. જ્યોતિષી ત્યાં એમ કહી શકે કે એ માટે મારે પ્રશ્ન કુંડળી માંડવી પડે. ગણતરીઓ કરવી પડે. એમ તરત ન કહી શકાય. પરંતુ વિવેક રંજન અગ્નિહોત્રીએ જે રીતે ‘કાશ્મીર ફાઇલ્સ’માં રાધિકા મેનન અને ફારુક મલિક બિટ્ટાના મોઢે સશક્ત દલીલો મૂકાવી હતી તેમ આ ફિલ્મમાં ગાંધીજી અને સરદાર હુસૈની બંનેના મોઢે સશક્ત દલીલો મૂકાવી છે. ગાંધીજીની દલીલો સાંભળો તો અહિંસામાં માનવા લાગો અને સરદાર હુસૈનીની દલીલો સાંભળો તો એમ લાગે કે સાચે જ, મુસ્લિમોને બહુ અન્યાય થાય છે.
વક્ફ બાર્ડ અધિનિયમના વિરોધમાં મુર્શિદાબાદમાં થયેલી હિન્દુ વિરોધી મુસ્લિમ હિંસાને પણ ફિલ્મમાં વણી લેવાઈ છે.
શિવ અને તેના ઉપરી રાજેશસિંહ વચ્ચેની ઉગ્ર ચર્ચામાં શિવની દલીલો જોરદાર છે. શિવ કહે છે કે માત્ર હિન્દુઓને ડરાવવામાં આવે છે. નાનો હતો ત્યારે મા કહેતી-બહાર ન જા. રમખાણ થશે. આઈપીએસ થઈને કોલકાતા ગયો તો ત્યાં પણ મને પોલીસે કહ્યું- બહાર ન જાવ. રમખાણો થઈ શકે છે. તમે પણ મને આ જ કહ્યું કે તારી કાર્યવાહીથી રમખાણો થઈ શકે છે. આની ઔષધિ શું છે, સર? આ ગુંડાઓને સમાપ્ત કરવા પડશે. આપણે સ્વતંત્રતા શા માટે મેળવી? આ મોલ, પૂલો, રસ્તાઓ બનાવવા માટે? ૮૦ વર્ષ પછી પણ આ સાંપ્રદાયિક રાજકારણ કેમ? ભારતીયના જીવનું મૂલ્ય કેમ નથી?
રાજેશ સિંહ કહે છે, શું બકવાસ કરે છે? શિવ કહે છે, હું બકવાસ કરતો હોઉં તો હું કાશ્મીરમાં કેમ નથી? પોતાના ઘરમાં? ગંગા નીકળે છે ત્યારે એકદમ પવિત્ર હોય છે, તેમાં યમુના ભળે છે તો પણ ગંગા બની જાય છે, પરંતુ તેમાં ગંદાં નાળાંનું પાણી ભળે અને પોતાના અસ્તિત્વને છોડવા ન માગે, તો તેનો શું ઉપાય?
ફિલ્મમાં સમાંતરે ભારતી બેનર્જીની આંખે ૧૯૪૬-૪૭નો કાળો, ક્રૂર, કડવો અને કલંકરૂપ ઇતિહાસ પણ બતાવાય છે. ગાંધી સાપને પણ શાંત કરતાં-કરતાં પકડતા હતા અને દરેક આવી ક્રિયાની પી.આર. તસવીર પડાવતા હતા. તેમને સ્વતંત્રતાના આંદોલન કરતાં તેમની તસવીરો પાડતી બ્રિટિશ મહિલા પત્રકારને મચ્છર ન કરડે તેની વધુ ચિંતા હતી. ગાંધીજીને તર્કથી ભારતીને હિંસકમાંથી અહિંસક બનાવતા દેખાડાયા છે. નોઆખલીમાં રમખાણો શાંત પાડવા ગાંધીજીના ઉપવાસ સમયે તેઓ સલાહ આપે છે કે હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર થાય તો તેમણે જીભ કચડીને અથવા શ્વાસ રોકીને મરી જવું જોઈએ ! નોઆખલી અને તિપેરાહમાં ૫,૦૦૦ લોકો માર્યા ગયા ત્યારે ગાંધીજી આવીને શું કરતા હતા? વૈષ્ણવ જનનું ગાન !
એક દુઃખિયારી પીડિતા મહિલા જેને તન ઢાંકવા પૂરતાં કપડાં પણ નથી તે ગાંધીજી પાસે રાવ નાખી કહે છે, મારા પરિવારમાં બધાને મારી નાખ્યા. એક દીકરી ગર્ભવતી હતી તેની અંદર સળિયો નાખી દીધો. છ લોકોએ મારા પર બળાત્કાર કર્યો. મારા પરિવારના અંતિમ સંસ્કાર પણ ન થવા દીધા. જમીનમાં દાટી દીધા. બાપુ, તમે કહો છો ને કે હિંસા ન કરો. તો કહો કે અમારે શું કરવું જોઈએ. ગાંધીજી પાસે માથું પીટવા સિવાય કોઈ પ્રતિક્રિયા નથી. અને પડદા પર આવે છે ન્યૂ યાર્ક ટાઇમ્સનું કતરણ-ગાંધીજીએ હિન્દુઓને શું રસ્તો બતાવ્યો- નોઆખલી છોડી દો અથવા મરો (પરંતુ મુસ્લિમોને કંઈ નહીં કહેવાનું).
ફિલ્મમાં ઘણી એવી વાતો છે જેને જોઈને થશે કે અરે ! આ તો આપણને ખબર જ નહોતી.
૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો વિશે આખું વિશ્વ જાણે છે, સુહરાવર્દીએ પોલીસને ચોવીસ કલાક સુધી કોઈ પગલાં ન લેવા આદેશ આપેલો તેની વાત કેટલા જાણતા હતા? ૨૦૦૨માં માર્યા ગયેલા ગુલબર્ગ સોસાયટીના સાંસદ અહેસાન જાફરીનું નામ તો બધાને ખબર છે, સુહરાવર્દીની સામે હરીફ અને મુસ્લિમો સામે હિન્દુઓના રક્ષક હિન્દુ મહાસભાના પ્રમુખ રાજેન્દ્રલાલ રાય ચૌધરી અને તેમના પરિવાર ઉપરાંત તેમણે પોતાની વાડીમાં સેંકડો હિન્દુઓને આશ્રય આપ્યો હતો તેમની હત્યા મુસ્લિમોએ કરી હતી તે વાત કદાચ બંગાળીઓને પણ સ્મરણ હશે કે કેમ તે પ્રશ્ન છે.
આ ફિલ્મમાં નથી બતાવાયું પણ સત્ય એ છે કે ગાંધીજી અને તેમની સાથે સુચેતા કૃપલાણી (જે બાદમાં ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન બન્યાં) શાંતિ સ્થાપવાના પ્રયાસો કરતા હતા ત્યારે ગુલામ સરવરે જે કોઈ સુચેતા કૃપલાણી પર બળાત્કાર કરે તેને ગાઝીની પદવી આપવાની જાહેરાત કરી હતી ! આથી સુચેતા કૃપલાણી પોતાની સાથે સાઇનાઇડ ઝેર રાખતા હતા ! પરંતુ તેમણે ધમકીથી ડર્યા વગર સેવાનું કામ કર્યું હતું.
પાઠ્‌યપુસ્તકો અને મીડિયામાં ગાંધીવાદી સ્વતંત્રતા સેનાનીઓ વિશે તો પાનાં ને પાનાં ભરીને લખાયું છે- વારંવાર લખાયું છે, પરંતુ એક કસાઈ ગોપાલ મુખર્જી ઉપાખ્યે ગોપાલ પાઠાએ કઈ રીતે હિન્દુઓનું સંગઠન કરી, પૈસા એકત્ર કરી, જેમને જે આવડે તે શસ્ત્ર ચલાવવા કહી, મુસ્લિમોને ઈંટનો ઉત્તર પથ્થરોથી આપ્યો, જેથી કોલકાતા રમખાણો શાંત થયા તે ઇતિહાસ ધરબી દેવાયો છે. એ પણ નથી જણાવાતું કે કોલકાતામાં જ્યારે મુસ્લિમો હિંસા કરતા હતા ત્યારે જ ગાંધીજીએ શાંતિની અપીલો કરવી જોઈતી હતી, પરંતુ જ્યારે હિન્દુઓ ઉત્તર આપવા લાગ્યા ત્યારે તેઓ મુસ્લિમોને બચાવવા ઉપવાસ પર બેઠા (ઈન્દિરા ગાંધી સરકારના સંકેત પર રિચર્ડ એટનબરોએ ‘ગાંધી’ ફિલ્મમાં આ સત્ય નથી બતાવ્યું અને સ્વાભાવિક છે કારણકે ગાંધીજીની ઉજળી બાજુ જ બતાવવાની હતી).
ફિલ્મમાં સુહરાવર્દી કહે છે, આ રમઝાનનો મહિનો છે અને મોહમ્મદ પયગંબરે બદ્રની લડાઈ આ જ મહિનામાં જીતી હતી. અલ્લાહે આ જ મહિનામાં જિહાદની અનુમતિ આપી હતી. સીધા પગલાંના દિવસે હિન્દુ પોલીસ અધિકારીઓની કોલકાતામાંથી બદલી કરી દેવામાં આવી, ૨૪માંથી ૨૨ પોલીસ મથકમાં મુસ્લિમ પોલીસ અધિકારીઓને નિયુક્ત કરી દેવામાં આવ્યા. જે ધારાસભ્ય ગુલામ સરવર હુસૈનીએ નોઆખલી રમખાણો કર્યાં તે સૂફી પરિવારનો હતો, બોલો !
સ્વતંત્રતાની રાતે જ ગુલામ અમરની હત્યા કરીને અને ભારતીને નગ્ન કરી તેના હાથ પર આયેશા જહાં કોતરીને ઘોષણા કરે છે- આ વિભાજન આજે સમાપ્ત નથી થયું, શરૂ થયું છે, આ અધૂરો રહી ગયેલો પ્રાજેક્ટ છે. આજેય ભારતને પાકિસ્તાન બનાવવા ષડયંત્રો ચાલુ જ છે.

શું એ સત્યને ‘ધ હિન્દુ’ અને તેનાં જેવાં ડાબેરી મીડિયા નકારી શકશે કે સુહરાવર્દીએ ૨૪ કલાક પોલીસને નિષ્ક્રિય રહેવા આદેશ આપી કોલકાતા અને નોઆખલીમાં હિન્દુઓને મરવા દીધા હતા? શું એ સત્ય નથી કે ગાંધીજીએ કોલકાતામાં હિન્દુ મરી રહ્યા હતા ત્યાં સુધી મૌન રાખ્યું અને જેવા મુસ્લિમો મરવાના ચાલુ થયા એટલે આમરણાંત ઉપવાસ પર બેઠા?
jaywant.pandya@gmail.com