ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા એટલે કે સરસંઘચાલક મોહન ભાગવતના નિવેદનના પગલે આ મુદ્દો ચર્ચામાં છે. ભાગવતનું કહેવું છે કે, ભારતમાં હિંદુ અને મુસ્લિમોના વડવા એક જ હતા તેથી બંનેનાં ડીએનએ એક જ છે. દરેક ભારતીય નાગરિક હિંદુ છે અને હિંદુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિના સમૃધ્ધ વારસાનો સમાનાર્થી છે . ભાગવતે મુસ્લિમ બુધ્ધિજીવીઓને સંબોધતાં બીજું પણ ઘણું કહ્યું ને તેનો ટૂંક સાર એ છે કે, ભારતમાં હિંદુ અને મુસ્લિમોને ભલે અલગ ગણવામાં આવતા હોય પણ બંનેનાં મૂળિયાં એક જ છે.
ભાગવતે આ વાત પહેલી વાર નથી કહી.
ભાગવતે બે મહિના પહેલાં આ જ વાત કહી હતી. ઉત્તર પ્રદેશના એક કાર્યક્રમમાં ભાગવતે ભારતમાં ઈસ્લામ ખતરે મેં હોવાના ભયમાં નહીં ફસાવા મુસ્લિમોને સલાહ આપીને કહેલું કે, ભારતમાં રહેનારા બધા જ લોકોના ડીએનએ એક જ છે, પછી તે ભલે ગમે તે ધર્મને અનુસરતા હોય. મોહન ભાગવતે તો એવું પણ કહેલું કે, હિન્દુ-મુસ્લિમ એકતાની વાતો ભ્રામક છે કેમ કે વાસ્તવમાં હિંદુ અને મુસ્લિમો અલગ છે જ નહીં. બંનેની પ્રાર્થના કરવાની પધ્ધતિ અલગ હશે પણ બંને એક જ છે અને ભગવાનને પૂજવાની અલગ પધ્ધતિના આધારે ભારતીયોમાં ભેદભાવ થઈ શકે નહીં.
યુપીના ગાઝિયાબાદમાં ‘હિન્દુસ્તાની ફર્સ્ટ, હિન્દુસ્તાન ફર્સ્ટ’ થીમ પર મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગવતે હિંદુ અને મુસ્લિમો વચ્ચે દીવાલ ઉભી કરવા માટે નેતાઓને જવાબદાર ગણાવીને એમ પણ કહેલું કે, નેતાઓ લોકોને એક કરી શકે તેમ નથી અને રાજકારણ લોકોને એક કરવાનું માધ્યમ બની શક્યું નથી પણ દેશની એકતા ખતમ કરવાનું હથિયાર બની શકે છે. દેશમાં એકતા વિના વિકાસ શક્ય નથી અને એકતાનો આધાર રાષ્ટ્રવાદ તથા પૂર્વજોની મહિમા હોવો જોઈએ. હિન્દુ-મુસ્લિમ સંઘર્ષનો ઉકેલ ચર્ચા દ્વારા લાવી શકાય છે, વિખવાદ દ્વારા નહીં.
ભાગવત પહેલાં પણ આ પ્રકારની વાતો કરી ચૂક્યા છે. ભાગવત જ્યારે પણ આવી વાત કરે છે ત્યારે સંઘના વિરોધીઓ સવાલ કરવા ઉભા થઈ જાય છે. આ વખતે પણ એવું જ થયું છે. અસદુદ્દીન ઓવૈસી અને દિગ્વિજયસિહં જેવા સંઘના ઘોર વિરોધી મેદાનમાં આવી ગયા છે.
ઓવૈસી અને દિગ્વિજય સહિતના નેતાઓએ સવાલ કર્યો છે કે, સંઘ હિંદુ-મુસ્લિમોને એક માને છે તો લવ જિહાદ જેવા મુદ્દા ઉભા કેમ કરે છે ? મુસ્લિમો તરફ નફરત વધે એવાં નિવેદનો સંઘના નેતા કેમ આપ્યા કરે છે ?
આ સવાલોના જવાબ ભાગવત જ આપી શકે તેથી આપણે તેની ચોવટમાં નથી પડતા.
આપણા માટે મુખ્ય સવાલ એ જ છે કે, શું ભારતમાં હિંદુ અને મુસ્લિમોના ડીએનએ એક છે ?
આ સવાલનો જવાબ ‘ના’ છે, સ્પષ્ટ અને બિલકુલ ચોખ્ખી ‘ના’.
સંઘની માન્યતા છે કે, ભારતીય મુસ્લિમો પહેલાં હિંદુ હતા અને ધર્માંતરણ કરીને મુસ્લિમ બન્યા. તેના કારણે તેમનો ધર્મ ભલે બદલાયો પણ એ મૂળભૂત રીતે તો આ ભૂમિનાં જ સંતાનો છે, મૂળ તો હિંદુ જ છે.
આ માન્યતા ખોટી છે.
આ દેશના બહુમતી મુસ્લિમોના વડવા હિંદુ હશે અને પછી ધર્માંતરણ કરીને મુસ્લિમ બન્યા હશે પણ તમામ મુસ્લિમોના કિસ્સામાં આ વાત સાચી નથી. ભારતમાં એવા મુસ્લિમો પણ છે કે જેમના વડવાઓને આ ધરતી કે હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા જ નહોતી. એક બીજી ધરતી પરથી આવ્યા અને અહીં સ્થાયી થયા. એ બહારથી આવ્યા ત્યારે મુસ્લિમ જ હતા, હિંદુ નહીં ને તેમનું વતન હાલનો ભારતના પ્રદેશ કે ભારતીય ઉપખંડ પણ નહોતાં.
આ બહારથી આવેલા હિંદુ અને મુસ્લિમ કઈ રીતે એક હોઈ શકે ?
આ વાત સમજવા ભારતમાં ઈસ્લામના આગમનના ઈતિહાસને જાણવો જરૂરી છે.

ભારત પર આક્રમણ કરનારો પહેલો મુસ્લિમ કોણ હતો ?
મોહમ્મદ ઈબ્ન કાસિમ અલ-તકાફી.
કાસિમ ઉમય્યાદ ખિલાફતનો સેનાપતિ હતો. પયગંબર સાહેબના નિધન પછી સ્થપાયેલી ચાર ખિલાફતમાં ઉમય્યાદ ખિલાફત એક હતી. તેની સલ્તનત હાલના સીરિયાના વિસ્તારોમાં ચાલતી અને દમાસ્કસ તેની રાજધાની હતી. મોહમ્મદ ઈબ્ન કાસિમ છેક સીરિયાથી લશ્કર લઈને ચડી આવેલો અને અરોરકોટના યુધ્ધમાં સિંધના હિંજુ રાજા દાહિરને હરાવીને ભારતમાં મુસ્લિમ શાસનની શરૂઆત કરી હતી. કાસિમે ઈસવી સન ૬૯૨માં સિંધ પર આક્રમણ કરેલું પણ સિંધમાં મુસ્લિમ શાસન આઠમી સદીની શરૂઆતમાં સ્થપાયું.
ભાગવતની દલીલ પ્રમાણે, ભારતમાં ઈસ્લામનું આગમન આ આક્રમણથી થયું.
ઐતિહાસિક રીતે આ વાત સાચી નથી કેમ કે કાસિમના આક્રમણ પહેલાં જ ઈસ્લામ ભારતમાં આવી ચૂક્યો હતો અને બહારના મુસ્લિમો, ખાસ કરીને આરબો ભારતમાં વસી ગયા હતા. ઈતિહાસકાર એચ.જી. રોલિનસને પોતાના પુસ્તક ‘એનસીએન્ટ એન્ડ મેડિવેઅલ હિસ્ટરી ઓફ ઈન્ડિયા’માં લખ્યું છે કે, ઈસવી સનની સાતમી સદીના અંત ભાગમાં આરબ મુસ્લિમો ભારતમાં વસી ગયા હતા. એલિયટ અને ડાઉસને ઈસવી સન ૬૩૦માં મોટા પ્રમાણમાં મુસ્લિમ પ્રવાસીઓને લઈને પહેલું જહાજ ભારતમાં આવ્યું હતું એવો ઉલ્લેખ કર્યો છે. હરિદાસ ભટ્ટાચાર્ય સહિતના ભારતીય ઈતિહાસકારોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. ટૂંકમાં વાત એટલી જ છે કે, કાસિમના આક્રમણ પહેલાં આરબ મુસ્લિમો ભારતમાં રહેતા હતા ને તેમના વંશજો હજુ ભારતમાં જ રહેતા હશે.
આરબ મુસ્લિમોના વંશજોનું ડીએનએ અને આ દેશનાં મૂળ લોકોનું ડીએનએ કઈ રીતે એક હોઈ શકે ?
આઠમી સદી પછી તો ભારતમાં મુસ્લિમોનાં આક્રમણોનો દૌર જ શરૂ થઈ ગયો. આ આક્રમણખોરો સાથે આવેલા સેનાપતિઓ અને સૈનિકો અહી જ રહી ગયા ને અહીં જ તેમના પરિવાર બન્યા. આ સેનાપતિઓ અને સૈનિકોમાં ભારતની ભૂમિ સાથે કીં નાતો ના હોય એવી ધરતીના લોકો હતા. મોંગોલિયા, ઈરાન, સીરિયા જેવા દેશોમાંથી આવેલા આ મુસ્લિમો આ ધરતીની મૂળ પ્રજાથી અલગ હતા, તેમનાં ડીએનએ અહીંનાં લોકોથી અલગ હતાં.
આ મુસ્લિમોના વંશજો ભારતના બનીને રહ્યા પણ તેમનાં મૂળિયાં બીજે છે.
ભારતમાં મુસ્લિમ શાસકોના સમયમા મોટા પ્રમાણમાં ધર્માંતરણ થયાં. ભારતમાં હિંદુઓ જ મોટા પ્રમાણમાં હતા તેથી હિંદુઓ જ મોટા પ્રમાણમાં મુસ્લિમ બન્યા. અત્યારે ભારતના મુસ્લિમોમાં મૂળ હિંદુ પણ વટલાઈને મુસ્લિમ બનેલા લોકોના વશજોની વસતી વધારે હશે પણ તમામ મુસ્લિમો ધર્માંતરણ કરનારના વંશજ નથી.
આ ઐતિહાસિક તથ્ય છે ને તેને કોઈ ના નકારી શકે.

ભાગવતની વાત ઐતિહાસિક રીતે સાચી નથી પણ તેની પાછળની ભાવના સારી છે અને સાચી છે.
સંઘ વરસોથી રાષ્ટ્રવાદની વાતો કરે છે અને એક જમાનામાં સંઘનો રાષ્ટ્રવાદ હિંદુત્વ આધારિત હતું. એક જમાનામાં સંઘ પણ હિંદુ ધર્મ આધારિત રાષ્ટ્રવાદની વાતો કરતો. દેશ આઝાદ થયો ત્યારે સંઘને દેશનું બંધારણ માન્ય નહોતું, દેશનો તિરંગો ઝંડો પણ માન્ય નહોતો. સંઘ હિંદુ ધર્મના સંકુચિત વાડામાં બંધાયેલાં લોકોને હિંદુ માનતો અને તેની વિચારધારા મુસ્લિમ વિરોધી હતી.
સમય સાથે સંઘ બદલાયો છે ને તેના વિચારો પણ બદલાયા છે. હવે સંઘ આ દેશમા રહેનારાં બધાંને હિંદુ માનવાની ઉદારતા બતાવતો થયો છે. કમ સે કમ જાહેરમાં તો સંઘ એવી વાતો કરે જ છે. બધાંને સાથે લઈને ચાલવાની વાતો કરે છે એ સારું છે પણ તકલીફ એક જ છે કે, સૌને સાથે લઈને ચાલવાની વાતમાં પણ સંઘ હિંદુત્વને ઘૂસાડી દે છે.
સંઘે આ બધું કરવાની જરૂર નથી.
આ દેશનાં લોકો એક છે એવું બતાવવા માટે ‘ડીએનએ’ એક છે ને એ પ્રકારની વાતો કરવી જરૂરી નથી.
આપણે એક રાષ્ટ્ર છીએ ને આ દેશના તમામ લોકોને આ રાષ્ટ્ર સાથે જોડાયેલી આગવી ઓળખ મળેલી જ છે. આ દેશનાં તમામ લોકોને જોડી રાખવા માટે આ રાષ્ટ્રભાવના પૂરતી છે. આ દેશમા પહેલાં શું હતું ને શું નહોતું એ વાતો અત્યારે મહત્વની નથી. એક રાષ્ટ્ર તરીકે ભારત ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં આ દેશમાં શું હતું ને શું નહોતું તેની વાતો કરવાનો કે ચર્ચા કરવાનો મતલબ નથી. આપણા માટે આપણે એક રાષ્ટ્ર બન્યાં પછી શું થયું એ મહત્વનું છે. એક રાષ્ટ્ર બન્યા પછી દેશનાં તમામ લોકોને એક નવી ઓળખ મળી અને આ ઓળખ ભારતીય હોવાની છે. આ દેશની કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, સમુદાય, સંપ્રદાય, વિચારધારા કે બીજા કશામાં પણ માનતી વ્યક્તિ ભારતીય તો છે જ. આ દેશનાં તમામ લોકોની એક કોમન આઈડેન્ટિટી ભારતીય હોવાની છે, હિંદુ હોવાની કે બીજું કંઈ હોવાની નથી. આ દેશના દરેક નાગરિકને ભારતીય તરીકેની ઓળખ મળી જ છે ત્યારે બીજી કોઈ ઓળખની જરૂર જ ક્યાં છે ?
રાષ્ટ્રથી ઉપર બીજું કંઈ હોઈ શકે ખરૂં ?
આ દેશનો હિંદુ હોય, મુસ્લિમ હોય, સીખ હોય, ખ્રિસ્ત હોય કે બીજું ગમે તે હોય, એ મૂળભૂત રીતે ભારતીય છે, બીજું બધું પછી છે. ભારતીય હોવાની ઓળખ તેના માટે સર્વોપરિ છે, બીજું બધું સાવ ગૌણ છે.
સંઘે આ માનસિકતાને પોષવી જોઈએ, ભારતીયતાને પોષવી જોઈએ