સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે આઇએનએસ વિક્રાંતની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને ભારતીય નૌકાદળની તાકાત અને આતંકવાદ સામે ભારતની કડક નીતિ વિશે કડક સંદેશ આપ્યો. ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા બાદ નૌકાદળના કર્મચારીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન આપતા તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ તેની ‘શાંત સેવા’ દ્વારા પાકિસ્તાની સેનાને ‘નિસ્ક્રીય’ રાખવામાં સફળ રહ્યું છે.

સંરક્ષણ મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘જરા વિચારો કે જે વ્યક્તિ ચૂપ રહીને પણ કોઈ દેશની સેનાને ‘બોટલમાં બંધ’ રાખી શકે છે, તે બોલે છે, ત્યારે દ્રશ્ય શું હશે? આ વખતે પાકિસ્તાનને ભારતીય નૌકાદળની ફાયર પાવરનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ દુનિયા જાણે છે કે જો પાકિસ્તાન કોઈ નાપાક કૃત્ય કરશે, તો આ વખતે શક્ય છે કે આપણી નૌકાદળ દરવાજા ખોલી દેશે.’

સંરક્ષણ મંત્રીએ આતંકવાદના મુદ્દા પર કડક સ્વરમાં પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહ્યું, ‘પાકિસ્તાને સ્પષ્ટપણે સમજવું જોઈએ કે આઝાદીથી તે જે આતંકવાદનો ખતરનાક ખેલ રમી રહ્યું છે, તેની સમયમર્યાદા હવે પૂરી થઈ ગઈ છે. હવે જ્યારે પણ પાકિસ્તાન ભારત વિરુદ્ધ કોઈ આતંકવાદી કૃત્ય ઉશ્કેરશે, ત્યારે તેને માત્ર પરિણામો ભોગવવા પડશે નહીં, પરંતુ દર વખતની જેમ, તેને હારનો સામનો કરવો પડશે.’

રાજનાથે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, ‘હાફિઝ સઈદ ‘મુંબઈ હુમલા’નો દોષી છે. દરિયાઈ માર્ગે મુંબઈમાં મોતનો વરસાદ કરવાના તેના સંગઠન દ્વારા કરવામાં આવેલા ગુના માટે ન્યાય થવો જોઈએ. પાકિસ્તાનમાં આવું ન થઈ શકે.’ તેમણે જણાવ્યું હતું કે મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને તાજેતરમાં ભારત લાવવામાં આવ્યો છે, જે ન્યાય તરફ એક પગલું છે.

રાજનાથ સિંહે પાકિસ્તાનની વાતચીતની વારંવાર ઓફર પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું, ‘પાકિસ્તાન વારંવાર વાતચીતની ઓફર કરી રહ્યું છે. ગઈકાલે જ તેમના વડા પ્રધાને આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. પરંતુ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો વાતચીત થશે તો તે આતંકવાદ પર, પીઓકે પર થશે. જો પાકિસ્તાન વાતચીત પ્રત્યે ગંભીર છે, તો તેણે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને ભારતને સોંપી દેવા જોઈએ જેથી ન્યાય થઈ શકે.’

ભારતીય નૌકાદળની તાકાત પર પ્રકાશ પાડતા સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘પાકિસ્તાને આ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો એક તરફ આપણી નૌકાદળ સમુદ્રની જેમ શાંત છે, તો બીજી તરફ તે સમુદ્રની જેમ સુનામી લાવવાની ક્ષમતા ધરાવે છે.’ તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં નૌકાદળની ભૂમિકાની પ્રશંસા કરી. એવું માનવામાં આવે છે કે આઇએનએસ વિક્રાંત જેવા સ્વદેશી વિમાનવાહક જહાજ પર સંરક્ષણ પ્રધાનની મુલાકાત અને તેમનું સંબોધન નૌકાદળના કર્મચારીઓનું મનોબળ વધારવાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આઇએનએસ વિક્રાંતના ડેક પરથી દેશની નેવીની તાકાતનું પ્રદર્શન કરતા સ્પષ્ટપણે કહ્યું કે, ‘જો ભારતીય નૌકાદળ ઓપરેશન સિંદૂરમાં સંપૂર્ણ ક્ષમતા સાથે ઉતર્યું હોત તો પાકિસ્તાન ચાર ભાગમાં વહેંચાઈ ગયું હોત.’  નેવીના જવાનોને સલામ કરતાં તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી દેશની દરિયાઈ સરહદો મારા હાથમાં છે ત્યાં સુધી કોઈ ભારત તરફ ખરાબ નજર નાખી શકે નહીં.’ તેમજ આતંકવાદ પર પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે. સંરક્ષણ મંત્રીએ વિક્રાંતની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન નેવીએ કેવી ભૂમિકા ભજવી હતી.

રાજનાથ સિંહે ફરી પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહ્યું, ‘પાકિસ્તાને હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપી દેવા જોઈએ. હાફિઝ સઈદ મુંબઈ હુમલામાં સામેલ હતો અને તેને જવાબદાર ઠેરવવામાં આવશે. અમે આતંકવાદ સામે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરીશું જે પાકિસ્તાન વિચારી પણ ન શકે.’

રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ‘આ વખતે જો પાકિસ્તાન કંઈ કરશે તો આપણી નેવી ઓપનિંગ કરશે. પછી તો ભગવાન જ જાણે કે પાકિસ્તાનનું શું થશે! જો આ વખતે નેવી પણ સામેલ થઇ હોત તો પાકિસ્તાન ૪ ભાગમાં વહેંચાઈ ગયું હોત. ૧૯૭૧માં જ્યારે નેવી સામેલ થઇ હતી ત્યારે તે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું.’