ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ટેસ્ટ સિરીઝ (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી)ની બંને ટીમો તૈયારી કરી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિગે મંગળવારે આગાહી કરી હતી કે વર્તમાન ઓસ્ટ્રેલિયન ટીમ આ સિરીઝ ૩-૧થી જીતી લેશે. તેણે આ માટે એવું કારણ આપ્યું હતું કે પ્રવાસી ભારતીય ટીમ તેના મુખ્ય ઝડપી બોલર મોહમ્મદ શમી વિના રમવાની છે ત્યારે તેને ટેસ્ટમાં બંને ઇનિંગ્સની મળીને ૨૦ વિકેટ ખેરવવામાં મુશ્કેલી પડશે.
ભારતીય ટીમ હાલમાં કંગાળ ફોર્મમાં છે અને હજી આ સપ્તાહે જ પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની ત્રણે ટેસ્ટમાં તેનો વ્હાઇટવોશ થયો હતો. પોતાના ઘરઆંગણે ભારત અગાઉ ક્યારેય ત્રણ ટેસ્ટની સિરીઝની તમામ ટેસ્ટ હાર્યું ન હતું.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પણ આ સિરીઝ જીતવા આતુર હશે કેમ કે બંને ટીમ વચ્ચે ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧માં ઓસ્ટ્રેલિયન ધરતી પર રમાયેલી બંને સિરીઝ ભારતે જીતી હતી. આમ ૨૦૧૪-૧૫ બાદ ઓસ્ટ્રેલિયા તેના ઘરઆંગણે ભારતને સિરીઝમાં હરાવી શક્યું નથી.
હવે ન્યૂઝીલેન્ડ સામેના ભારતના પરાજય બાદ ઉત્સાહમાં આવી ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમ પણ આ વખતે મજબૂત પ્રહાર કરવાની તૈયારી કરી રહી છે. પોન્ટિગનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા પાસે આ વખતે તક રહેલી છે. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા પાસે આજે નહીં તો કયારેય નહીં તેવી સ્થિતિ છે. ઝડપી બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટથી દૂર છે. તે ટી૨૦ વર્લ્ડ કપમાં પણ રમી શક્યો ન હતો. તાજેતરમાં બાંગ્લાદેશ સામે તે રમી શકશે અને પુનરાગમન કરશે તેવી અપેક્ષા રખાતી હતી તેને બદલે તે ન્યૂઝીલેન્ડ સામે પણ રમી શક્યો નહીં અને હવે ઓસ્ટ્રેલિયા જનારી ટીમમાં પણ તેને ઇજાને કારણે સ્થાન મળ્યું નથી.
૨૦૨૩ના નવેમ્બરથી શમી રમ્યો નથી તે અંગે પોન્ટિગનું માનવું છે કે ભારતીય બોલિંગ આક્રમણ માટે આ સૌથી મોટો આઘાત છે. ભારત પાસે હાલમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ણા અને હર્ષિત રાણા પર આધારીત છે. જેમાંથી એક માત્ર જસપ્રિત બુમરાહ જ એવો બોલર છે જે દુનિયાની કોઈ પણ ટીમને હંફાવી શકે છે.