ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ૧૭ ઓક્ટોબરથી શરૂ થનાર ટી૨૦ વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટોર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ધોનીને આ જવાબદારી માટે કેટલી રકમ મળશે, આ સવાલ ફેન્સના દિલમાં તે દિવસથી છે જ્યારે આ વાતની જાહેરાત થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ધોની કોઈ વેતન લેવાનો નથી.
જય શાહે કહ્યુ- ‘એમએસ ધોની ટી૨૦ વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટરના રૂપમાં પોતાની સેવાઓ માટે કોઈ વેતન લેવાનો નથી.’ નોંધનીય છે કે બીસીસીઆઈએ ૧૭ ઓક્ટોબરે યૂએઈ અને ઓમાનમાં રમાનાર ટી૨૦ વિશ્વકપ માટે ધોનીની ટીમ ઈન્ડિયાના મેન્ટોર તરીકે નિમણૂક કરી છે. અહેવાલ પ્રમાણે ધોનીએ વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ધોનીની નિમણૂંકને લઈને બીસીસીઆીના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે કહ્યુ હતુ કે તેમની હાજરીથી ભારતને ચોક્કસ ફાયદો થશે. તેમણે કહ્યું- ધોની એક મહાન કેપ્ટન રહ્યો છે. તેની આગેવાનીમાં ભારતે ટી૨૦ વિશ્વકપ, ૨૦૧૦ અને ૨૦૧૬ એશિયા કપ, ૨૦૧૧ વિશ્વકપ અને ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. રેકોર્ડ અદ્ભુત છે. આઈસીસી વિશ્વ કપ માટે ટીમના મેન્ટોરના રૂપમમાં ધોનીની એન્ટ્રી ખરેખર સારી છે.