ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ૪ મેચની ટી ૨૦ શ્રેણી ૩-૧થી જીતી હતી. આ પ્રવાસમાં હાર્દિક પંડ્યા પણ ટીમ ઈન્ડીયાનો ભાગ હતો. હવે ટીમ ઈન્ડીયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે પરંતુ હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમનો ભાગ નથી. આવી સ્થિતિમાં તે ઘરેલુ ક્રિકેટમાં હાથ અજમાવતો જાવા મળશે. હાર્દિક હાર્દિક ૨૩ નવેમ્બરથી શરૂ થનારી ૨૦ ઓવરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જાવા મળશે. તે તેના ભાઈ કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં બરોડા ટીમનો ભાગ હશે.
બંને પંડ્યા ભાઈઓ આઈપીએલ ૨૦૨૫ મેગા હરાજી જેદ્દાહમાં શરૂ થવાના એક દિવસ પહેલા એક્શનમાં હશે. ક્રુણાલ હેઠળ, બરોડાએ ૨૦૨૩-૨૪ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યાં તેઓ મોહાલીમાં પંજાબ સામે હારી ગયા. હાર્દિકની ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હાર્દિક છેલ્લે બરોડા તરફથી ૨૦૧૮-૧૯માં રણજી ટ્રોફીમાં રમ્યો હતો. તે છેલ્લે જાન્યુઆરી ૨૦૧૬માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો, જ્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ મેચ રમ્યો ન હતો.
ગયા મહિને હાર્દિકને મુંબઈ ઈન્ડીયન્સે જાળવી રાખ્યો હતો અને તે તેમનો કેપ્ટન રહેશે. દરમિયાન, કૃણાલને લખનૌ સુપરજાયન્ટ્‌સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે અને તે મેગા ઓક્શનનો ભાગ હશે. બરોડાએ રણજી ટ્રોફીના પ્રથમ તબક્કામાં ૨૭ પોઈન્ટ સાથે ગ્રુપ છમાં ટોચ પર રહીને સ્થાનિક સિઝનની મજબૂત શરૂઆત કરી છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા લાંબા સમયથી એક ટીમમાં સાથે રમ્યા નથી. બંને ખેલાડીઓ ઘણા વર્ષો સુધી મુંબઈ ઈન્ડીયન્સમાં સાથે રમ્યા પરંતુ પછી બંને અલગ-અલગ ફ્રેન્ચાઈઝીમાં ગયા. જાકે, ગુજરાત ટાઇટન્સમાં ૨ સિઝન વિતાવ્યા બાદ હાર્દિક મુંબઈ ઇન્ડીયન્સમાં પાછો ફર્યો હતો.