અમેરિકામાં એચ૧ બી વીઝા ઉપર કાર્ય કરવા ગયેલા ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના વ્યવસાયિકો માટે એક મોટી રાહતના સમાચાર છે. રાષ્ટ્રપતિ જો બાયડેનની એક સલાહકાર સમિતિએ અમેરિકામાં ગ્રીન કાર્ડ મારે કરેલી બધીજ પેન્ડીંગ અરજીઓનો આગામી છ મહિનામાં નિકાલ કરવા માટે અને તેની પ્રક્રિયા પૂર્ણ કરવા ભલામણ કરી છે. જો આ ભલામણનો અમલ કરવામાં આવે તો અનેક ભારતીયોને મોટી રાહત મળશે.
ગ્રીન કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે બહારથી અમેરિકા આવેલા નાગરીકોને કાયમી વસવાટ કરવાની પરવાનગી આપે છે. અત્યારે એચ ૧ બી વિઝા ઉપર અમેરિકા કામ કરવા ગયેલા વ્યક્તિઓને કુલ આવા વિઝાની સામે સાત ટકા જ ગ્રીન કાર્ડની અરજી કરવા માટેની મર્યાદા છે. રાષ્ટ્રપતિની એશિયન અમેરિકન, નેટીવ હવાઈયન અને પેસિફિક આઈલેન્ડના નાગરિકો માટે સમિતિએ આ ભલામણ કરી છે.
આ સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે વર્તમાન ગ્રીન કાર્ડની વાર્ષિક મર્યાદા ૩૨,૪૩૯ છે તે પણ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૧૫૦ ટકા વધારવી જોઈએ. સમિતિની ભલામણો હવે રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે વ્હાઈટ હાઉસ મોકલવામાં આવશે. વર્ષ ૨૦૨૧માં કુલ ૨,૨૬,૦૦૦ ગ્રીન કાર્ડ સામે અમેરિકન સરકારે માત્ર ૬૫,૪૫૨ ફેમીલી ગ્રીન કાર્ડ વિઝા નક્કી કર્યા હતા. અત્યારે લગભગ ૪,૨૧,૩૫૮ અરજીઓ ગ્રીન કાર્ડ માટે પેન્ડીંગ છે.