ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ?

અમેરિકાના પ્રવાસે પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્ર  મોદી  ટેકનોલોજી જાયન્ટ કંપની ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો આર એમોનને મળ્યા એ પછી આ સવાલ પૂછાઈ રહ્યો છે. ક્વાલકોમ વિશ્વમાં સેમી કંડક્ટર્સના ઉત્પાદનમાં મોખરે છે ને સાથે સાથે 5G મોબાઈલ ટેકનોલોજીમાં પણ અગ્રેસર છે. ભારતમાં મુકેશ અંબાણીની રીલાયન્સ જીઓ અને એરટેલ એ બે કંપની 5G મોબાઈલ ટેકનોલોજી લાવવાની છે. આ પૈકી જીયો મોટી કંપની છે અને જીયોએ છેલ્લાં પાંચેક વરસમાં ભારતમાં મોબાઈલ ડેટા માર્કેટમાં જે રીતે ક્રાંતિ લાવી દીધી છે તેના કારણે 5G મોબાઈલ ટેકનોલોજીમાં પણ અસલી ધમાલ જીયો જ કરશે એ નક્કી છે. ક્વાલકોમ જીયોની પાર્ટનર છે અને ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજી ક્વાલકોમ લાવશે. જીયો સહિતની ભારતીય કંપનીઓ વિદેશી ટેકનોલોજી પર જ નિર્ભર છે તેથી ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજી ક્યારે આવશે તેનો બધો મદાર આ વિદેશી કંપનીઓ પર છે.

આ કારણે મોદીની ક્રિસ્ટિયાનો સાથેની બેઠક મહત્વની છે.

આ બેઠક પછી ભારતમાં ખરેખર 5G મોબાઈલ ટેકનોલોજી ક્યારે આવશે તેની ચોખવટ કરાઈ નથી પણ 2022ના શરૂઆતમાં ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજી આવી જાય એવા સંકેત ચોક્કસ મળ્યા છે. મોદી સાથેની  બેઠક પછી, ક્રિસ્ટિયાનો આર. એમોને કહ્યું કે, અમારી વચ્ચે  અદભૂત વાતો થઈ અને અમને ભારત સાથેની ભાગીદારી પર ખૂબ ગર્વ છે. અમે 5G મોબાઈલ ટેકનોલોજી અને તેની ઝડપ વિશે વાત કરી. સાથે સાથે ભારતમાં માત્ર 5G મોબાઈલ ટેકનોલોજીજ નો ઉપયોગ શરૂ કરવા વિશે જ નહીં પરંતુ 5G મોબાઈલ ટેકનોલોજીની નિકાસ કરીને એક નવા ઉદ્યોગને વિકસાવવાની તક વિશે પણ વાત કરી. ક્રિસ્ટિયાનોના કહેવા પ્રમાણે નવા વરસમાં ભારતના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે.

આ સારા સમાચાર 5G મોબાઈલ ટેકનોલોજીના આગમનના હોય એવી આશા રાખીએ.

////////////////////////////////

ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજી નેટવર્કનું શું ?

ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજીના આગમનનો તખ્તો પહેલા જ ઘડાઈ ગયો હતો પણ મોદી સરકાર કાચી પડી છે. ભારતમાં અત્યારે 5G મોબાઈલ ટેકનોલોજીના ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી. અમેરિકામાં રિલાયન્સ જિયોની 5G મોબાઈલ ટેકનોલોજીનું સફળ ટેસ્ટિંગ કરી લેવાયું છે અને 5G મોબાઈલ ટેકનોલોજીએ બધા માપદંડમાં પોતાને ઉત્તમ સાબિત કરી છે પણ સ્પેક્ટ્રમ નથી તેથી કામ અટક્યું છે. હવે બધો આધાર મોદી સરકાર 5G મોબાઈલ ટેકનોલોજી માટેના સ્પેક્ટ્રમ ફાળવે તેના પર છે.  બાકી રિલાયન્સ જિયોએ  તો ગયા વરસે જ અમેરિકાની ટેકનોલોજી ફર્મ ક્વાલકોમ સાથે મળીને અમેરિકામાં પોતાની 5G ટેકનોલોજીનું સફળ ટેસ્ટિંગ કરી નાંખેલું. એ વખતે જ નક્કી થઈ ગયેલું કે, ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ બહુ જલદી શરૂ થશે.

ગયા વરસે  અમેરિકાના સાન ડિયાગોમાં યોજાયેલી વર્ચુઅલ ઈવેન્ટમાં રિલાયન્સ જિયોના પ્રેસિડન્ટ મેથ્યુ ઓમાને એલાન કરેલું કે, ક્વાલકોમ અને રિલાયન્સની સબસિડરી કંપની રેડિસિસ સાથે મળીને 5G મોબાઈલ ટેકનોલોજી ટેકનિક પર કામ કરી રહ્યાં છે.  ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજીને શક્ય એટલી જલદી લોંચ કરી શકાય ને  આવનારા દિવસોમાં ભારતમાં પણ 1 જીબીપીએની સ્પીડ યૂઝર્સને મળે એ અમારું લક્ષ્ય છે.

આ ટેસ્ટિંગના લગભગ સાત મહિના પછી એટલે કે 15 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની વાર્શિક સામાન્ય સભા (એજીએમ)માં મુકેશ અંબાણીએ જીયોને 5G મોબાઈલ ટેકનોલોજીના સંચાલનમાં સફળતા મળી હોવાની જાહેરાત કરી હતી. સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરી વિકસિત કરાયેલી આ ટેકનિકને દેશને લોકાર્પણ મુકેશ અંબાણીએ એલાન કરેલું કે, 5G મોબાઈલ ટેકનોલોજી માટેના 5G સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થતા જ રિલાયન્સ જિયો ભારતમાં પણ 5G મોબાઈલ ટેકનોલોજીના  ટેસ્ટિંગ માટે તૈયાર છે.

રીલાયન્સે એ વખતે જ ક્વાલકોમ સાથે જોડાણનું એલાન કરેલું. ક્વાલકોમ  વેન્ચરના ઈન્વેસ્ટમેન્ટ યુનિટ ક્વાલકોમ ઈન્કોર્પોરેશને જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું હોવાની અંબાણીએ જાહેરાત કરી હતી. ક્વાલકોમે જિયો પ્લેટફોર્મ્સમાં 0.15 ટકા ભાગીદારી માટે 730 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું એલાન કરતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ક્વાલકોમ સાથે મળીને જિયો 5જી વિઝન પર કામ કરશે અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહકાર આપશે. ક્વાલકોમ ટેકનોલોજી દુનિયાની અગ્રણી વાયરલેસ ટેકનોલોજી ઈનોવેટર છે અને 5G ટેકનિક પર કામ કરે છે તેથી તેનીસાથે મળીને જીયો પણ ટેકનોલોજી પર વધારે ધ્યાન આપી શકે. અંબાણીએ
કહેલું જ કે, 5G મોબાઈલ ટેકનોલોજીના   ટેકનિકના સફળ ટેસ્ટિંગ પછી આ ટેકનિકના નિકાસ પર રિલાયન્સ ભાર આપશે.

અંબાણી ને ક્વાલકોમ એ રીત બહુ પહેલાંથી તૈયાર છે, હવે રાહ મોદી સરકાર સ્પેક્ટ્રમ ફાળવે તેની જોવાઈ રહી છે.

////////////////////////////////

વિશ્વમાં સંખ્યાબંધ દેશોમાં 5G મોબાઈલ ટેકનોલોજી આવી ચૂકી છે.

આ પૈકીના મોટા ભાગના દેશો અત્યંત સમૃધ્ધ છે અને વસતી પણ ઓછી છે. દુનિયાના ભારત, અમેરિકા, રશિયા સહિતના દેશોમાં હજુ 5G ટેકનોલોજી નથી આવી પણ પ્રયોગો થઈ રહ્યા છે, નેટવર્ક બની રહ્યાં છે. મોટા દેશોમાં 5G ટેકનોલોજી માટે વિશાળ નેટવર્ક ઉભું કરવું પડે ને આ કામ સમય માગી લેનારું છે. તેમાં ઉતાવળ ના પરવડે તેથી અમેરિકા, રશિયા, બ્રિટન સહિતના દેશોમાં કેટલાક વિસ્તારોમાં સફળતાપૂર્વક પ્રયોગાત્નક રીતે 5G ટેકનોલોજી વપરાશમાં છે પણ આખા દેશમાં 5G ટેકનોલોજી નથી આવી. જે દેશોમાં વસતી ઓછી છે તેમને વિશાળ નેટવર્કની જરૂર નથી ને અઢળક સમૃધ્ધિ છે તેથી ખર્ચવાની ચિંતા નથી.

આ દેશોમાં 5G ટેકનોલોજીનું આગમન થઈ ગયું છે. એશિયામાં સાઉદી  અરેબિયા, કુવૈત અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ) એ ત્રણ આરબ દેશો આવા દેશોમાં આવે છે તેથી આ દેશોમાં 5G ટેકનોલોજી વપરાશમાં છે. દક્ષિણ કોરીયા, તાઈવાન અને થાઈલેન્ડમાં પણ 5G ટેકનોલોજી આવી ગઈ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં પણ 5G ટેકનોલોજી છે. યુરોપમાં સ્વિત્ઝરલેન્ડ, જર્મની, ફિનલેન્ડ, ઈટાલી, સ્પેન, નેધરલેન્ડ્સ તો દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ જેવા દેશોમાં 5G ટેકનોલોજી છે. આ દેશોમાં 5G ટેકનોલોજીનાં પરિણામ ચમત્કારિક છે. મોટા ભાગના દેશોમાં 5G ટેકનોલોજીમાં ડાઉનલોડની સરેરાશ સ્પીડ 200 એમબી પ્રતિ સેક્ન્ડથી વધારે છે.

ઓસ્ટ્રેલિયા, કુવૈત, તાઈવાન, સાઉદી અરેબિયા, દક્ષિણ કોરીયા, યુએઈમાં સરેરાશ 200 એમબી પ્રતિ સેકન્ડની સ્પીડે ડાઉનલોડ થાય છે તેનો અર્થ એ થાય કે આ દેશોમાં 5G ટેકનોલોજી ધમધમાટ ચાલે છે. સાઉદી અરેબિયામાં તો ડાઉનલોડની મહત્તમ સ્પીડ 862 એમબીપીએસ નોંધાઈ છે જ્યારે દક્ષિણ કોરીયામાં પણ ડાઉનલોડની મહત્તમ સ્પીડ 764 એમબીપીએસ નોંધાઈ છે. 5G ટેકનોલોજીના કારણે અપલોડ પણ સરળ થયું છે ને એક સેકન્ડમાં મહત્તમ 32 એમબી અપલોડથયાનો રેકોર્ડ નોંધાયો છે. મોટા ભાગના દેશોમાં સરેરાશ અપલોડ સ્પીડ 20 એમબીપીએસ કરતાં વધારે તો છે જ.

આ બધા ડેટા પણ ડીસેમ્બર, 2020 સુધીના છે એ જોતાં અત્યારે તો 5G ટેકનોલોજી બહેતર કામ કરતી હશે. 5G ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં 10 ગીગા બાઇટ પ્રતિ સેકન્ડ સ્પીડથી ડેટા ડાઉનલોડ થશે એવું કહેવાતું હતું. આ સ્પીડ જોતાં એ દિવસ બહુ દૂર નહીં હોય એ સ્પષ્ટ છે.

////////////////////////////////

ભારત માટે 5G મોબાઈલ ટેકનોલોજી કેમ મહત્વની છે ?

ભારતની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આ ટેકનોલોજીમાં છે. ભારતની સૌથી મોટી સમસ્યા વધારે પડતી વસતીના કારણે સર્જાતી બેરોજગારી છે.. ટેકનોલોજી વિના રોજગારી શક્ય નથી ને ભારત પાસે અત્યાધુનિક ટેકનોલોજી નથી તેથી આપણે કાચા પડીએ છીએ. 5G મોબાઈલ ટેકનોલોજી એ ભારતની ઉણપનો જવાબ છે.

ભારતમાં અત્યારે ખેતી, ઉદ્યોગો અને સર્વિસ સેક્ટર એ રોજગારીના ત્રણ મુખ્ય સ્રોત છે.  દેશની વસતીમાંથી લગભગ 40 ટકા લોકો કૃષિ તથા તેને આધારિત આર્થિક પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવે છે.  ઉદ્યોગો તથા સર્વિસ સેક્ટર 35-35 ટકા લોકોને રોજગારી આપે છે. સર્વિસ સેક્ટરમાંથી સીધી રોજગારી મેળવનારા લગભગ તમામ લોકો ઈન્ટરનેટ આધારિત સેવાઓ સાથે જોડાયેલા છે. મોબાઈલ ફોન સેવા, કોલ સેન્ટર્સ, ફૂડ ડીલિવરી, બેકિંગ, ઈ-કોમર્સ, એન્ટરટેઈનમેન્ટ સહિતના જંગી પ્રમાણમાં રોજગારી આપતાં સેક્ટર ઈન્ટરનેટ ટેકનોલોજીના આધારે ચાલે છે. કોરોના કારણે એજ્યુકેશન ઓનલાઈન થઈ ગયું પછી તો વધુ એક મોટું સેક્ટર ઈન્ટરનેટ પર આધાર રાખતું થઈ ગયું છે. 5G મોબાઈલ ટેકનોલોજીના કારણે ઈન્ટરનેટની સ્પીડ વધશે તેના કારણે આ તમામ સેક્ટરને ફાયદો થશે. લોકોને ઝડપથી સેવા મળશે તો લોકો વધારે પ્રમાણમાં ઈન્ટરનેટ આધારિત સેવાઓ તરફ વળશે. તેના કારણે વધારે પ્રમાણમાં રોજગારી પેદા થશે.

ભારત માટે 5G મોબાઈલ ટેકનોલોજી અઢળક વિદેશી હૂંડિયામણ પણ રળી શકે તેમ છે. ચીને કોરોના વાયરસ ફેલાવ્યો હોવાની શંકાને પગલે ઘણા દેશોએ ચીનની કંપની હુવાવે પર પ્રતિબંધ લગાવી દીધો છે. હુવાવે 5G મોબાઈલ ટેકનોલોજી ટેકનિક વિકસિત કરનારી ચીનની કંપની છે અને અત્યાર લગી સૌથી આગળ હતી.  હુવાવે પર પ્રતિબંધના કારણે દુનિયાના બીજા દેશોએ બીજી કોઈ કંપની પર નજર દોડાવવી પડે ને આ કંપની જીયો હોઈ શકે. 5G મોબાઈલ ટેકનોલોજી હોવાના કારણે રિલાયન્સ જિયો દુનિયાભરમાં ચીનની કંપની હુવાવેની જગ્યા લઈ શકે ને ઢગલો વિદેશી હૂંડિયામણ લાવી શકે.