એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ  ઈન્ટરવ્યુ આપ્યો હતો. આમાં તેમણે ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ વિશે વાત કરી. તેમણે કહ્યું, “કાશ્મીરી મુસ્લીમોએ આ (પહલગામ હુમલા) ની ખુલ્લેઆમ નિંદા કરી છે. હકીકતમાં, આ કેન્દ્ર સરકાર, વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે એક ઐતિહાસિક તક છે. તેમણે આ તકનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. તમારે પાકિસ્તાનનો સામનો કરવો જ જોઇએ, પરંતુ તમારે કાશ્મીરીઓને પણ સ્વીકારવા જોઈએ. તેમને (કાશ્મીરીઓને) તેમના અધિકારો મળવા જોઈએ, દેશના અન્ય ભાગોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો ન થવો જોઈએ.”

ઓવૈસીએ ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું, “તમે પહેલગામ (આતંકવાદી હુમલા) પર રાજકારણ કેવી રીતે કરી શકો છો. મને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે કે તે મહિલા તેના પતિના મૃતદેહ પાસે બેઠી હતી. તમે આ કેવી રીતે સ્વીકારી શકો છો? રાજકીય રીતે, અમે (એઆઇએમઆઇએમ) ભાજપની વિચારધારા સામે લડતા રહીશું. પરંતુ જ્યારે તમે દેશમાં આવો છો અને દેશના નાગરિકોની હત્યા કરો છો, ત્યારે તેમાં મારા રાજકીય વૈચારિક મતભેદોનો કોઈ પ્રશ્ન જ નથી?” તેમણે વધુમાં કહ્યું, “પરંતુ વડા પ્રધાને યુદ્ધવિરામની જાહેરાત કરવી જોઈતી હતી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નહીં. જા પીએમ મોદીએ તેની જાહેરાત કરી હોત તો વધુ સારું થાત.”

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિ પર ચર્ચા કરી અને કહ્યું કે આતંકવાદ અને વિભાજનને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની ભૂમિકાને કારણે ભારત ધીરજ ગુમાવી ચૂક્યું છે.

અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદને પ્રાયોજિત કરવાનો લાંબો ઇતિહાસ છે અને તે દેશ માનવતા માટે ખતરો બની ગયો છે. ઓવૈસીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા અનેક દેશોની મુલાકાત લેવા માટે મોકલવામાં આવી રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે, આ આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમના સંદેશનો સાર હશે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા લાંબા સમયથી નિર્દોષ નાગરિકોની હત્યા વિશે દુનિયાને જણાવવાની જરૂર છે. તેમણે કહ્યું, “પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી ભારતે ઘણું સહન કર્યું છે. આપણે બધાએ ઝિયા-ઉલ-હકના સમયથી લોકોનો નરસંહાર જોયો છે, તે તમાશો જોયો છે.”