અમદાવાદ પ્લેન ક્રેશ માટે ભાંગફોડ જવાબદાર છે ?
અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્‌લાઈટ બી ૭૮૭ ટેકઓફ કર્યાના થોડી મિનિટોમાં જ મેઘાણીનગરમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર તૂટી પડી એ ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. એર ઇન્ડિયાની ફ્‌લાઈટમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો સહિત ૨૪૨ લોકો સવાર હતા અને તેમાંથી ૨૪૧નાં મોત થયાં. મૃતકોમાં એક ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. વિજયભાઈ દીકરીને ત્યાં રહેતાં પત્નીને લેવા લંડન જઈ રહ્યા હતા પણ અનંત યાત્રાએ ઉપડી ગયા. પ્લેન હોસ્ટેલ પર પડ્‌યું તેથી ઘણા મેડિકલ સ્ટુડન્ટ અને સ્ટાફ પણ માર્યો ગયો. સત્તાવાર રીતે ૨૭૮નાં મોતનું સમર્થન થઈ ચૂક્યું છે પણ આંકડો વધી શકે છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના (DGCA) ના જણાવ્યા અનુસાર વિમાન રનવે ૨૩ પરથી બપોરે ૧ઃ૩૯ વાગ્યે ટેકઓફ થયું અને પાંચ મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થયું તેના માટેનાં કારણોની તપાસ ચાલી રહી છે અને સત્તાવાર રીતે કારણની જાહેરાત કરાય ત્યાં સુધી ગપગોળા ચાલતા રહેશે.

ભારતની સૌથી ભીષણ વિમાની દુર્ઘટના કઈ ?
૧૯૯૬માં થયેલી ચરખી દાદરી વિમાની દુર્ઘટનાને ભારતમાં સૌથી ભયંકર વિમાન દુર્ઘટના માનવામાં આવે છે. ૧૨ નવેમ્બર, ૧૯૯૬ના રોજ સાઉદી અરેબિયન એરલાઇન્સની ફ્‌લાઇટ એસવી ૭૬૩ (KZ ૭૬૩) અને કઝાકિસ્તાન એરલાઇન્સની ફ્‌લાઇટ કેઝેડ ૧૯૦૭ (SV ૧૯૦૭) સાંજે ૬ઃ૪૦ વાગ્યે હવામાં જ એકબીજા સાથે ટકરાઈ હતી. એસવી ૭૬૩ ફ્‌લાઇટ દિલ્હીથી રવાના થઈ રહી હતી જ્યારે કેઝેડ ૧૯૦૭ ફ્‌લાઈટ દિલ્હી ઉતરાણ કરી રહી હતી. બંને કોમર્શિયલ ફ્‌લાઇટ્‌સ હતી તેથી પ્રવાસીઓથી ભરેલી હતી. આ દુર્ઘટનામાં મુસાફરો અને ક્રૂ મળીને ૩૪૯ લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં મોટાભાગના અખાતી દેશો અથવા ખાડીમાં કામ કરવા જઈ રહેલા ભારતીયો હતા. મૃત્યુ પામેલા ૩૪૯ લોકોમાંથી ૯૪ મૃતદેહો એ હદે બળી ગયેલા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી.
આ વિમાની દુર્ઘટના પાયલોટની ભૂલના કારણે સર્જાઈ હતી.
સાઉદી અરેબિયન એરલાઇન્સ ફ્‌લાઇટ ૭૬૩ દિલ્હીથી રવાના થઈ રહી હતી અને તેને એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ ફ્‌લાઈંગ માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. એ જ વખતે કઝાક એરલાઇન્સ ફ્‌લાઇટ ૧૯૦૭એ ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાં એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા ફ્‌લાઈટને હવામાં ૨૩,૦૦૦ ફૂટથી ૧૫,૦૦૦ ફૂટ નીચે લાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
એર ટ્રાફિક કંટ્રોલે ફ્‌લાઈટ લગભગ ૨૦ કિલોમીટર દૂર હતી ત્યારે જ કઝાક ફ્‌લાઈટના પાયલોટને સાઉદી ફ્‌લાઈટ અંગે માહિતી આપીને ચેતવણી આપી હતી કે, બંને વિમાનો ૧,૦૦૦ ફૂટનું વર્ટિકલ સેપરેશન જાળવી રાખશે. સાઉદી ફ્‌લાઈટ ૧૪ હજાર ફૂટની ઉંચાઈએ જ હતી પણ કઝાક ફ્‌લાઈટ અંતર ના જાળવી શકતાં ૧૫ હજાર ફૂટની ઉંચાઈએ રહેવાના બદલે સીધી ૧૪ હજાર ફૂટની ઉંચાઈએ આવી અને સીધી ટક્કર થઈ ગઈ. બંને વિમાનો ૩૦૦ માઇલ પ્રતિ કલાકથી વધુની ઝડપે હવામાં ટકરાયાં અને સેંકડો લોકોનાં જીવ ગયા.

ભારતમાં બીજી કઈ ભીષણ વિમાની દુર્ઘટનાઓ બની છે ?
ભારતમાં પાયલોટ કે એર ટ્રાફિક કંટ્રોલની ભૂલથી માંડીને આતંકવાદ સુધીનાં કારણો પ્લેન ક્રેશ માટે જવાબદાર છે. સંખ્યાબંધ દુર્ઘટનાઓ એવી છે કે જેમાં ૨૦૦થી વધારે લોકોના જીવ ગયા હોય. ૧૯૮૫ની કનિષ્ક બોમ્બ દુર્ઘટના આવી જ એક કરૂણાંતિકા છે. એર ઇન્ડિયા ફ્‌લાઇટ ૧૮૨ને ૧૯૮૫માં ખાલિસ્તાનવાદીઓએ ઉડાવી દીધી તેમાં ૩૨૯ લોકોના મોત થયેલાં. શીખ આતંકવાદીઓ દ્વારા મૂકવામાં આવેલા બોમ્બને કારણે એર ઇન્ડિયા ફ્‌લાઇટ ૧૮૨માં આઇરિશ દરિયાકાંઠે હવામાં જ વિસ્ફોટ થયો અને પ્લેનના ફુરચેફુરચા ઉડી ગયેલા. માર્યા ગયેલા ૩૨૯ મુસાફરોમાં મોટાભાગે ભારતીય મૂળના કેનેડિયન હતા.
એર ઇન્ડિયા ફ્‌લાઇટ ૮૫૫ ક્રેશ દુર્ઘટના ૧૯૭૮માં બનેલી કે જેમાં ૨૧૩ લોકોના જીવ ગયા હતા. મુંબઈથી ઉડાન ભર્યાની થોડીવાર પછી આ બોઇંગ ૭૪૭ પ્લેન અરબી સમુદ્રમાં ક્રેશ થયું. પ્લેનમાં ખામી અને પાયલોટની ત્વરિત નિર્ણય નહીં લેવાની ભૂલને કારણે ૨૧૩ લોકોએ જીવ ગુમાવ્યા. ૨૦૧૦માં એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્‌લાઇટ ૮૧૨ને મેંગ્લોરમાં થયેલા અકસ્માતમાં ૧૫૮ લોકોનાં મોત થયેલાં. આ દુર્ઘટનામાં મેગ્લોર એરપોર્ટ પરના રનવે પરથી બોઇંગ ૭૩૭ ઉડાન ભરવાના બદલે આગળ નીકળી જતાં સીધું ખીણમાં પડી ગયું હતું. પ્લેનમાં ખામી હોવાથી. પાઇલટના પ્રયત્ન છતાં પ્લેન ટેક-ઓફ ના થયું અને તેને રોકવું શક્ય નહોતું તેથી ૧૫૮ લોકો મૃત્યુ પામ્યા.
ઇન્ડિયન એરલાઇન્સ ફ્‌લાઇટ ૧૧૩ને ૧૯૮૮માં અમદાવાદ એરપોર્ટ પર નડેલા અકસ્માતમાં ૧૩૩ પ્રવાસી માર્યા ગયેલા જ્યારે માત્ર બે પ્રવાસી બચ્યા હતા. ગાઢ ધુમ્મસમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન પાઇલટની ભૂલ અને અપૂરતી લેન્ડિંગ પ્રક્રિયાઓને કારણે વિમાન ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ૧૯૯૧માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્‌લાઇટ ૨૫૭ ઇમ્ફાલ નજીક
આભાર – નિહારીકા રવિયા લેન્ડિંગ દરમિયાન ક્રેશ થતાં ૬૯ લોકો મૃત્યુ પામ્યા હતા.
અમદાવાદમાં હમણાં બન્યું એ રીતે ૨૦૦૦માં એલાયન્સ એરની ફ્‌લાઇટ ૭૪૧૨ પટનામાં તૂટી પડી હતી. એન્જિનમાં ખામી અને પાઇલટની ભૂલને કારણે ટર્બોપ્રોપ વિમાન પટના એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં પડતાં વિમાનમાં સવાર ૬૦ લોકો અને જમીન પર બીજા પચીસેક લોકો માર્યા ગયા હતા. ૧૯૯૩માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્‌લાઇટ ૪૯૧ ઔરંગાબાદ એરપોર્ટ પર ઉડાન ભરતી વખતે એક ટ્રક સાથે અથડાતાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૫૫ લોકો માર્યા ગયા હતા. ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને અપૂરતી વિઝિબિલિટીના કારણે આ ઘટના બની હતી. થોડા સમય પહેલાં એટલે કે ૨૦૨૦માં એર ઇન્ડિયાની દુબઈ-કોઝીકોડ રિપેટ્રિએશન ફ્‌લાઇટ ભારે વરસાદ દરમિયાન ક્રેશ-લેન્ડ થતાં બંને પાઇલટ સહિત ૨૧ લોકોના મોત થયા હતા.
ટૂંકમાં ભારતમાં વિમાની દુર્ઘટનાઓ નવી વાત નથી પણ અમદાવાદમાં બની એવી ટેકઓફની મિનિટોમાં પ્લેન ક્રેશ થઈ જાય એવી ઘટનાઓ ભાગ્યે જ બની છે. ભારતમાં વિમાન ઉડ્ડયનની શરૂઆત ટાટા ગ્રુપના ચેરમેન જેઆરડી ટાટાએ કરાવી હતી. ૧૯૩૮માં જેઆરડી ટાટાના નજીકના સાથી અને પાઇલટ નેવિલ વિન્ટસેન્ટનું પ્લેન જુહુ બિચ પર તૂટી પડતાં તેમનું મૃત્યુ થયું હતું અને ત્યારથી આ સિલસિલો ચાલ્યા જ કરે છે.
આશા રાખીએ કે, ભવિષ્યમાં કોઈ પ્લેન ના ક્રેશ થાય.

વિશ્વની સૌથી ભીષણ વિમાની દુર્ઘટના કઈ ?
ટેનેરાઇફ એરપોર્ટ દુર્ઘટના વિશ્વના ઇતિહાસમાં સૌથી ભયંકર વિમાની અકસ્માત છે. ૨૭ માર્ચ ૧૯૭૭ના રોજ સ્પેનિશ ટાપુ ટેનેરાઇફ પર લોસ રોડીયોસ એરપોર્ટ પર બે બોઇંગ ૭૪૭ પેસેન્જર જેટ વિમાનો રનવે પર અથડાયા હતા. કેએલએમ રોયલ ડચ એરલાઈન્સની ફ્‌લાઈટ અને પેન એમ ફ્‌લાઈટ વચ્ચેની ટક્કરમાં કુલ ૫૮૩ લોકોના મોત થયાં હતાં. આ દુર્ઘટના સાંજે ૫ઃ૦૬ વાગ્યે બની હતી.
કેલએલએમની ફ્‌લાઇટ ૪૮૦૫ ટેકઓફ માટે રન-વે પર દોડવા માંડી પણ ગાઢ ધુમ્મસના કારણે બીજા રનવે પર ઉભેલી પેન એમ ફ્‌લાઇટ ૧૭૩૬ પાયલોટને ના દેખાઈ અને કેએલએમની ફ્‌લાઈટ પેન એમની ફ્‌લાઈટની જમણી બાજુમાં ઘૂસી જતાં બંને પ્લેનમાં આગ લાગી ગઈ. આ આગમાં કેએલઅમ પ્લેનમાં સવાર તમામ ૨૪૮ લોકો ભડથું થઈ ગયાં જ્યારે પેન એમ પ્લેનમાં સવાર ૩૯૬ લોકોમાંથી ૩૩૫ લોકો માર્યા ગયા હતા. વિમાનના આગળના ભાગમાં રહેલાં ૬૧ લોકો બચી ગયાં હતાં.
કમનસીબી એ હતી કે, આ બંને વિમાનો મૂળ ગ્રાન કેનેરિયા એરપોર્ટ પર જવાનાં હતાં પણ ગ્રાન કેનેરિયા એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ થવાથી લોસ રોડીયોસમાં ઉતારવામાં આવેલાં, આ રીતે ઘણાં વિમાનોને ઉતારવામાં આવ્યા હતાં. લોસ રોડીયોસ એરપોર્ટ પર પાર્ક કરાયેલા વિમાનોને કારણે રન વે સાંકડા થઈ ગયા હતા. આ ઓછું હોય તેમ સાંજે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. તેના કારણે અરાજકતાની સ્થિતી સર્જાઈ ને તેના કારણે ૫૮૩ લોકોએ જીવ ગુમાવ્યા.
આ અકસ્માત માટે કેએલએમના પાયલોટ જવાબદાર હતા. કંટ્રોલ ટાવર ચોક્કસ અંદાજ ના મેળવી શક્યું તેથી કેએલએમની ફ્‌લાઈટને ઉડાનની મંજૂરી આપવાના બદલે રાહ જોવા કહેવાયેલું પણ કેએલએમના કેપ્ટને રાહ જોવાના બદલે ઉડાન ભરવાનો નિર્ણય લીધો. આ દુર્ઘટનનાની તપાસમાં કેએલએણ દ્વારા એવો બચાવ કરાયો કે, ભૂલથી કેપ્ટને માની લીધું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ (છ્‌ઝ્ર) તરફથી ટેકઓફ ક્લિયરન્સ અપાયું છે. કેએલએમ ક્રૂ અને એટીસી વચ્ચે રેડિયો કોમ્યુનિકેશન જાહેર કરાયું પછી કેએલએમ એરલાઈન્સે સ્વીકાર્યું કે તેમનો ક્રૂ અકસ્માત માટે જવાબદાર હતો અને એરલાઇન્સે તમામ પીડિતોના પરિવારોને વળતર ચૂકવ્યું.
આ દુર્ઘટના પછી પ્લેનને ટેકઓફની મંજૂરી માટેના નિયમોમાં મોટો ફેરફાર કરાયો. પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા માત્ર પાયલોટ સાથે જ રેડિયો કોમ્યુનિકેશન કરાતું. તેના બદલે સમગ્ર ક્રૂ સાથે કોમ્યુનિકેશન થાય એ પ્રકારની વ્યવસ્થા કરાઈ. સમગ્ર ક્રૂને લાગે કે ટેકઓફ કરવું સલામત છે તો જ પ્લેન ટેકઓફ કરાય એવો નિયમ અમલી બન્યો.
આભાર – નિહારીકા રવિયા