ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ફરક છે ?
ભારત એક સંપૂર્ણ આઝાદ દેશ છે કે જે સતત પ્રગતિ કર્યા કરે છે જ્યારે પાકિસ્તાન એવો દેશ છે કે જે સતત અધોગિત કર્યા કરે છે. ભારત અને પાકિસ્તાન એક સાથે આઝાદ થયાં ત્યારે બંને દેશોમાં લોકશાહી હતી. આજે આઝાદીનાં ૭૬ વર્ષ પછી ભારતમાં માત્ર લોકશાહીનું જતન જ નથી થયું પણ લોકશાહી વધારે ને વધારે મજબૂત થઈ રહી છે.
બીજી તરફ પાકિસ્તાનમાં લોકશાહીનાં તો બહુ પહેલાં જ વળતાં પાણી થવા માંડેલાં ને આ વખતની ચૂંટણીએ લોકશાહીના સાવ ધજાગરા ઉડાડી દીધા. પાકિસ્તાની સંસદ એટલે કે નેશનલ એસેમ્બલીની ચૂંટણી પહેલાં અને પછી જે કાવાદાવા અને રાજરમતો થઈ તેના કારણે પાકિસ્તાનની અસલિયત લોકો સામે ખુલ્લી પડી ગઈ છે. પાકિસ્તાનમાં કહેવા ખાતર લોકશાહી છે પણ વાસ્તવિક રીતે લશ્કરનું શાસન ચાલે છે એ વાત ફરી આ ચૂંટણીએ સાબિત કરી દીધી. ભારતમાં વરસોથી નિયમિત રીતે નિષ્પક્ષ ને ન્યાયી ચૂંટણીઓ થાય છે કે જેની વિશ્વસનિયતા સામે કોઈ સવાલ જ કરી શકતું નથી જ્યારે પાકિસ્તાનની ચૂંટણી સામે આખી દુનિયા સવાલ કરી રહી છે કેમ કે પાકિસ્તાનના લશ્કરે પોતાનું વર્ચસ્વ જાળવવા ચૂંટણીને સાવ ફારસ બનાવી દીધી.
પાકિસ્તાની લશ્કરે એક વખતના પોતાના લાડકા ઈમરાન ખાનને સત્તાથી દૂર રાખવા જે કંઈ કર્યું એ આઘાતજનક કહેવાય. લશ્કરે પાંચ વર્ષ પહેલાં ઈમરાન ખાનને હોંશે હોંશે ગાદીએ બેસાડેલો પણ ઈમરાન ખાન તેનો તાબેદાર થઈને ના રહેતાં તેને ઘરભેગો કરી દીધો. પાકિસ્તાનના રાજકારણમાં સૌથી મોટા દુશ્મન એવા ભુટ્ટો-ઝરદારી ખાનદાન અને શરીફ ખાનદાનને સાથે બેસાડીને સત્તા કબજે કરી અને પછી ઈમરાનને જેલભેગો કરાવી દીધો.
ઈમરાન ફરી સત્તામાં ના આવે એટલે તેની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીને ચૂંટણી લડવા માટે જ ગેરલાયક ઠેરવાવી દીધી. ઈમરાનની પાર્ટીના નેતા અપક્ષ ઉભા રહીને જીતવા માંડ્‌યા ને સત્તાની નજીક પહોંચી જશે એવું લાગતાં મતપત્રકોમાં ગરબડો અને ઘાલમેલ કરીને શરીફ અને ભુટ્ટોના ઉમેદવારોને જીતાડીને તેમને સત્તાની નજીક પહોંચાડી દીધા. ભુટ્ટો-ઝરદારી ખાનદાન અને શરીફ ખાનદાન વચ્ચે ફરી સમજૂતી કરાવીને ફરી શાહબાઝ શરીફને વડાપ્રધાન બનાવી દીધા.
ભારતમાં આજ સુધી આવું બન્યું નથી ને બની પણ ના શકે. ભારતમાં લોકશાહી એટલી મજબૂત છે કે કોઈ નેતા કે લશ્કર સુધ્ધાં તેમાં દખલ કરવાનું વિચારી પણ ના શકે. પાકિસ્તાન આઝાદ થયો ત્યારથી લશ્કર હાવી થયેલું છે. પાકિસ્તાનમાં લોકશાહીનું આઝાદીનાં શરૂઆતનાં વરસોમાં જ અચ્યુતમ કેશવમ થઈ ગયું હતું. પહેલેથી પાકિસ્તાનમાં લશ્કર એટલું તાકતવર છે કે, છાસવારે લશ્કરી બળવા કરીને ચૂંટાયેલી સરકારોને ઘરભેગી કરીને લશ્કરી અધિકારીઓ પાકિસ્તાનના શાસકો બની જાય છે. લશ્કરી અધિકારી શાસક ના બને ત્યારે લશ્કરની કઠપૂતળી જેવા શાસકને બેસાડી દેવાય છે.
શાહબાઝ શરીફ પાકિસ્તાનના લશ્કરની નવી કઠપૂતળી છે.

પાકિસ્તાનની આ હાલત કેમ છે ?
પાકિસ્તાનની આ હાલત માટે ધર્માંધતા જવાબદાર છે. વાસ્તવમાં કટ્ટરવાદ અને ધર્માંધતા તરફ વળેલા દુનિયાના બધા દેશોની આ જ હાલત છે. ઈરાન હોય, ઈરાક હોય કે લિબિયા હોય, ધર્માંધતાના કારણો કોઈ દેશ આબાદ થયો નથી. ભારતની સાથે જ આઝાદ થયેલા પાકિસ્તાનની અવદશા માટે ધર્માંધતા કેમ જવાબદાર છે એ વિશે ઝાઝું કહેવાની જરૂર નથી.
મોહમ્મદ અલી ઝીણાએ ધર્માંધતાનો ઉન્માદ ઉભો કરીને સર્જેલું પાકિસ્તાન આજે ધર્માંધતા અને કટ્ટરવાદના કળણમાં એ હદે ખૂંપેલું છે કે તેનું કોઈ ભાવિ જ નથી. પાકિસ્તાન બધી રીતે નિષ્ફળ રાષ્ટ્ર છે અને તેના અસ્તિત્વ સામે જ ખતરો છે. પાકિસ્તાનમાં નથી કોઈ આર્થિક વિકાસ કે નથી થઈ બીજી કોઈ પ્રગતિ. આઝાદીનાં ૭૭ વર્ષમાં પાકિસ્તાને એવું કશું હાંસલ કર્યું નથી કે જેના કારણે તેના નાગરિકો ગર્વ લઈ શકે. બલ્કે આતંકવાદના અડ્ડા તરીકે પંકાઈ ગયું છે તેથી અત્યારે દુનિયાને સૌથી વધારે ખતરો પાકિસ્તાન તરફથી છે એવી માન્યતા પ્રબળ બનતી જાય છે.
પાકિસ્તાનના લશ્કરે પોતાના વર્ચસ્વને ટકાવવા માટે પાકિસ્તાનને કટ્ટરવાદ અને આતંકવાદનું હબ બનાવી દીધું છે. તેના કારણે અરાજકતા અને અંધાધૂંધી એ હદે વધતી જાય છે કે, પાકિસ્તાનના કારણે દુનિયાનો ખાતમો થઈ જશે એવી આગાહીઓ પણ થઈ રહી છે. પાકિસ્તાન પાસે પરમાણુ ક્ષમતા છે ને કટ્ટરવાદીઓનો પ્રભાવ વધી રહ્યો છે તે જોતાં કોઈ ને કોઈ દિવસ પરમાણુ શસ્ત્રો કટ્ટરવાદીઓના હાથમાં આવી જશે એવું લાગે છે. પાકિસ્તાને ઉત્તર કોરીયાને તો પરમાણુ શસ્ત્રો આપ્યાં જ છે ને એ બીજા દેશોને પણ આપી જ શકે. આ દેશોનો કોઈ સનકી શાસક પરમાણુ શસ્ત્રો વાપરી નાખે તો દુનિયા તબાહ થઈ જશે તેથી પાકિસ્તાન દુનિયા માટે સૌથી મોટો ખતરો છે.

પાકિસ્તાનના ઈતિહાસમાં અડધા કરતાં વધારે વરસ પાકિસ્તાનીઓએ લશ્કરી શાસન હેઠળ વિતાવ્યાં છે.
પાકિસ્તાન ૧૯૪૭માં આઝાદ થયું તેનાં ચાર વરસ પછી પાકિસ્તાનમાં પહેલો લશ્કરી બળવો થયેલો અને મેજર જનરલ અકબર ખાને બળવો કરી દીધેલો. પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે બ્રિટિશ સેનાપતિ જનરલ ફ્રાન્ક મેસર્વી પાકિસ્તાનના લશ્કરી વડા બનેલા. જનરલ મેસર્વી પછી કમાન્ડર-ઈન-ચીફ બનેલા જનરલ ડગ્લાસ ગ્રેસી ૧૬ જાન્યુઆરી ૧૯૫૧ સુધી લશ્કરી વડા રહ્યા અને ૧૯૫૧માં પાકિસ્તાની સરકારને લશ્કરનો સંપૂર્ણ હવાલો સોંપીને વિદાય થયા.
જનરલ અયુબ ખાન પાકિસ્તાના પહેલા કમાન્ડર-ઈન-ચીફ હતા.અયુબની નિમણૂકના બે મહિના પછી મેજર જનરલ અકબર ખાને પાકિસ્તાની વડાપ્રધાન લિયાકત અલી ખાન સામે બળવો કરી દીધેલો, આ બળવો પાકિસ્તાનમાં સામ્યવાદી શાસનની સ્થાપના માટે હતો. સામ્યવાદી વિચારધારા ધરાવતા અકબરે રશિયાના ઈશારે બળવો કરીને સામ્યવાદી શાસન સ્થાપવાનો પ્રયત્ન કર્યો પણ અમેરિકાના ઈશારે જનરલ અયુબખાને આ બળવો દબાવડાવી દીધો.
પાકિસ્તાનમાં ૧૯૫૪માં બીજો બળવો અયુબખાને જ કરેલો. ગવર્નર જનરલ ગુલામ મુહમ્મદે ખ્વાજા નઝીમુદ્દીનની સરકારને સસ્પેન્ડ કરીને પાકિસ્તાની સંસદને વિખેરી નાંખી હતી. મુહમ્મદે પોતે થોડો સમય શાસન કર્યું પછી જનરલ અયુબખાને તેમને ઘરભેગા કરીને ઈસ્કંદર મિર્ઝાને ગવર્નર જનરલ બનાવ્યા કે જેમણે બંધારણ સુધારીને ગવર્નર જનરલના બદલે પ્રમુખનો હોદ્દો ઉભો કર્યો અને ૧૯૫૬માં પોતે પહેલા પ્રમુખ બન્યા.
અયુબના કહેવાથી મિર્ઝાએ પાકિસ્તાનમાં માર્શલ લો એટલે કે લશ્કરી શાસન જાહેર કરીને અયુબ ખાનને ચીફ માર્શલ લો એડમિનિસ્ટ્રેટર બનાવ્યા. ૧૩ દિવસ પછી અયુબખાન મિર્ઝાને તગેડીને પોતે પ્રમુખ બની ગયા. જનરલ અયુબખાન પાકિસ્તાનના પહેલા લશ્કરી શાસક હતા કે જેમણે ૧૧ વર્ષ શાસન કર્યું.
અયુબના શાસનકાળમાં ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુધ્ધ થયું. યુધ્ધમાં પાકિસ્તાન ખરાબ રીતે હારતાં અયુબ સામે ભારે આક્રોશ હતો. ત્રણ વાર અયુબખાનને ઉથલાવી દેવા બળવા થયા. અયુબખાને તેને દબાવી દીધા પણ ટકવું મુશ્કેલ લાગતાં ૧૯૬૯માં રાજીનામું આપીને લશ્કરી વડા જનરલ યાહ્યા ખાનને સત્તા સોંપી દીધી.
યાહ્યા ખાને પાકિસ્તાનમાં ચૂંટણી કરાવીને લોકશાહીની સ્થાપનાનું વચન આપેલું પણ તેના બદલે પોતે પ્રમુખ બની ગયો. યાહ્યાએ પાકિસ્તાનના ૧૯૬૫ના યુધ્ધની હારનો બદલો લેવા ૧૯૭૧માં ભારત પર આક્રમણ કર્યું પણ ભારતે પાકિસ્તાનને હાર આપી. ભારતે પાકિસ્તાનનાં ઉભાં ફાડિયાં કરીને બાંગ્લાદેશનું સર્જન કર્યું. પાકિસ્તાનના ૯૩ હજાર સૈનિકોને ભારતે કેદ કર્યા તેથી પાકિસ્તાની લશ્કર સાવ તૂટી ગયું. બેઆબરૂ યાહ્યા ખાને રાજીનામુ ધરી દેવું પડ્‌યું. વચગાળાની વ્યવસ્થા તરીકે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પ્રમુખ બનાવાયેલા પણ ૧૯૭૭માં જનરલ ઝિયા ઉલ હકે બળવો કરતાં પાકિસ્તાન ફરી લશ્કરી શાસન તળે આવ્યું.
જનરલ ઝિયાએ પાકિસ્તાન પર ૧૧ વર્ષ રાજ કર્યું. ૧૯૮૭માં વિમાની અકસ્માતમાં ઝિયાનું મોત થયું પછી પાકિસ્તાનમાં લોકશાહી સ્થપાઈ. દસ વરસ લોકશાહી શાસન ચાલ્યું ને છેવટે ૧૯૯૯માં પરવેઝ મુશર્રફે બળવો કરીને નવાઝ શરીફને ઉથલાવીને ફરી લશ્કરી શાસન સ્થાપ્યું. પરવેઝ મુશર્રફે ૨૦૦૮ સુધી રાજ કર્યું. લોકોનો અસંતોષ વધતાં તેમણે પણ સત્તા છોડી પછી પાકિસ્તાનમાં લોકશાહી હતી પણ એ લોકશાહી નામની હતી. અસલી સત્તા તો લશ્કર પાસે જ હતી.
અત્યારે પણ એ જ સ્થિતી છે.શાહબાઝ શરીફ વડાપ્રધાન તો બન્યા પણ તેમનું કશું ચાલવાનું નથી. પાકિસ્તાનનું લશ્કર ભલે સીધી રીતે સત્તા કબજે ના કરે અને લશ્કરી શાસન ના સ્થાપે પણ રાજ તો લશ્કરનું જ રહેવાનું છે.