ભારતમાં દર વર્ષે ૨ લાખ લોકો અસ્થમાના કારણે મૃત્યુ પામે છે. એવામાં ડોક્ટર્સ કહેવું છે કે હવે એવી સારવારો છે જે એટલી અસરકારક અને સલામત છે કે જેથી વ્યક્તિ લગભગ સામાન્ય જીવન જીવી શકે છે. તેના માટે વહેલું નિદાન અને સારવાર કરવા ખૂબ જ જરૂરી છે.
ગ્લોબલ બર્ડન આૅફ ડિસીઝ ૨૦૨૧ના રિપોર્ટ મુજબ, વૈશ્વીક સ્તરે અસ્થમાના કારણે થતા મૃત્યુમાં ભારતનો હિસ્સો ૪૬ ટકા છે. જે વર્ષ ૨૦૧૯ના રિપોર્ટ કરતાં ૪૩ ટકા વધુ છે. જો તાજેતરના રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવે તો ભારતમાં અસ્થમાના ૯૦ ટકાથી વધુ દર્દીઓ શ્વાસમાં લેવાતી કોર્ટીકોસ્ટેરોઈડ્‌સનો ઉપયોગ કરતા નથી. તેમજ તેઓ માત્ર બ્રોન્કોડિલેટર દવાઓ મૌખિક રીતે અથવા શ્વાસ દ્વારા લે છે, જે વધુ પીડા અને મૃત્યુનું કારણ બને છે.
અસ્થમા એ અનુવાંશિક રોગ છે જે પરિવારોમાં ચાલે છે, પરંતુ વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. શ્વાસની તકલીફ એ સામાન્ય લક્ષણ હોવા છતાં, ઉધરસ, વહેતું નાક, છીંક જેવા અન્ય સામાન્ય લક્ષણો છે. અસ્થમાના દર્દીઓ વારંવાર ઉધરસની ફરિયાદ કરે છે, જે રાત્રે વધુ સામાન્ય છે, જેના કારણે તેઓ જાગી જાય છે અને સખત કામ કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
બાળકો સામાન્ય રીતે જલ્દી અસ્થમાથી પીડાઈ શકે છે. હકીકતમાં અસ્થમાના ૫૦ ટકા દર્દીઓ તો બાળકો છે. જો કે, સ્પિરામેટ્રીની ઍક્સેસના અભાવને કારણે ભારતમાં અસ્થમાનું નિદાન ઓછું થાય છે.ગ્લોબલ અસ્થમા નેટવર્ક અભ્યાસ, જે ૬-૭ વર્ષની વયના ૨૦,૦૮૪ બાળકો, ૧૩-૧૪ વર્ષની વયના ૨૫,૮૮૭ બાળકો અને ભારતમાં નવ જુદા જુદા સ્થળોએથી ૮૧,૨૯૬ માતા-પિતા પર હાથ ધરવામાં આવ્યો હતો, તેમાં જાણવા મળ્યું હતું કે ૮૨ ટકા કિસ્સાઓમાં અસ્થમાનું નિદાન ઓછું થયું હતું. ગંભીર અસ્થમા ધરાવતા લોકોમાં પણ, ૭૦ ટકાનું નિદાન થયું નથી.
અસ્થમા માટે સૌથી અસરકારક અને સલામત સારવાર એ કોર્ટીકોસ્ટેરોઇડ છે જે બ્રોન્કોડિલેટર સાથે, ઇન્હેલર અથવા મીટર્ડ ડોઝ ઇન્હેલર દ્વારા આપવામાં આવે છે. જેના કારણે મૃત્યુનું પ્રમાણ અટકે છે અને અસ્થમાના લક્ષણો પણ ઓછા જોવા મળે છે.
તેમ છતાં જીએએન અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું કે માત્ર ૫ ટકા બાળકો અને અસ્થમા ધરવતા ૧૦ ટકા પુખ્ત વયના લોકો આ દવાઓનો ઉપયોગ કરતા હતા. અસ્થમાની સારવાર માટે સૌથી સલામત, ઝડપી અને અસરકારક રીત છે કે દવાઓ શ્વાસ દ્વારા લેવામાં આવે. અસ્થમા સાથે સંકળાયેલી ઘણી ગેરમાન્યતાઓ છે, જેમ કે- અસ્થમા એક ચેપી રોગ છે અને તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે, શ્વાસ દ્વારા લેવામાં આવતી દવાઓ ખૂબ જ જોખમી છે. જે ખરેખર ખોટી માન્યતાઓ જ છે.