ઉદયપુરમાં એક દરજીની ધોળે દિવસે હત્યાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. સહુ કોઈ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. ઉદયપુર હત્યાકાંડ બાદ હવે અજમેર દરગાહ દીવાન જૈનુલ આબેદિન અલી ખાનની પ્રતિક્રિયા પણ આવી છે. આ ઘટનાની નિંદા કરતા તેમણે કહ્યુ કે ભારતના મુસ્લિમો દેશમાં ક્યારેય તાલિબાની માનસિકતા સામે આવવા દેશે નહિ. ઉદયપુરમાં બે માણસોએ એક દરજીની હત્યા કરી અને એક વીડિયો આૅનલાઈન પોસ્ટ કર્યો કે તેઓ ઈસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા છે.
જૈનુલ આબેદિન અલી ખાને એક નિવેદનમાં કહ્યુ, ‘કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી. તમામ ઉપદેશો, ખાસ કરીને ઇસ્લામ ધર્મમાં, શાંતિના સ્ત્રોત તરીકે સેવા આપે છે.’ તેમણે કહ્યુ કે, ‘ઈન્ટરનેટ પર સામે આવેલા ભયાનક વીડિયોમાં અમુક બિન-નૈતિક માનસિકતાઓએ એક ગરીબ પર નિર્દયતાથી હુમલો કર્યો. જેને ઇસ્લામિક દુનિયામાં પાપ ગણવામાં આવે છે. આરોપીઓ કેટલાક કટ્ટરવાદી જૂથોનો ભાગ હતા જે હિંસા દ્વારા ઉકેલ શોધે છે.
તેમણે વધુમાં કહ્યુ, ‘હું આ કૃત્યની સખત નિંદા કરુ છુ અને સરકારને વિનંતી કરુ છુ કે તેઓ તેમની સામે કડક કાર્યવાહી કરે. ભારતના મુસ્લિમો ક્યારેય તાલિબાની માનસિકતાને આપણી માતૃભૂમિમાં સામે આવવા દેશે નહિ.’ વળી, જમિયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હકીમુદ્દીન કાસમીએ પણ હત્યાની નિંદા કરી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યુ કે, ‘જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહિ, તે દેશના કાયદા અને આપણા ધર્મની વિરુદ્ધ છે.’ હત્યાના આરોપમાં રિયાઝ અખ્તારી અને ઘોસ મોહમ્મદ તરીકે ઓળખાતા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક વીડિયો ક્લિપમાં અખ્તરીએ જાહેરાત કરી હતી કે તેણે એ વ્યક્તિનુ માથુ કાપી નાખ્યુ છે
અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી. આડકતરી રીતે, હુમલાખોરોએ પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપ નેતા નુપુર શર્માનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરજી કન્હૈયા લાલની તાજેતરમાં સ્થાનિક પોલીસે સોશિયલ મીડિયા પર કરેલી કેટલીક ટિપ્પણીઓ બદલ ધરપકડ કરી હતી.