બજેટે ફરી મધ્યમ વર્ગને નિરાશ કરી દીધો.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નરેન્દ્ર મોદી સરકારનું ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછીનું પહેલું બજેટ રજૂ કર્યું તેમાં ઇન્કમટેક્સ મુક્તિની મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરાશે એવી સૌને આશા હતી પણ આ આશા ફળી નથી. ભાજપ સત્તામાં નહોતો ત્યારે મધ્યમ વર્ગને રીઝવવા માટે આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરવાનું વચન આપતો હતો. ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ સત્તાવાર રીતે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરવાનું વચન આપેલું પણ સત્તા મળતાં જ ભાજપ આ વચન ભૂલી ગયો.
છેલ્લાં ૧૦ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે છતાં ભાજપે આ વચન પૂરું નથી કર્યું. આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી તેથી ભાજપ પોતાની વફાદાર મતબેંક એવા શહેરી નોકરીયાત વર્ગને રીઝવવા દાયકા પછી પોતાનું વચન પાળશે એવી આશા હતી પણ એ આશા ફળી નથી.
નિર્મલા સીતારામનના બજેટમાં ઈન્કમટેક્સના નવા માળખામાં મુક્તિ મર્યાદા વધારાઈ છે જ્યારે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેના કારણે મધ્યમ વર્ગને કોઈ ફાયદો નથી કેમ કે મધ્યમ વર્ગમાં મોટા ભાગનાં પરિવારોને બચતની સાથે આવકવેરા મુક્તિ મર્યાદા ૫ લાખ રૂપિયા જોઈએ છે.
જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં હોમ લોનનું વ્યાજ, જીવન વિમાનું પ્રીમિયમ, પીપીએફ સહિતની નાની બચત યોજનાઓ, મેડિક્લેઈમ, એનપીએસમાં રોકાણ વગેરે બાદ મળે છે અને તેના પર કોઈ કર લાગતો નથી તેથી લોકો ટેક્સ બચાવવા ખાતર પણ ફરજિયાત બચત કરીને બેઠાં છે.
મધ્યમ વર્ગ હોમ લોન લઈને બેઠો હોય, એલઆઈસી સહિતની જીવન વિમા પોલિસીઓમાં રોકાણ કરતો હોય, નાની બચત કરતો હોય, મેડિક્લેઈમ લેતો એ બધા પર મળતી છૂટ ના જાય અને આવકવેરા મુક્તિ મર્યાદા ૫ લાખ રૂપિયા થાય એવું ઈચ્છે છે કેમ કે આ બધી તેની જરૂરીયાતો છે.
બીજી તરફ મોદી સરકાર લોકો વધુ ને વધુ પ્રમાણમાં નવા ટેક્સ સ્ટ્રક્ચર તરફ વળે એ માટે પ્રયત્નશીલ છે. આ કારણે નિર્મલા સીતારામને નવા માળખામાં મુક્તિ મર્યાદા વધારી તેનાથી બહુમતી મધ્યમ વર્ગને કોઈ ફાયદો નથી. લોકો એવી અપેક્ષા રાખતા હતા કે, ઈન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર કરીને રાહત અપાશે પણ આ આશા ઠગારી નિવડી છે.
ભારતમાં ઈન્કમટેક્સના દર બહુ વધારે છે ?
ભારતમાં ઈન્કમટેક્સના રેટ વિશે ઘણી વાર એવી કોમેન્ટ થાય છે કે, ઈન્કમટેક્સ રેટ ધનિક અને વિકસિત દેશો જેવા ઉંચા છે જ્યારે સગવડો ગરીબ દેશો જેવી છે. આ વાત સાવ ખોટી પણ નથી અને દુનિયામાં બીજા દેશોના ઈન્કમટેક્સ રેટ પર નજર નાખશો તો આ વાત સમજાશે.
ભારતમાં ઈન્કમટેક્સનો હાઈએસ્ટ રેટ ૩૦ ટકા છે જ્યારે અમેરિકામાં ૩૭ ટકા છે. અમેરિકા તેના નાગરિકોને જે સોશિયલ સીક્યુરિટી આપે છે તેની સરખામણીમાં ૩૭ ટકા ટેક્સ વધુ ના કહેવાય. ભારતમાં તો સરકારની કોઈ જવાબદારી નથી, શિક્ષણથી માંડીને સારવાર સુધીની બધી વ્યવસ્થા લોકોએ જાતે કરવી પડે ને છતાં ઉંચો ટેક્સ લેવાય છે. અમેરિકામાં સાત ટેક્સ સ્લેબ છે. પહેલા સ્લેબમાં શૂન્ય ડોલરથી ૧૧ હજાર ડોલરની કમાણી પર ૧૦ ટકા ઈન્કમટેક્સ છે. વરસની કમાણી ૧૦૦ ડોલર હોય તો પણ તમારે ૧૦ ટકા ઈન્કમટેક્સ ભરવો જ પડે. યુકેમાં ભારતની જેમ ૧૨,૫૭૦ પાઉન્ડ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી લાગતો પણ પછી સીધો ૨૦ ટકા ટેક્સ છે. ઈન્કમટેક્સ પર લેવાતો પર નેશનલ ઈન્સ્યોરન્સ (એનઆઈ) સરચાર્જ ગણો તો ૩૨ ટકા ટેક્સ થાય. યુકેમાં ઈન્કમટેક્સનો સૌથી ઉંચો દર ૪૦ ટકા છે અને તેના પર એનઆઈ ગણો તો ૬૩.૨૫ ટકા છે. એ રીતે યુકે દુનિયામાં સૌથી ઉંચો ઈન્કમટેક્સ રેટ ધરાવતો દેશ છે પણ યુકેમાં નાગરિકો માટે મેડિકલ સર્વિસ સંપૂર્ણ ફ્રી છે, શિક્ષણ ફ્રી છે ને સિનિયર સિટિઝન્સને પેન્શન પણ મળે છે.
યુરોપના મોટા ભાગના સમૃધ્ધ દેશોમાં ઈન્કમટેક્સનો દર ૪૦ ટકાથી ઉપર જ છે. યુરોપના ફિનલેન્ડમાં હાઈએસ્ટ ઈન્કમટેક્સ રેટ ૫૬.૭૫ ટકા છે જ્યારે ડેન્માર્કમાં ૫૬ ટકા અને ઓસ્ટ્રિયામાં ૫૦ ટકા છે. દુનિયામાં ઈન્કમટેક્સનો સૌથી ઉંચો દર ૫૦ ટકાથી વધારે હોય એવા દેશોની સંખ્યા તો બહુ છે. સ્વીડન, અરૂબા, બેલ્જિયમ, ઈઝરાયલ, સ્લોવેનિયા, નેધરલેન્ડ્સ વગેરે દેશોમાં ૫૦ ટકા કે વધારે ઈન્કમટેક્સ લેવાય છે. એશિયામાં જાપાનમાં હાઈએસ્ટ ઈન્કમટેક્સ ૬૦ ટકા છે જ્યારે ચીનમાં ૪૫ ટકા છે.
અલબત્ત આ બધા દેશો તમામ પ્રકારની સોશિયલ સીક્યુરિટી પૂરી પાડે છે તેથી લોકોને વધારે ટેક્સ નડતો નથી.
ઈન્કમટેક્સ જ ના હોય એવા દેશ છે ?
દુનિયામાં સંખ્યાબંધ દેશ એવા છે કે ઈન્કમટેક્સ જ નથી લાગતો. પર્સનલ ઈન્કમટેક્સ ઝીરો હોય એવા દેશોની સંખ્યા ૫૯ છે. સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહરીન, ઓમાન, કુવૈત વગેરે ખાડી દેશોમાં ઈન્કમટેક્સ નથી લગાવાતો કે જેથી મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવે. આ દેશોની ઈકોનોમી ક્રુડ ઓઈલ આધારિત છે કે જેના માટે બહારથી મોટા પ્રમાણમાં નિષ્ણાતોને લાવવા પડે. તેમને આકર્ષવા માટે ખાડીના દેશોમાં ઈન્કમટેક્સ નથી.
બીજી કેટેગરીમાં એવા દેશો છે કે જેમની વસતી ઓછી છે અને બીજી આવક વધારે છે તેથી ટેક્સ નથી. બહામાસ, બર્મુડા, બ્રુનેઈ, એરીટ્રિયા, ગ્રેનાડા, ગિનિયા, ગિનીયા-બસાઉ, કોમોરોસ, એન્ટિગા એન્ડ બાર્બુગા, એન્ગ્વિલા, લિબિયા, લિસોથો, લાઈબીરિયા, ઈસ્ટ ટિમોર, હોન્ડુરસ, આઈવરી કોસ્ટ, મડાગાસ્કર, મલાવી, મોરીશેનિયા, મોનેકો, મોન્ટસ્સરાટ, મોઝામ્બિક, મ્યાનમાર સહિતના દેશોમાં પણ ઈન્કમટેક્સ નથી. આ સિવાય પપુઆ ન્યુ ગિનીયા, સેન્ટ કિટ્સ એન્ડ નેવીસ, પિટકેઈન આઈલેન્ડ્સ, નૌરૂ, નિકારાગુઆ, નાઈજર, નિયુમાં પણ ઈન્કમટેક્સ નથી. નોરફોક આઈલેન્ડ, પલાઉ, સેન્ટ બાર્થેલેમી, સેન્ટ માર્ટિન, સેન્ટ પિયર એન્ડ મિક્વેલોન, સમોઆ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડાઈન્સ, સાઓ તોમે એન્ડ પ્રિન્સિપે, સિયેરા લીયોન, સોલોમોન આઈલેન્ડ્સ, સોમાલિયા, સુદાન, ટોગો, ટોંગા, ટોકેલાઉ, યુગાન્ડા, તુવાલુ, તુર્કમેનિસ્તાન, તુર્ક્સ એન્ડ કેઈકોસ આઈલેન્ડ્સ, વાનુઆતુ, બ્રિટિશ વર્જીન આઈલેન્ડ્સ અને યુએસ વર્જિન આઈલેન્ડ્સમાં પણ ઈન્કમટેક્સ નથી ભરવો પડતો.
આ પૈકી ઘણા દેશો અત્યંત ટચૂકડા છે પણ સામે તેમની આવક જંગી છે તેથી ટેક્સ લેવાની જરૂર નથી પડતી. ઘણા દેશો એવા છે કે જે બિઝનેસ અને ફાયનાન્સિયલ પ્રવૃત્તિઓને વેગ મળે તેથી દેશમાં ભારે રોજગારી પેદા થાય એટલે ઈન્કમટેક્સ નથી લેતા. ઘણા દેશો અત્યંત ગરીબ છે તેથી ટેક્સ નથી લેતા. ઘણા દેશો બીજા દેશોના કૌભાંડીઓને પનાહ આપે છે ને તેમના નાણાંનું રોકાણ પોતાને ત્યાં કરાવે છે તેથી ટેક્સ નથી લેતા.
ભારતમાં ઈન્કમટેક્સ નાબૂદ થઈ શકે ?
ચોક્કસ થઈ શકે,
આ વાત કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના જેવી લાગશે પણ ભારતમાં ઈન્કમટેક્સ નાબૂદ થઈ શકે છે. અલબત્ત તેની અવેજીમાં બીજા ટેક્સ લગાવવા પડે કેમ કે ભારત સહિતના વધારે વસતી ધરાવતા દેશોને દેશ ચલાવવા માટે જંગી નાણાં જોઈએ તેથી કોઈ ને કોઈ રીતે તો ટેક્સ વસૂલવો જ પડે.
ભારતમાં ઈન્કમટેક્સના સ્થાને બીજો ટેક્સ લાદવાની વિચારણા અટલ બિહારી વાજપેયીના સમયમાં થઈ હતી. ભારતમાં પર્સનલ ઈન્કમટેક્સ સંપૂર્ણ નાબૂદ કરીને તેના સ્થાને ગુડ્સ કન્ઝમ્પશન ટેક્સ (જીસીટી) અને બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ (બીટીટી) લાદવાના સૂચન થયા હતા. લોકો ચીજ-વસ્તુઓ કે સેવા વાપરે તેના પ્રમાણમાં જ ટેક્સ લેવાય તેને જીસીટી કહેવાય.
અત્યારે જીએસટી લેવાય છે એ ગુડ્સ કન્ઝમ્પશન ટેક્સ (જીસીટી) ટેક્સ જ છે પણ તેનો રેટ બહુ ઓછો છે. ઈન્કમટેક્સની જેમ જીસીટીમાં પણ સ્લેબ બનાવવા પડે. ગરીબોના વપરાશની બધી ચીજોને જીસીટીમાંથી બાકાત રાખવી પડે. મધ્યમ વર્ગ વધારે વાપરતો હોય એવી ચીજો પર મધ્યમ ટેક્સ જ્યારે લક્ઝુરીયસ ચીજો પર બહુ ઉંચો ટેક્સ લેવાય એવું સૂચન કરાયું હતું પણ તેના કારણે ધંધા-રોજગાર પર અસર પડે એ ડરે વાજપેયી સરકાર આગળ ના વધી.
બીટીટીમાં બેંકમાં થતા દરેક ટ્રાન્ઝેક્શન પર ચોક્કસ ટેક્સ લેવાય. અર્થશાસ્ત્રીઓ માને છે કે, માત્ર એક ટકા બીટીટી લગાવાય તો પણ એટલી જંગી આવક થાય કે બીજા કોઈ કરની જરૂર જ ના પડે. બીટીટી બેંકને લગતા દરેક વ્યવહાર પર લાગે. એટીએમમાંથી રૂપિયા ઉપાડો, સેલેરી ઉપાડો કે ચેક લખો તો પણ ટેક્સ લાગે. બીટીટીથી કરચોરી સાવ ઘટી જાય કેમ કે બેંક જ સીધી ટેક્સ કાપી લેવાની છે. તેના કારણે ટેક્સ કર્મચારીઓની જરૂર ઘટી જાય તેથી સરકારનો બહુ મોટો ખર્ચ બચી જાય. આશા રાખીએ કે, ભવિષ્યની સરકારો આ દિશામાં વિચારશે.