ભારતમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ એવું ભીષણ સ્વરૂપ બતાવ્યું કે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર મહિને જોહેર કરાયેલ હવામાન અને આબોહવા અહેવાલ જણાવે છે કે આ વર્ષે એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે સામાન્ય રીતે તે ૩૩.૯૪ ડિગ્રી રહે છે. ૧૯૦૧ પછી છેલ્લા દસ વર્ષમાં આ ત્રીજી વખત છે, જ્યારે એપ્રિલ મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે.
એપ્રિલમાં માત્ર દિવસની ગરમીએ જ લોકોને નહોતા શેક્યા, પરંતુ આ મહિનામાં રાત્રિનો સમય પણ સામાન્ય કરતાં વધુ ગરમ હતો. જો આપણે માસિક સૌથી નીચું સરેરાશ તાપમાન જોઈએ તો આ વર્ષે એપ્રિલમાં તે ૨૩.૫૧ હતું, જે સામાન્ય કરતાં ૧.૩૬ ડિગ્રી વધારે છે. ૧૯૦૧ પછી આ બીજી વખત છે, જ્યારે આવી સ્થિતિ આવી છે.
હવામાન વિભાગનું માનવું છે કે તેની પાછળનું મુખ્ય કારણ સતત અને લાંબા સમય સુધી ચાલતો હીટવેવ છે. પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ સહિત દેશના અનેક સ્થળોએ તેની અસર જોવા મળી હતી. આ વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસની ઉપર પહોંચી ગયો હતો. એટલું જ નહીં, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજોબ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હાજર હવામાન વિભાગના ૧૧ સ્ટેશનો પર તાપમાન તેના વર્તમાન રેકોર્ડથી ઉપર ગયું હતું. આ વખતે પ્રિ-મોન્સુન વરસાદે પણ દેશને દગો આપ્યો છે. ગત મહિને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં માત્ર ૫.૬ મીમી વરસાદ નોંધાયો હતો. જેને ધ્યાનમાં લઇએ તો ૧૯૦૧ પછી તે ત્રીજો સૌથી સૂકો મહિનો હતો. અગાઉ ૧૯૪૭માં માત્ર ૧.૮ મીમી અને ૧૯૫૪માં ૪.૪ મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
જો કે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનની પેટર્ન બદલાઈ છે. આ સમયે દેશમાં ક્યાંય હીટવેવ નથી. અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે તે થોડા દિવસો જ ચાલશે. ત્યાર
બાદ ફરી ગરમીનો પારો ઉંચો જશે અને સૂર્ય ફરી અગનગોળા વરસાવશે.જો આપણે વિશ્વના હવામાન વિશે વાત કરીએ, તો હવે તે મુખ્યત્વે બે પ્રકારના છે. એક પીક સીઝન, જેમાં કોઈપણ સીઝન તેની ટોચે પહોંચે છે, જો કે તે માત્ર થોડા દિવસો માટે જ હોય ??છે. બીજો ઉનાળો છે, જે બાકીની ઋતુમાં પણ જોવા મળી રહ્યો છે. એટલે કે ઉનાળાના મહિનાઓની સંખ્યા વધી રહી છે. ગત વર્ષે કેનેડામાં ગરમ પવનોએ એટલી બધી તબાહી મચાવી હતી કે કેટલાક વિસ્તારોમાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આવું જ કંઈક આ વખતે ભારતમાં જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે પણ આ વર્ષે ઉત્તર ભારતમાં પારો ૫૦ ડિગ્રીની ઉપર પહોંચવાની આગાહી કરી છે.