ભારતની ૫૪ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓએ કયુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ ૨૦૨૬ માં સ્થાન મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. આ રેન્કિંગમાં, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીને ૧૨૩મું સ્થાન પ્રાપ્ત કરીને દેશની શ્રેષ્ઠ સંસ્થા બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એકસ’ પર લખ્યું, કયુએસ વર્લ્ડ યુનિવર્સિટી ૨૦૨૬ રેન્કિંગ આપણા શિક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ સારા સમાચાર લાવ્યા છે. અમારી સરકાર ભારતના યુવાનોના લાભ માટે સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.’
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ભારતની યુનિવર્સિટીઓની પ્રશંસા કરી અને કહ્યું, ‘વિશ્વની શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેકોર્ડ ૫૪ સંસ્થાઓ સાથે, ભારતે કયુએસ વર્લ્ડ યુનિવર્સિટી ૨૦૨૬ રેન્કિંગમાં એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. ૨૦૧૪ માં, આ યાદીમાં ફક્ત ૧૧ યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની સંખ્યા હવે ૫૪ થઈ ગઈ છે. આ ૫ ગણો ઉછાળો છેલ્લા દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા શરૂ કરાયેલા પરિવર્તનશીલ શૈક્ષણિક સુધારાઓનો પુરાવો છે.એનઇપી ૨૦૨૦ ફક્ત આપણા શૈક્ષણિક લેન્ડસ્કેપને બદલી રહ્યું નથી પરંતુ તેમાં ક્રાંતિ પણ લાવી રહ્યું છે.’
રેન્કિંગ અનુસાર,આઇઆઇટી દિલ્હીએ ૨ વર્ષમાં ૭૦ થી વધુ સ્થાનોનો કૂદકો માર્યો છે. ૨ વર્ષ પહેલાં તે ૧૯૭મા ક્રમે હતું અને ગયા વર્ષે તે ૧૫૦મા ક્રમે હતું. આ વખતે તે ‘જ્યોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, યુએસ’ સાથે સંયુક્ત રીતે ૧૨૩મા ક્રમે છે. લંડન સ્થિત વૈશ્ચિક ઉચ્ચ શિક્ષણ વિશ્લેષણ કંપની ‘ક્વાક્વેરેલી સાયમન્ડ્‌સ’ દર વર્ષે આ રેન્કિંગ બહાર પાડે છે, જેમાં વિવિધ પ્રદર્શન સૂચકાંકોના આધારે યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ વર્ષે રેન્કિંગમાં ૮ નવી ભારતીય સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય સંસ્થાઓની સંખ્યા ૫૪ થઈ ગઈ છે.
અમેરિકા (૧૯૨ સંસ્થાઓ), બ્રિટન (૯૦ સંસ્થાઓ) અને ચીન (૭૨ સંસ્થાઓ) પછી, ભારત ૫૪ સંસ્થાઓ સાથે ચોથા સ્થાને છે. યાદીમાં ૮ નવી સંસ્થાઓ ઉમેરીને ભારત આ બાબતમાં પ્રથમ સ્થાને છે કારણ કે આ વર્ષે કોઈ અન્ય દેશ કે પ્રદેશે રેન્કિંગમાં આટલી બધી યુનિવર્સિટીઓ ઉમેરી નથી. જાર્ડન અને અઝરબૈજાન ૬-૬ યુનિવર્સિટીઓ સાથે બીજા સ્થાને છે. કયુએસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેસિકા ટર્નરે કહ્યું, ‘ભારત વૈશ્ચિક ઉચ્ચ શિક્ષણના પરિદ્રશ્યમાં પોતાના માટે એક અલગ સ્થાન બનાવી રહ્યું છે. કયુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગના આ સંસ્કરણમાં આટલી બધી યુનિવર્સિટીઓ બીજા કોઈ દેશમાં નથી. આ એક સારો સંકેત છે.