ભારત પ્રત્યે જો ગર્વ કરવામાં કોઈને પણ જરાં પણ વિચાર આવે તો ભારતના ઇતિહાસને ફરીવાર યાદ કરજો. ભારતની ભવ્ય અને દિવ્ય ભૂમિનો જ એટલો પ્રતાપ હતો કે ભારતમાં જન્મ લેનાર પણ જન્મ લઇને પોતાની જાતને ધન્ય ગણે છે. આ ભવ્ય અને દિવ્ય ભારતની ભૂમિ ઉપર જે શાસ્ત્રો અને સંસ્કૃતિનો અભ્યાસ થતો એ પણ એટલો જ અદભુત હતો. આવા શાસ્ત્રોનો અભ્યાસ ધર્મગુરુઓ ભારતના લોકોને ભણાવી અને તેના જીવનમાં ઉતારતા હતા જેથી એક એક વિરલ વ્યક્તિત્વ આ ભારત ઉપર મહાપુરુષોના રૂપમાં બહાર આવ્યા.
મહારાણા પ્રતાપ આપણી મા ભોમને ગુલામીમાંથી મુક્ત કરાવવા પ્રતિજ્ઞા લઇને જંગલમાં રહેતા હતા ત્યારે એક ચારણ તેમની પાસે ગયો. કવિતા દુહા ગાઇને ખૂબ પ્રસંશા કરી. રાણા પ્રતાપે કહ્યું – સરસ, પણ અત્યારે મારી પાસે તને આપવા કંઇ જ નથી. પણ આ મારી પાઘડી છે તે તને આપું છું. ચારણ ખુશ થઇ પાઘડી પહેરીને મોગલ દરબારમાં ગયો. ત્યાં પણ દુહા છંદ ગાઇને રાજાના ખૂબ વખાણ કર્યા. રાજાએ જોયું કે તે ચારણ ગાય છે સરસ પણ તેનું મસ્તક દરબારમાં નમાવતો નથી. રાજાએ પૂછ્યું – આમ કેમ ? તું કેમ નમતો નથી ? ચારણે જવાબ આપ્યો એ ખૂબ ધ્યાનથી સાંભળવા જેવો છે. ” રાજાજી, અત્યાર સુધી હું તમને કાયમ નમતો હતો પણ આજે મેં મારા માથે એવા મહાન શહેનશાહની પાઘડી પહેરી છે કે જે કોઈની સામે લાચારી બતાવી નમ્યો નથી. આ રાણા પ્રતાપની પાઘડી છે.” શું ખુમારી ! શું તેજસ્વિતા છે આ ભૂમિ અને આ ભૂમિના સંસ્કારોની. એક નાનો સરખો પ્રસંગ કેટલી મહ¥વની વાત સમજાવી જાય છે. એક મર્યાદા અને સ્વાભિમાન શીખવી જાય છે. ક્યારેક તો વિચારીએ.આપણે ભારત દેશમાં જન્મ્યા, કહેવાય છે જે દેશમાં ભગવાનના દશ દશ અવતારો થઈ ગયા, જે દેશના મહાપુરુષો તેજસ્વિતાથી જીવ્યા, જે સંસ્કૃતિ વિશ્વમાં મહાન બની એવા મહાન દેશમાં જન્મીને હું દીન હીન લાચાર દૂબળો કેમ રહું. આવો સૌ સાથે મળીને ફરીવાર ભારતને ભવ્યતા સુધી લઇ જઈએ. ભારતની મૂળ સંસ્કૃતિને વિશ્વમાં પ્રસિદ્ધ કરીએ અને માનવથી માનવ બનાવીએ. ભારતને વિશ્વગુરુ બનાવીએ. વંદેમાતરમ