એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીની એક પોસ્ટને લઈને વિવાદ છેડાઈ ગયો છે. પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટમાં ઓવૈસીએ કહ્યું કે ભારતના મુસ્લિમોને મુગલો સાથે કોઈ સંબંધ નથી. આ સાથે સવાલ ઉઠ્‌યો કે મુગલ બાદશાહોની પત્નીઓ કોણ હતી ? ઓવૈસીની પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપતા કરણી સેનાના પ્રમુખ સૂરજપાલ અમ્મુએ કહ્યું કે તેઓ હિન્દુઓની ભાવનાઓને ભડકાવવા માંગે છે. અમ્મુએ કહ્યું કે ઓવૈસીએ આ નિવેદનથી સ્પષ્ટ કર્યું છે કે મુગલોએ માત્ર લૂંટ જ નહીં પરંતુ બહેન-દીકરીઓની ઈજ્જત સાથે પણ રમત રમી હતી.
જ્ઞાનવાપી મસ્જિદદ, મથુરા-શાહી ઇદગાહ, તાજમહેલ અને કુતુબ મિનાર વિવાદ વચ્ચે આજકાલ ઇતિહાસ વિશે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ઓવૈસીએ જ્ઞાનવાપી કેસને ઔરંગઝેબ સાથે જોડવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો મામલો બહાર આવશે તો વાત આગળ વધી જશે. હવે ઓવૈસીએ આ વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. ઓવૈસીએ લખ્યું કે ભારતના મુસ્લિમોને મુગલો સાથે કોઈ સંબંધ નથી.
અસદુદ્દીન ઓવૈસીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ભારતના મુસલમાનોને મુગલો સાથે કોઈ સંબંધ નથી, પરંતુ મુગલ બાદશાહની પત્નીઓ કોણ હતી તે જણાવો. અગાઉ, ગુજરાતના સુરતમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ઓવૈસીએ કહ્યું હતું કે ભાજપ પુષ્યમિત્ર દ્વારા નષ્ટ કરેલા બૌદ્ધ મંદિરોની વાત કેમ નથી કરતી. બીજેપી પ્રવક્તાએ કહ્યું- ઓવૈસીનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.