ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર હેઠળ સેવા આપતી વખતે જીવ ગુમાવનારા ૨ ભારતીય શાંતિ રક્ષકોને વિશ્વ સંસ્થા દ્વારા મરણોત્તર સન્માનિત કરવામાં આવશે. વિશ્વ સંસ્થા આ અઠવાડિયે યુએન શાંતિ રક્ષકોની યાદમાં આંતરરાષ્ટ્રીય યુએન શાંતિ રક્ષકો દિવસની ઉજવણી કરી રહી છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો દિવસની થીમ ‘શાંતિ રક્ષાનું ભવિષ્ય’ છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુએન ડિસએન્જેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સ’ માં સેવા આપતા બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝા અને કોંગો રિપબ્લિકમાં યુનાઈટેડ નેશન્સ સ્ટેબિલાઇઝેશન મિશનમાં પોસ્ટ કરાયેલા હવાલદાર સંજય સિંહને ૨૯ મેના રોજ આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો દિવસ નિમિત્તે અહીં એક સમારોહમાં ‘ડેગ હેમરસ્કજાલ્ડ’ મેડલ મરણોત્તર એનાયત કરવામાં આવશે.
યુએન શાંતિ રક્ષામાં લશ્કરી કર્મચારીઓનો ભારત ચોથો સૌથી મોટો ફાળો આપનાર દેશ છે. હાલમાં, ભારતના ૫,૩૦૦ થી વધુ લશ્કરી અને પોલીસ કર્મચારીઓ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક ઓફ અબેઇ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લેબનોન, સોમાલિયા, દક્ષિણ સુદાન અને પશ્ચિમ સહારામાં યુએન શાંતિ રક્ષા કામગીરીમાં તૈનાત છે.
પીસકીપર્સ ડે નિમિત્તે વિશ્વ સંસ્થાના મુખ્યાલયમાં આયોજિત એક સમારોહ દરમિયાન, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ ૧૯૪૮ થી વિશ્વ સંસ્થામાં તેમની સેવા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ૪,૪૦૦ થી વધુ શાંતિ રક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ અર્પણ કરશે. ગુટેરેસ એક સમારોહની પણ અધ્યક્ષતા કરશે જેમાં ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર હેઠળ સેવા આપતી વખતે પોતાનો જીવ ગુમાવનારા ૫૭ લશ્કરી, પોલીસ અને નાગરિક શાંતિ રક્ષકોને મરણોત્તર ‘ડેગ હેમરસ્કજાલ્ડ’ મેડલ એનાયત કરવામાં આવશે.