ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાન ક્ષેત્રે પોતાનો ઉમદા ફાળો આપનાર આપણા મહાન વૈજ્ઞાનિકના જીવનનો એક પ્રસંગ આપ સૌની સામે વર્ણવતા ગર્વ થાય છે કે આપણા દેશમાં કેવા મહાન વ્યક્તિઓએ જન્મ લીધો છે. ઘટના બરોબર સમજાય તે માટે આ ઘટનાને હું અહીં અર્ધકાલ્પનિક અને અર્ધસત્ય ઘટના સ્વરૂપે વર્ણવું છું. પોતાનું વૈયક્તિક જીવન ખુબજ સંઘર્ષમાં વ્યતીત કરનાર એ વૈજ્ઞાનિકના બાળપણની વાત છે. કાળી ચૌદશનો દિવસ હતો ને બીજા દિવસે દિવાળી હતી. એ બાળકને દિવાળીનો ખુબ શોખ હતો. નવા કપડાં પહેરવા તેમજ ફટાકડા લાવી ફોડવા તેવી તેની ઈચ્છા હતી. પરંતુ તેના માટે તેની પાસે પૈસા નહોતા. તે બાળક દરરોજ સમાચાર પત્ર વેચીને પોતાના ઘરમાં મહત્વપૂર્ણ યોગદાન આપતો હતો. તે દરરોજ એક રૂપિયાના પેપર વેચે તેમાંથી પેપરનો ખર્ચ કાઢતા વધતા પૈસા તેને તેના ઘરમાં આપવા પડતા, પરંતુ આજે તેનો વિચાર કૈંક અલગ જ હતો. આજે તેણે નક્કી કર્યું હતું કે આજે કોઈ પણ હિસાબે પેપર બમણા વેચવા જ છે. અને અંતે તેને થોડી સફળતા પણ મળી. તે નિરાશ ન થતા વિચાર્યું આવતી કાલે દિવાળી છે તો વહેલા ઉઠીને પેપર વેચવા નીકળી જઈશ. અને બીજા દિવસે તે બાળક વહેલો ઉઠીને પેપર વેચવા માટે નીકળી ગયો. આજે તો આ બાળક પોતાના મનની ઈચ્છા પૂરી કરવા માટે વધુ વિસ્તારમાં તે પેપર વેચવા માટે ગયો. સવારના ૧૦ વાગી ગયા છે, છતાં તે બાળક પેપર વેચવા આમ તેમ ફરે છે. રસ્તા ઉપર ઘણા બાળકો નવા કપડાં પહેરીને ફટાકડા ફોડી રહ્યા હતા. આ જોઈને આ બાળકમાં વધુ ઉત્સાહનો સંચાર જોવા મળ્યો. અંતે આજે તે દરરોજ કરતા બે રૂપિયા વધારે કમાયો. અને તે ઝડપથી ઘરે પહોંચ્યો, એક રૂપિયો ઘરમાં આપ્યો અને એક રૂપિયો લઈને ફટાકડા ખરીદવા બજારમાં પહોંચ્યો. ફટાકડાની દુકાને પહોંચ્યો ત્યાં દુકાનદારે સરસ મજાના ફટાકડા બતાવ્યા પણ આ બાળકના મગજમાં કૈંક બીજા જ વિચાર ફરી રહ્યા હતા. અંતે તેણે દુકાનદારને કહ્યું તમારી દુકાનમાં જે ફટાકડા નકામા હોય તે મને આપો, દુકાનદાર પણ વિચારમાં પડી ગયો અને એ દુકાનદારે નકામા ઘણા બધા ફટાકડા તે બાળકને આપી દીધા. તે બાળકને તો જાણે ઘણું બધું મળી ગયું હોય તેમ તે ખુશ થઈને ત્યાંથી નકામા ફટાકડા લઇને ઘરે ગયો. અને તે બાળકે ઘરે જઈને ખૂબ મહેનત કરીને નકામા ફટાકડામાંથી સરસ મજાના નવા પોતાની જાતે ફટાકડા બનાવી દીધા. હવે સાંજ પડી છે, બધા જ બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. એવામાં થોડી જ વારમાં એ બાળકના ઘરેથી એવા શાનદાર ફટાકડા ફૂટવા લાગ્યા કે આખું ગામ જોતું રહી ગયું. એ ફટાકડા આકાશમાં જઈને ફૂટતા અને આકાશને રંગબેરંગી બનાવતા હતાં. આખા ગામના માણસો અને બાળકો જોવા આવ્યા. અને તેના ફૂટી રહેલા ફટાકડાને જોતા જ રહી ગયા. મિત્રો આ બાળક એ બીજું કોઈ નહીં પણ આપણા ગ્રેટ મિસાઈલમેન અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ હતા. કે જેમણે આપણી સંસ્કૃતિમાં વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપ્યો છે અને આપણા દેશ અને સંસ્કૃતિને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. આવો આપણે પણ આપણા રાષ્ટ્રનું ગૌરવ વધે તેવું કાર્ય કરીએ અને ભારતને ભવ્ય બનાવીએ. વંદેમાતરમ.