ગત રોજ ગુરુવારે સાંજના સમયે બનાસકાંઠાના ભાભર હાઈવે પર વાહન ઓવર ટેક કરવા મામલે દરબાર સમાજ અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ભાભરની બજારમાં ધીંગાણું સર્જાયું હતું. જેમાં એક જૂથ દ્વારા બીજા જૂથના લોકોને અધમુવા કરી નાખે તેવો માર મારવામાં આવ્યો હતો અને તેના વીડિયો પણ સામે આવ્યા હતા. આ બનાવમાં ઠાકોર સમાજના પાંચ લોકો ઘાયલ થતાં તેમણે ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલોને ગંભીર ઇજાઓ થતા ૩૦૭ જેવી ગંભીર કલમો લાગતા ૯ લોકો પર નામ જાગ તેમ જ આખા ટોળા પર રાયોટિંગનો ગુનો ભાભર પોલીસે નોંધ્યો હતો. જોકે આ ગુનાના આરોપીઓ હજુ સુધી ન પકડાતા અને વણસતી કાયદો વ્યવસ્થાને લઇ ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
ભાભરમાં સર જાહેર થયેલા હુમલાને લઈને ગતરોજ યોજાયેલી રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર, વાવના ભાજપના ધારાસભ્ય સવરૂપજી ઠાકોર , ભાજપના આગેવાન પીરાજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આરોપીને પકડવાની માંગ સાથે રેલી લોકનિકેતનથી ભાભરની બજારોમાંથી પસાર થઈ હતી. જે દરમિયાન સ્થાનિક લોકોને દુકાનો બંધ રાખવા અપીલ કરાઈ હતી. અંતે આ રેલી ભાભર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં એએસપી સુબોધ માનકર સમક્ષ સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સવરૂપજી ઠાકોરે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનોને સાથે રાખીને ઉગ્ર રજૂઆત કરી હતી.
ઠાકોર સમાજ દ્વારા નીકળેલી આ રેલી બાદ ટોળાએ તોડફોડ કરી ભાભર શહેરને બાનમાં લેવાની કોશિશ કરી હતી. જેમાં પાણીપૂરીની લારી અને જ્યુસની લારી લગાવી ઘંધો કરી રહેલા નિર્દોષ લોકો સહિત મોટી દુકાનોમાં પણ તોડ ફોડ કરાઈ હતી. જેના કારણે ભાભર બજારની દુકાનો એકાએક બંધ થઈ ગઈ હતી અને જડબે સલક સંપુર્ણ ભાભર શહેર બંધ જોવા મળ્યું હતું.
ભાભરમાં જાહેરમાં કાયદાના ધજાગરા ઉડતા બીજી તરફ દરબાર સમાજના આગેવાનો પણ ભાભર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભાભર સ્થાનિક રહિશોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે વણસતી કાયદો વ્યવસ્થાને ધ્યાને લઈને બનાસકાંઠા એલસીબી અને એસઓજીની ટીમો સાથે ભાભર પોલીસના જવાનોએ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હવે ભાભરમાં કાયદાના ઘજાગરા ઉડાડી ભાભરની બજારને બાનમાં લેનાર ઇસમો સામે ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.